ખેડૂત આંદોલનને કેજરીવાલનું સમર્થન, કહ્યું, ‘અન્નદાતાને જેલમાં નાખવા યોગ્ય નથી’
- દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખેડૂતોની ‘દિલ્હી ચલો’ કૂચને સમર્થન આપ્યું છે અને કેન્દ્રની NDA સરકાર પર આકરા પ્રહારો કર્યા છે
દિલ્હી, 13 ફેબ્રુઆરી: આમ આદમી પાર્ટી (AAP) એ મંગળવારે ખેડૂતોની ‘દિલ્હી ચલો’ કૂચને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે ‘અન્નદાતાને જેલમાં નાખવા યોગ્ય નથી. હાલ ખેડૂતોએ તેમની 13 ફેબ્રઆરીની દિલ્હી ચલો કૂચ શરુ કરી દિધી છે અને શંભુ બોર્ડરે ખેડૂતો પહોંચી ગયા છે, ત્યારે પોલીસે ખેડૂતોને રોકવા માટે ટીયર ગેસના શેલ પણ છોડ્યા છે, તો કેટલા ખેડૂતોની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી છે. મહત્ત્વનું છે કે ખેડૂતોના દિલ્હી ચલો કૂચને લઈને દિલ્હી પોલીસે પહેલેથી જ દિલ્હીની તમામ સરહદ પર કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.
કેન્દ્રએ પત્ર લખી કરી હતી માંગ
કેન્દ્ર સરકારે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલને 13 ફેબ્રુઆરીએ પત્ર લખ્યો હતો, પત્રમાં કેન્દ્ર સરકારે દિલ્હીના બવાના સ્ટેડિયમને જેલમાં ફેરવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો, ત્યારે કેજરીવાલે આ પ્રસ્તાવને નકારી કાઢતાં કહ્યું હતું કે, ‘દિલ્હીના બવાના સ્ટેડિયમને જેલમાં ફેરવીશું નહીં, અન્નદાતાને જેલમાં નાખવા યોગ્ય નથી.’
દિલ્હી-પંજાબ સરકાર ખેડૂતો સાથે
AAP મંત્રી કૈલાશ ગેહલોતે કહ્યું કે ખેડૂતોની માંગણીઓ સાચી છે અને દરેક નાગરિકને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર છે. ખેડૂત કૂચ શરૂ થયાના બે કલાક બાદ જ્યારે પ્રદર્શનકારીઓ શંભુ બોર્ડર પર પહોંચ્યા ત્યારે હરિયાણા પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના શેલ છોડવાનું શરૂ કર્યું હતું. AAP નેતાએ કહ્યું, ‘કેન્દ્ર સરકારે વાસ્તવમાં તેમને વાતચીત માટે આમંત્રિત કરવા જોઈએ અને તેમની વાસ્તવિક સમસ્યાઓના ઉકેલ શોધવાનો પ્રયાસ કરવો જોઈએ. દેશના ખેડૂતો અમારા અન્નદાતા છે અને તેમની ધરપકડ કરવી અને તેમની સાથે આવો વ્યવહાર કરવો એ તેમના ઘા પર મીઠું નાખવા જેવું થશે.’ દિલ્હીમાં AAP સરકારે વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે એકતા દર્શાવી, પંજાબ પોલીસે પણ પ્રદર્શનકારીઓને રોક્યા નહીં.
ખેડૂતોએ કહ્યું, ‘અમે રસ્તા નથી બંધ કરી રહ્યા’
ખેડૂતોએ સવારે 10 વાગ્યે ચલો દિલ્હી કૂચ શરૂ કરી, ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું કે પંજાબ અને હરિયાણા વચ્ચેની સરહદ આંતરરાષ્ટ્રીય સરહદ જેવી લાગે છે, રાજ્યની સરહદ નહીં. કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ પંઢેરે જણાવ્યું હતું કે, ‘આજે પણ અમે એવું નથી કહી રહ્યા કે અમે રસ્તા રોકીશું. સરકારે પોતે જ છેલ્લા બે-ત્રણ દિવસથી રસ્તાઓ બ્લોક કરી દીધા છે.’
આ પણ વાંચો: શંભુ બોર્ડર પર સ્થિતિ નિયંત્રણ બહાર, પોલીસે ડ્રોનથી ખેડૂતો પર ટીયર ગેસના શેલ છોડ્યા