ગુજરાતદક્ષિણ ગુજરાત

ચૈતર વસાવાએ વિરોધીઓને લલકાર્યા, સભામાં કહ્યું, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં

Text To Speech

દેડિયાપાડા, 10 ફેબ્રુઆરી 2024, આમઆદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વન વિભાગના કર્મચારીઓને ધમકાવવા અને તેમને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા સાથે હવામાં ફાયરિંગ કરવાના આરોપ લાગ્યા હતા. ત્યારબાદ તેમની ધરપકડ કરાઈ હતી અને હવે કોર્ટે શરતી જમીન મંજૂર કરતાં તેઓ લોકસભાની ચૂંટણીના કામમાં લાગી ગયાં છે. ચૈતર વસાવાએ ગતરોજ જંબુસર-આમોદની આમ આદમી પાર્ટીની સંકલન બેઠકમાં પુષ્પા ફિલ્મમાં પુષ્પારાજનો ડાયલોગ મેં ઝુકેગા નહિ અને નવાઝુદ્દીન સિદ્દીકીનો મોજી ફિલ્મનો ડાયલોગ ક્યા લગતા થા નહીં લોટેંગે, ગલત જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહી બોલતા જ રાજકીય માહોલ ગરમાયો છે.

ચૈતર વસાવાએ પણ લોકસંપર્કના કાર્યક્રમો શરૂ કર્યા
ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે તેમના નામની જાહેરાત કરી હતી.જેલમાંથી છૂટ્યા બાદ ચૈતર વસાવાએ પણ લોકસંપર્કના કાર્યક્રમો શરૂ કર્યા છે. ગતરોજ જંબુસર-આમોદમાં ચૈતર વસાવાની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીની સંકલન બેઠક મળી હતી, એમાં ચૈતર વસાવાએ પોતાના ભાષણમાં ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.

ડાયલોગ વાઈરલ થતાં જ રાજકીય માહોલ ગરમાયો
ચૈતર વસાવાએ ભાષણ કરતાં જણાવ્યું હતું કે તેમને હતું કે આ ભાઈ જેલમાં જ રહેશે અને લોકસભામાં આપણને ખુલ્લું મેદાન મળી જશે. બધા તમને પણ કહેતા હશે કે ચૈતરભાઈ તો જેલમાં જતા રહ્યા હવે તમે અમારી સાથે આવી જાઓ પણ તેમને હું કહેવા માગું છું કે તુમકો કા લગતા થા નહીં લોટેંગે.. ગલત.. જબ તક તોડેંગે નહીં. તબ તક છોડેંગે નહીં. ઝંડુ સમજ કે રખા હૈ ક્યા. યે ચૈતર વસાવા હૈ કભી ઝુંકેગા નહીં… સભામાં આટલું બોલતાં જ લોકોએ તાળીઓનો ગડગડાટ કર્યો હતો. સભામાં ઉપસ્થિત લોકોએ બૂમો પાડીને સભાને ગજવી મૂકી હતી.તેમનો આ ડાયલોગ વાઈરલ થતાં જ રાજકીય માહોલ ગરમાયો છે.

આ પણ વાંચોઃથરાદના એક જ ગામમાં ખરવા રોગથી 300 પશુઓના મૃત્યુનો દાવો, અધિકારીઓ દોડતા થયા

Back to top button