અમદાવાદ, 13 ફેબ્રુઆરી 2024, જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના જેતલપુર ગામમાં આવેલ નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજના નવા વિભાગ ફોરેન્સિક સાયન્સ અને સાયબર સિક્યોરિટી વિભાગનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન કર્યું હતું. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની એકમાત્ર કોલેજ છે કે, જેમાં વિદ્યાર્થીઓ ફોરેન્સિક સાયન્સ અને સાયબર સિક્યોરિટીનું શિક્ષણ મેળવી શકશે.જેતલપુર ગામમાં દેશની આ 9મી ફોરેન્સિક સાયન્સ કોલેજ શરૂ થઈ છે.
જેતલપુર ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીનું ગામ
અમિત શાહે જણાવ્યું હતું કે, જેતલપુર ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીનું ગામ છે. અહીં અનેકવાર ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે. આ ગામ સાથે મારી અનેક યાદો જોડાયેલી છે. આ સંપ્રદાય દ્વારા અત્યારસુધી જગતના કલ્યાણ અર્થે અનેકવિધ કાર્યો કર્યાં છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અનેક જગ્યાએ ગુરુકુળ સ્થાપી શિક્ષણના ક્ષેત્રમાં આપેલું બહુમૂલ્ય યોગદાન અપાયું છે. જેતલપુરને પણ શિક્ષાનું ધામ બનાવ્યું છે. અહીં ફોરેન્સિક સાયન્સ અભ્યાસક્રમ શરૂ કરી આધુનિક શિક્ષણ આપવાની દિશામાં કામ કર્યું છે.
ફોરેન્સિક સાયન્સ ઇન્સ્ટિટ્યૂટનું પણ મહત્ત્વનું યોગદાન
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી મોદીએ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરી અને જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તે યુનિવર્સિટીને નેશનલ દરજ્જો આપી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બનાવી. જેતલપુરમાં આ યુનિવર્સિટી આવનારા દિવસોમાં વટવૃક્ષ સમાન બનશે, જ્યાં રિસર્ચ, ઇનોવેશન અને ટેકનોલોજી ક્ષેત્રે અનેક કામો થશે. નવા કાયદાઓમાં ફોરેન્સિક સાયન્સનો મહત્તમ રોલ હશે. વર્ષ 2025થી દર વર્ષે આશરે 30,000 જેટલા યુવાનો ફોરેન્સિક સાયન્સનો અભ્યાસ કરી દેશ-વિદેશમાં સેવા પ્રદાન કરશે જેમાં જેતલપુર ફોરેન્સિક સાયન્સ ઇન્સ્ટિટ્યૂટનું પણ મહત્ત્વનું યોગદાન હશે.
આ પણ વાંચોઃવડાપ્રધાન મોદીના સૌરાષ્ટ્ર પ્રવાસને લઈ તૈયારીઓ શરૂ