કોંગ્રેસ ભારત જોડો ન્યાયયાત્રા વહેલી આટોપી લેશે? જાણો શું થયું
નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી: રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા વહેલી સમાપ્ત કરી તેવી ચર્ચા ચાલી રહી છે. 14 જાન્યુઆરીથી શરૂ થયેલી આ યાત્રા 20 માર્ચે મુંબઈમાં પૂરી થવાની હતી. પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે આ પહેલા આ યાત્રા સમય પહેલા આટોપી લેવાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર યાત્રા ઝડપથી આગળ ધપાવવામાં આવી રહી છે. પહેલા એક દિવસમાં 70 કિલોમીટરની યાત્રા કરવાનો પ્લાન હતો. જો કે, હવે તે દરરોજ 100 કિલોમીટરનું અંતર કાપવામાં આવી રહ્યું છે. આ સાથે ઉત્તર પ્રદેશમાં પાર્ટી હવે 11 દિવસના બદલે 6 થી 7 દિવસમાં તેની યાત્રા પૂર્ણ કરી લેશે. ટૂંકમાં રાહુલ ગાંધી તેમની યાત્રા 10 માર્ચ પહેલા સમાપ્ત કરી લેશે તેવી શક્યતા છે.
ઉત્તર પ્રદેશની યાત્રા પર પાણી ફરી વળ્યું
રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ 16 ફેબ્રુઆરીએ ચંદૌલી થઈને ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરશે. આ યાત્રા ઉત્તર પ્રદેશમાં લગભગ 11 દિવસમાં 20 જિલ્લામાંથી પસાર થવાની હતી. રાયબરેલીની આ યાત્રામાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ ભાગ લેશે. જો કે, હવે જાણવા મળે છે કે આ ન્યાય યાત્રા 11 દિવસના બદલે 6 થી 7 દિવસમાં આટોપી લેવાશે. આમ, કોંગ્રેસની યાત્રા પર પાણી ફરી વળ્યું છે.
ગઠબંધનમાં તિરાડ પડતા યાત્રાને વહેલી પૂર્ણ કરાશે
પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજકીય ઊથપાથલના લીધે પાર્ટીની ચિંતા વધી ગઈ છે. નીતિશ કુમાર NDAમાં સામેલ થઈ ગયા છે, બીજી તરફ, RLD પણ એનડીએમાં જોડાઈ તેવી અટકળોએ જોર પકડ્યું છે. આ ઘટનાક્રમના લીધે I.N.D.I. ગઠબંધનમાં તિરાડ પડી ગઈ છે. એટલું જ નહીં, AAP પાર્ટીએ પણ પંજાબમાં એકલા હાથે લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. આ બધા પડકારોનો સામનો અને લોકસભા ચૂંટણીની રણનીતિ ઘડવા માટે રાહુલ ગાંધી યાત્રા સમય પહેલા ખતમ કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.
આ સાથે, પાર્ટી I.N.D.I. ગઠબંધનમાં સીટોની વહેંચણીમાં વિલંબથી પણ ચિંતિત છે. ઘણા સહયોગી પક્ષના નેતાઓએ કહ્યું છે કે આ વિલંબ પાછળ કોંગ્રેસ મુખ્ય કારણ છે. મહત્ત્વનું છે કે, કોંગ્રેસ પાર્ટીએ સીટ શેરિંગ માટે એક કમિટી બનાવી છે. આ સમિતિએ અનેક પક્ષો સાથે બેઠકો પણ કરી છે પરંતુ હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. આ નિર્ણય રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ લેવાનો છે. પરંતુ આ માટે રાહુલ ગાંધીનું દિલ્હીમાં હાજર રહેવું પણ જરૂરી છે. એટલા માટે પાર્ટી આ યાત્રા જલ્દી ખતમ કરવા માંગે છે.
આ પણ વાંચો: રાહુલ ગાંધીએ આ શું કહી દીધું, ‘પીએમ મોદી ઓબીસી નથી…’, જૂઓ વીડિયો