મુસાફરની બેગમાંથી આવી રહી હતી વિચિત્ર ગંધ, ખોલતાં જ મળ્યા ‘મૃત વાંદરા’: જાણો કેમ લાવ્યો હતો
અમેરિકા, 12 ફેબ્રુઆરી : આફ્રિકાથી અમેરિકા(America) જઈ રહેલા પ્રવાસીની બેગમાંથી વિચિત્ર ગંધ આવતાં તેની તપાસ કરવામાં આવી તો તેમાંથી મૃત વાંદરાઓ(Dead monkeys) મળી આવ્યા હતા. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાંથી(Democratic Republic of Congo) ચાર મૃત વાંદરાઓ ગેરકાયદેસર રીતે આયાત કરવાનો પ્રયાસ કરી રહેલા એક મુસાફરની બોસ્ટનના લોગાન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી.
પ્રવાસી તેના ઉપયોગ માટે મૃત વાંદરાઓ અમેરિકા લાવ્યો
આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસ (એપી)ના અહેવાલ અનુસાર, એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે પેસેન્જરે કહ્યું કે તેની બેગમાં સૂકી માછલીઓ હતી. જો કે, તપાસ કરતાં બેગમાંથી 4 વાંદરાઓના મૃત અને નિર્જલીકૃત મૃતદેહ(બુશમીટ) મળી આવ્યા હતા. CPBના પ્રવક્તા રેયાન બિસેટે ગયા રવિવારે (11 ફેબ્રુઆરી) કહ્યું હતું કે પ્રવાસીના સત્તાવાર નિવેદન મુજબ, તે વાંદરાઓને પોતાના વપરાશ માટે યુ.એસ. લાવ્યા હતા.
બુશમીટ શું છે?
જંગલી પ્રાણીઓના કાચા અથવા ઓછામાં ઓછા પ્રોસેસ્ડ માંસને બુશમીટ(Bushmeat) કહેવામાં આવે છે અને તેના ઉપયોગથી થતા રોગોને કારણે યુએસમાં તેના પર પ્રતિબંધ છે. CPB સ્થાનિક પોર્ટ ડિરેક્ટર જુલિયો કારાવીયાએ જણાવ્યું હતું કે, “યુનાઇટેડ સ્ટેટ્સમાં બુશમીટ(Bushmeat) લાવવાથી સંભવિત જોખમો થવાની શક્યતાઓ છે. કારણ કે તેમાં પેથોજેન્સ(Pathogens) હોઈ શકે છે જે ઇબોલા વાયરસ(Ebola virus) સહિત અન્ય ઘણા રોગોનું કારણ બની શકે છે.”
મુસાફર સામે કોઈ આરોપ નથી
આ ઘટના ગયા મહિને બની હતી, પરંતુ તે શનિવારે જાહેર કરવામાં આવી હતી. રેયાને જણાવ્યું હતું કે પ્રવાસી સામે કોઈ આરોપો દાખલ કરવામાં આવ્યા ન હતા, પરંતુ તેનો તમામ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો અને લગભગ 4 કિલોગ્રામ બુશમીટ યુ.એસ. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલને સોંપવામાં આવ્યો હતો અને તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ સિવાય તે મુસાફરની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
નોંધનીય છે કે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કર્ણાટકની રાજધાની બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બેગમાંથી કુલ 78 પ્રાણીઓ મળી આવ્યા હતા. બેંગલુરુ કસ્ટમ વિભાગે એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું હતું કે બેંગકોકથી આવતા સામાનમાં વિવિધ રંગોના 55 જીવંત બોલ અજગર અને 17 કિંગ કોબ્રા અને 6 મૃત કેપ્યુચિન વાંદરાઓ મળી આવ્યા હતા, જેને કલમ 110 હેઠળ જપ્ત કરવામાં આવ્યા હતા.
વિદેશની જેલોમાં બંધ હજારો ભારતીયોમાંથી મોટાભાગના ખાડી દેશમાં કેદ, શું છે કારણ?
‘નઝુલની જમીન’ એટલે શું? જેના પર બનેલી ઇમારતને લઇ હલ્દવાનીમાં હિંસા થઇ