ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

પાકિસ્તાનમાં રાજકીય ચિત્ર બદલાતા ઈમરાન ખાનને મોટી રાહત, કોર્ટે 12 કેસમાં આપ્યા જામીન

રાવલપિંડી, 10 ફેબ્રુઆરી: પાકિસ્તાનમાં ચૂંટણી પરિણામો વચ્ચે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટી રાહત મળી છે. રાવલપિંડીની(Rawalpindi) આતંકવાદ વિરોધી અદાલત (ATC) એ 9 મેના રમખાણો સંબંધિત 12 કેસોમાં ઈમરાનને(Imran Khan) જામીન આપી દીધા છે. ઈમરાન માટે આ બેવડી ખુશી છે કારણ કે ચૂંટણી પરિણામોમાં પણ તેમની પાર્ટી PTI  દ્વારા સમર્થિત ઉમેદવારોએ સૌથી વધુ બેઠકો જીતી છે.

12 કેસમાં જામીન મંજૂર

આ ઉપરાંત, ઈમરાન ખાનના નજીકના સહયોગી અને પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીને 13 કેસમાં જામીન આપવામાં આવ્યા છે. આર્મી મ્યુઝિયમ પર થયેલા હુમલામાં પણ ઈમરાનને જામીન મળી ચૂક્યા છે. કોર્ટે તમામ 12 કેસોમાં 1 લાખ રૂપિયાના પાકિસ્તાની બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે.

જજે જામીન આપતા પહેલા આ ટિપ્પણી કરી હતી

જામીન અરજીઓ પર, ATC ન્યાયાધીશ મલિક ઇજાઝ આસિફે ચુકાદો આપ્યો હતો કે PTIના સ્થાપકને કસ્ટડીમાં રાખવાનું કોઈ કારણ નથી અને 9 મેના કેસમાં તમામ શકમંદોને જામીન આપ્યા હતા. ઈમરાન અને કુરેશીને 6 ફેબ્રુઆરીએ આરોપો પર દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

જજે કેસના ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (FIR)માં સમાવિષ્ટ દાવાઓને ફગાવી દીધા હતા.

ઈમરાનને ભ્રષ્ટાચારના કેસમાં અટકાયતમાં લીધા બાદ 9 મેના રોજ દેશભરમાં ફાટી નીકળેલા રમખાણો સંબંધિત અનેક કેસોમાં કેસ નોંધવામાં આવ્યો હતો. રાવલપિંડીમાં નોંધાયેલી ફરિયાદોમાં જનરલ હેડક્વાર્ટર (GHQ)ના ગેટ પર હુમલો, એક સંવેદનશીલ સંસ્થાની ઓફિસમાં રમખાણ અને અન્ય ઘટનાઓનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની ચૂંટણીમાં જેલમાં હોવા છતાં ઈમરાન ખાનના ઉમેદવારોનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ઈમરાન ખાનના સમર્થકોએ અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી. જ્યારે નવાઝ શરીફે(Nawaz sharif) સરકાર બનાવવાનો દાવો કર્યો છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે PML-N અને PPP પણ સાથે મળીને સરકાર બનાવવા પર સહમત થઈ ગયા છે.

ગયા વર્ષે 9 મેના રોજ થયેલી હિંસા અંગે ઈમરાન ખાન અને અન્ય ઘણા પીટીઆઈ નેતાઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. ઈમરાન ખાનની ઈસ્લામાબાદમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેમના સમર્થકોએ હિંસક પ્રદર્શન શરૂ કરી દીધું હતું. ઈમરાનના સમર્થકોએ રાવલપિંડીમાં આર્મી કોમ્પ્લેક્સમાં ઘૂસીને ભારે તોડફોડ કરી હતી. આરોપ છે કે જમાન પાર્કમાં(Jaman Park) ઈમરાન ખાનના ઘરની બહાર પોલીસકર્મીઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી. આ સિવાય લાહોર પોલીસ સ્ટેશન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

હિંસા બાદ ઈમરાન ખાનના 100થી વધુ સમર્થકોની ધરપકડ કરવામાં આવી હતી. 2022માં ઈમરાન ખાનની સરકાર પડી. આ પછી, તેમને ઘણા કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યો અને ઘણા વર્ષોની જેલની સજા થઈ. કોર્ટે ઈમરાન ખાન પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમની પાર્ટીનું સિમ્બોલ બેટ પણ જપ્ત કરવામાં આવ્યું હતું. તોશાખાના કેસમાં ઈમરાન ખાનને ત્રણ વર્ષની સજા થઈ હતી.

હાઈકોર્ટે તેમની સજા રદ કરી હતી પરંતુ ત્યાં સુધીમાં અન્ય કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં તેમને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. અહેવાલો કહે છે કે પીટીઆઈના ઉમેદવારોએ પાકિસ્તાનમાં 100 થી વધુ બેઠકો જીતી છે. જોકે આ આંકડો બહુમતી કરતા ઓછો છે. પાકિસ્તાનમાં કુલ 265 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. આવી સ્થિતિમાં સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 133 બેઠકો જરૂરી છે, જે કોઈપણ પક્ષ પાસે નથી.

આ પણ વાંચો : સમાન નાગરિક ધારો – UCC વિશે તમે જાણવા માગો એ બધું અહીં વાંચો

Back to top button