ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભાજપ તરફ ઝૂકી રહેલા આચાર્ય પ્રમોદ કૃષ્ણમની છેવટે કોંગ્રેસમાંથી હકાલપટ્ટી

  • કોંગ્રેસ વિરૂદ્ધ નિવેદનો કરવાનું ભારે પડ્યું
  • રામલલા પ્રાણપ્રતિષ્ઠા સમારંભ તેમજ અન્ય મુદ્દે કોંગ્રેસ નેતાગીરીની જાહેરમાં વારંવાર ટીકા કરવા બદલ પક્ષે લીધું પગલું

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરીઃ કોંગ્રેસે ગઈકાલે (શનિવારે) મોડીરાત્રે પક્ષના વરિષ્ઠ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમની હકાલપટ્ટી કરી દીધી હતી. કોંગ્રેસે આચાર્યને તત્કાળ અસરથી છ વર્ષ માટે કોંગ્રેસમાંથી હાંકી કાઢ્યા છે. આચાર્ય પ્રમોદ કૃષ્ણમની હકાલપટ્ટીની જાહેરાત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસે કહ્યું કે, “અશિસ્ત તથા નિરંતર પક્ષ વિરોધી નિવેદનોને ધ્યાનમાં લઈને ઉત્તરપ્રદેશ કોંગ્રેસ સમિતિની પ્રમોદ કૃષ્ણમને હાંકી કાઢવાની દરખાસ્તને કોંગ્રેસ પ્રમુખે સ્વીકારી લીધી છે.”

આચાર્ય પ્રમોદ કૃષ્ણન - કોંગ્રેસ HDNews

તાજેતરમાં યોજાયેલી પાંચ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો અને ત્યારબાદ રામમંદિરમાં રામલલાના પ્રાણપ્રતિષ્ઠા સમારંભ જેવા મુદ્દાને પગલે પ્રમોદ કૃષ્ણમ અને કોંગ્રેસ વચ્ચે અંતર વધી રહ્યું હતું ત્યારથી જ સ્પષ્ટ હતું કે તેમની સામે પગલાં લેવાશે. જોકે, છેલ્લે ગયા અઠવાડિયે પ્રમોદ કૃષ્ણમે તેમના શ્રી કલ્કિ મંદિરના ઉદ્દઘાટન સમારંભમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના અન્ય નેતાઓને નિમંત્રણ આપ્યા ત્યારથી તેઓ કોંગ્રેસ મોવડીમંડળની નજરે વધારે ચઢ્યા હતા.

દરમિયાન, કોંગ્રેસના આ પગલાં પછી આજે વહેલી સવારે આચાર્ય પ્રમોદે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X ઉપર પ્રતિભાવ આપતા જણાવ્યું કે, રામ અને રાષ્ટ્ર સાથે સમાધાન કરી ન શકાય. આ નિવેદન સાથે તેમણે રાહુલ ગાંધીને ટૅગ કર્યા છે.

 

આચાર્ય પ્રમોદ કૃષ્ણમે એથી આગળ વધીને હજુ બે દિવસ પહેલાં જ રાહુલ ગાંધી વિરુદ્ધ નિવેદન કર્યું એ બાબત કદાચ કોંગ્રેસને સૌથી વધુ ખટકી હશે અને તેથી જ શનિવારે રાત્રે તેમને પક્ષમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લેવાયો. પ્રમોદ કૃષ્ણમે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીને મળવું સહેલું છે પરંતુ કોંગ્રેસના કાર્યકર-નેતા તરીકે રાહુલ ગાંધીને મળવું મુશ્કેલ છે. આચાર્યે એવો દાવો કર્યો હતો કે તેમણે એક વર્ષથી રાહુલ ગાંધીને મળવાની એપોઈન્ટમેન્ટ માગી છે, પરંતુ હજુ સુધી મને મળવા બોલાવ્યો નથી.

પાંચ વિધાનસભા ચૂંટણીમાં ત્રણ મુખ્ય રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા છત્તીસગઢમાં કોંગ્રેસની હાર થઈ ત્યારબાદ પ્રમોદ કૃષ્ણમે કોંગ્રેસના નેતૃત્ત્વની વિરુદ્ધમાં નિવેદનો આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ રામલલા પ્રાણપ્રતિષ્ઠા સમારંભમાં હાજરી માટે શ્રી રામજન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા સમગ્ર દેશના નેતાઓની સાથે કોંગ્રેસના પણ ટોચના નેતાઓને નિમંત્રણ આપવામાં આવ્યા હતા. જોકે, કોંગ્રેસની ટોચની નેતાગીરીએ નિમંત્રણ ફગાવી દેતાં કોંગ્રેસના ઘણા નેતાઓની જેમ પ્રમોદ કૃષ્ણમ પણ નારાજ થયા હતા અને તેમણે કોંગ્રેસ નેતાગીરી વિરુદ્ધ નિવેદન આપ્યાં હતાં.

આ પણ વાંચોઃ ભારત ચોક્કસ UN નું કાયમી સભ્ય બનશે : વિદેશ મંત્રી જયશંકર

Back to top button