ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદઃ સવારે અનરાધાર 1 ઈંચ જેટલો વરસાદ, શહેર ફરી પાણી પાણી થયું; રાજ્યમાં શુક્રવાર સુધી અતિભારે વરસાદની વકી

Text To Speech

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આજે સવારે ફરી વીજળીના કડાકાભડાકા સાથે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો હતો. જો કે હાલતો વરસાદે વિરામ લીધો છે. પરંતુ સવારે શહેરમાં સરેરાશ 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો. શહરેના ઉસ્માનપુરા, વાડજ, આશ્રમ રોડ, ઇન્કમટેકસ, સાબરમતી, ચાંદખેડા, મોટેરા, ચાંદલોડિયા, નિર્ણયનગર, રાણીપ વિસ્તારમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે પાલડી, વાસણા, વેજલપુર, શાહપુર, દરિયાપુર, શાહીબાગ, મેમકો, સરસપુર, મણિનગર, બોડકદેવ, સાયન્સ સીટી, વસ્ત્રાપુર, ઓઢવ, વિરાટનગર વિસ્તારમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

ગીરધરનગર શાહીબાગ અને અસારવા ચકલા બેન્ક ઓફ બરોડાની બહાર પણ પાણી ભરાયા છે. બીજી બાજુ વરસાદના પાણી ભરાતા અખબારનગર અને મોટી વણઝાર અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.અમદાવાદમાં પડેલા ભારે વરસાદને કારણે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં લઇ દરેક શાળાના આચાર્યએ પોતાની વિવેકબુદ્ધિથી સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરવો, એમ અમદાવાદના શિક્ષણ અધિકારીએ સૂચના આપી છે.શહેરના કે કે નગર વિસ્તારમાં ક્રોસિંગ રોડ પાસે ભારે વરસાદના કારણે સર્કલની વચ્ચોવચ્ચ પાણી ભરાઈ જવાથી સવારના સમયે અહીંથી પસાર થતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

AHMEDABAD
માત્ર સરેરાશ 1 ઈંચ વરસાદમાં અખબાર નગર અંડરપાસ બંધ કરવો પડ્યો હતો.
અમદાવાદમાં ફરી ઠેર ઠેર પાણી ભરાય ગયા હતા પરિણામે કામ ધંધે જતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી.

હજુ ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં આજે અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, નવસારી, વલસાડ, ડાંગ, સુરત અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે તેમજ 15 જુલાઇએ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો વરસાદને ધ્યાનમાં રાખીને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ચાંદલોડિયા, ગોતા, બોપલ, આંબલી, સેટેલાઈટ, વસ્ત્રાપુર, મેમનગર, આંબાવાડી, ઘાટલોડિયા, શીલજ, સરખેજ, આશ્રમ રોડ, સાબરમતી, એરપોર્ટ, શાહીબાગ, નવરંગપુરા, ઉસ્માનપુરા, ઈસનપુર, નરોડા, બાપુનગરમાં વરસાદ પડ્યો હતો.

Gujarat Wearther
હવામાન વિભાગે હજુ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે.

ગુજરાતમાં સીઝનનો 50 ટકા વરસાદ વરસી ગયો
હજી તો ચોમાસું શરૂ જ થયું છે ત્યાં ગુજરાતમાં 50 ટકા વરસાદ ખાબકી ગયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં સીઝનનો 17 ઈંચ કરતાં વધુ વરસાદ થયો છે. કચ્છમાં 17 ઈંચ અને 97.76 ટકા વરસાદ ખાબક્યો છે. ઉત્તર ગુજરાતમાં હજી સુધી સાત ઈંચ વરસાદ થયો છે, જ્યારે મધ્ય ગુજરાતમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રમાં 14 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 37 ઈંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 213 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં વાંસદા, કપરાડા અને ધરમપુરમાં મેઘતાંડવની સ્થિતિ છે. બીજી તરફ, આજે સવારે 6 વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં 80 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ધરમપુરમાં બે કલાકમાં 3 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

50 ડેમ પર હાઈ એલર્ટ, એલર્ટ અને ચેતવણીના સિગ્નલ
ગુજરાતમાં વરસાદને પગલે રાજ્યના 50 ડેમ પર હાઈ એલર્ટ, એલર્ટ અને ચેતવણીના સિગ્નલ આપવામાં આવ્યા છે, 50 પૈકી 27 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યાં 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો છે, એ જ રીતે 12 ડેમમાં 80થી 90 ટકા પાણી ભરાતાં એલર્ટ અને 70થી 80 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ થયો હોય તેવા 11 ડેમ પર વોર્નિંગ આપવામાં આવી છે. ગુજરાતમાં બુધવારની સ્થિતિએ 21 ડેમ સંપૂર્ણ છલકાયા છે. સરદાર સરોવર સહિત રાજ્યના 207 ડેમમાં અત્યારે 46.91 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

ગુજરાતમાં 21 ડેમમાં 100 ટકા પાણીનો સંગ્રહ
ગુજરાતમાં 21 ડેમમાં 100 ટકા પાણીનો સંગ્રહ થયો છે. આ 21 પૈકી સૌથી વધુ કચ્છમાં 13 ડેમ, દક્ષિણ ગુજરાતમાં 5, સૌરાષ્ટ્રમાં 3 ડેમનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં હજુ પાણીની ખાસ આવક નથી, ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 14.76 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 34.73 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 56.50 ટકા, કચ્છના 20 ડેમમાં 66.18, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 43.39 ટકા અને સરદાર સરોવર ડેમમાં 48 ટકા, એમ રાજ્યના કુલ 207 ડેમમાં 46.91 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર યોજનામાં 1,60,363 એમસીએફટી જળસંગ્રહ છે, જે કુલ જળસંગ્રહ શક્તિના 48 ટકા જેટલો છે.

 

Back to top button