VIDEO: સરકારી હોસ્પિટલમાં Reels બનાવવી મોંઘી પડી, 38 મેડિકલ સ્ટૂડન્ટ સામે કાર્યવાહી
બેંગલુરુ (કર્ણાટક), 11 ફેબ્રુઆરી: આજના જમાનામાં લોકો લાઇમલાઇટમાં રહેવા માટે કંઈને કંઈ સોશિયલ મીડિયા પર અખતરા કરતા હોય છે. જો કે, ઘણીવાર આવા મોજશોખ મુશ્કેલીમાં નાખી દે છે. આવો જ એક કિસ્સો કર્ણાટકમાં બન્યો છે, જ્યાં જિલ્લા હોસ્પિટલની અંદર રીલ બનાવવા બદલ 38 મેડિકલ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરાઈ છે. વિદ્યાર્થીઓ Reelsના રવાડે ચડતા હોસ્પિટલ તંત્રએ કડક પગલાં લીધાં છે. એટલું જ નહીં, તેમની આ હરકત બદલ સજા પણ અપાઈ છે.
શું છે સમગ્ર મામલો?
ચિત્રદુર્ગ જિલ્લાની સરકારી હોસ્પિટલ ગદગ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (GIMS)ના 38 વિદ્યાર્થીઓ સામે Reels બનાવવા બદલ કાર્યવાહી કરાઈ છે. દરેકની હાઉસકીપિંગ પોસ્ટિંગ 10 દિવસ માટે લંબાવવામાં આવી છે. વિદ્યાર્થીઓએ રીલ બનાવવા માટે હોસ્પિટલના પરિસરનો ઉપયોગ કર્યો હતો. તેમણે હિન્દી, કન્નડ અને તેલુગુ ફિલ્મોના ગીતો પર ઘણી રીલ્સ બનાવી હતી. મેડિકલ સ્ટુડન્ટ્સની રીલ્સ જોઈને લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે હોસ્પિટલ પરિસર, લેબ અને ઑપરેશન થિયેટરનો ઉપયોગ Reel માટે થવો જોઈએ નહીં. થોડીવારના મોજશોખ માટે દર્દીઓને મુશ્કેલી વેઠવી પડે છે. એવું કહેવાય છે કે વિદ્યાર્થીઓએ રાત્રે રીલ્સ બનાવી હતી, જેના કારણે અધિકારીઓએ તેના પર ધ્યાન આપ્યું ન હતું. જો કે, જ્યારે વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રીલ અપલોડ કરી, ત્યારે અધિકારીઓને તેની જાણ થઈ.
#Karnataka 38 medical students from #GIMS in #Gadag were suspended by the authorities after their reels shot inside the hospital goes viral, reports @raghukoppar @NewIndianXpress @XpressBengaluru @KannadaPrabha @gadag_online @IMAIndiaOrg @dineshgrao pic.twitter.com/8SyBsv1yw3
— Amit Upadhye (@AmitSUpadhye) February 10, 2024
GIMSના ડિરેક્ટરે શું કહ્યું?
GIMSના ડાયરેક્ટર બસવરાજ બોમનહલ્લીએ કહ્યું કે તેમને શનિવારે રીલ્સ વિશે જાણ થઈ, ત્યારબાદ તેમણે તમામ વિદ્યાર્થીઓને બોલાવ્યા. બોમનહલ્લીએ કહ્યું કે હોસ્પિટલના પરિસરમાં રીલ બનાવવી એ ગુનો છે. વિદ્યાર્થીઓએ હોસ્પિટલ કેમ્પસની બહાર રીલ્સ બનાવવી જોઈતી હતી, જેથી દર્દીઓને અસુવિધા ન થાય. હોસ્પિટલમાં વિદ્યાર્થીઓને આવી એક્ટિવિટી માટે કોઈ પરમિશન હોતી નથી. આ ઉપરાંત, સ્ટૂડન્ટ્સની પોસ્ટિંગ આગામી 10-20 દિવસમાં સમાપ્ત થવાની હતી. પરંતુ હવે તેને 10 દિવસ માટે લંબાવી દેવાઈ છે.
અગાઉ પ્રિ-વેડિંગ શૂટને લઈ થયો હતો હંગામો
A doctor’s pre-wedding photoshoot in a govt hospital’s operation theatre in #Bharamasagar of #Chitradurga. Dr. Abhishek, a contract physician, performed a ‘surgery’ with his fiancee.
DHO says it was unused OT & issues notice to the administrator.#Karnataka #PreWeddingShoot pic.twitter.com/Eve0g3K9p1
— Hate Detector 🔍 (@HateDetectors) February 9, 2024
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયેલા વીડિયોમાં મેડિકલ વિદ્યાર્થીઓ જિલ્લા હોસ્પિટલના કોરિડોરમાં હિન્દી અને કન્નડ ગીતો પર ડાન્સ કરતા જોવા મળે છે. વિદ્યાર્થીઓના આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સે આકરી પ્રતિક્રિયા આપી હતી અને વિદ્યાર્થીઓની ટીકા કરી હતી. આ પહેલા કર્ણાટકના આરોગ્ય મંત્રી દિનેશ ગુંદ્રાવે ચિત્રદુર્ગ જિલ્લાની સરકારી હોસ્પિટલના ઑપરેશન થિયેટરમાં પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવવા બદલ બે ડૉક્ટરને બરતરફ કર્યા હતા.
આ પણ વાંચો: કર્ણાટકમાં 9મા ધોરણની વિદ્યાર્થિનીએ બાળકને જન્મ આપ્યો, હોસ્ટેલ વોર્ડન સસ્પેન્ડ