ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ
તમારાં મમ્મી-પપ્પા મને મત ન આપે તો ખાવાનું બંધ કરી દેજોઃ કોણે વિદ્યાર્થીઓને આપી આવી સલાહ?
મુંબઈ (મહારાષ્ટ્ર), 11 ફેબ્રુઆરી: મહારાષ્ટ્રમાં શિવસેનાના શિંદે જૂથના ધારાસભ્ય સંતોષ બાંગરનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમના નિવેદનથી સત્તારૂઢ સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ધારાસભ્ય બાંગરે હિંગોલીમાં શાળાના વિદ્યાર્થીઓને વિચિત્ર સલાહ આપતાં કહ્યું કે, જો તમારા માતા-પિતા મને આગામી ચૂંટણીમાં વોટ નથી આપતાં તો બે દિવસ સુધી ખાવાનું ખાશો નહીં. તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યું છે.
MVAએ કાર્યવાહીની માંગ કરી
મહા વિકાસ આઘાડી (MVA)ના નેતાઓએ મત મેળવવા માટે નાના બાળકોનું ‘શોષણ’ કરવા બદલ સંતોષ બાંગર સામે કાર્યવાહીની માંગ કરી છે. સંતોષ બાંગરે જિલ્લા પરિષદ શાળાના વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું, ‘જો તમારા માતા-પિતા તમારા ખાવાના ઇનકાર પર સવાલ ઉઠાવે છે, તો તમારે તેમને કહેવું જોઈએ કે, સંતોષ બાંગરને મત આપો, તો જ અમે ખાઈશું.’ જેમની સામે તેમણે આ વાત કહી તે તમામ બાળકોની ઉંમર 10 વર્ષથી ઓછી હતી. સંતોષ બાંગર વિવાદોમાં રહે એ નવી વાત નથી. તેમણે આ વર્ષે જાન્યુઆરીમાં કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદી 2024ની લોકસભા ચૂંટણી બાદ કેન્દ્રમાં વડાપ્રધાન તરીકે સત્તા પર પાછા નહીં ફરે તો તેઓ જાહેરમાં ફાંસી લગાવી દેશે.
સંતોષ બાંગર નિવેદનથી અવારનવાર વિવાદમાં
વિધાનસભ્ય સંતોષ બાંગર મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના નેતા છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે ચૂંટણી સંબંધિત પ્રવૃત્તિઓમાં બાળકોનો ઉપયોગ કરવા સામે નિર્દેશ આપ્યાના એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં વિવાદમાં આવી ગયા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મત મેળવવા માટે રાજકીય પ્રચારમાં બાળકોનો ઉપયોગ પ્રતિબંધિત છે અને તે બાળ મજૂરી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, 1986નું ઉલ્લંઘન પણ છે.