શું કમલનાથ અને વિવેક તન્ખા ભાજપમાં જોડાશે?
નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ અને રાજ્યસભાના સભ્ય વિવેક તન્ખા વિશે ચાલી રહેલી અટકળોએ જોર પકડ્યું છે. કહેવાઈ રહ્યું છે કે, તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલા કમલનાથ અને ભાજપ વચ્ચે થયેલી ડીલને લઈને શંકાના વાદળો ઘેરાયા હતા, પરંતુ હવે સમાચાર એ છે કે શંકાના વાદળો દૂર થઈ ગયા છે. એટલું જ નહીં, કમલનાથની આ ડીલને ખુદ મુખ્યમંત્રી મોહન યાદવ અને રાજ્યના અન્ય વરિષ્ઠ નેતાઓએ સમર્થન આપ્યું છે.
કમલનાથે રાજ્યસભાની સીટ અપાઈ શકે છે
તાજેતરમાં જ મુખ્યમંત્રી મોહન યાદવે દિલ્હીની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા. આ મીટિંગ દરમિયાન કોંગ્રેસના નેતાઓના ભાજપમાં જોડાવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, કમલનાથને રાજ્યસભાની સીટ આપવામાં આવી શકે છે. આ સિવાય તેમના પુત્રને છિંદવાડાથી લોકસભા સીટ અને મંત્રીનું પદની પણ ઓફર થઈ શકે છે. જો કે, મધ્યપ્રદેશના બે કોંગ્રેસ નેતાઓએ કમલનાથ સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ બંને નેતાઓને પૂછવામાં આવ્યું કે, તમે કમલનાથ સાથે કઈ બાબતે ચર્ચા કરી તો તેઓએ આ વાતને રદિયો આપ્યો હતો અને કહ્યું કે, અમે લોકસભા ચૂંટણીને લઈને તેમની સાથે વિગતવાર ચર્ચા કરી છે.
કોંગ્રેસ નેતાએ કર્યો મોટો ખુલાસો
નામ ન જણાવવાની શરતે એક કોંગ્રેસ નેતાએ કહ્યું કે, મને નથી લાગતુ કે, કમલનાથ બીજેપીમાં જોડાઈ શકે છે? જો આવું થાય છે તો આગામી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ગાબડું પડી શકે છે. જો કે, તાજેતરમાં કમલનાથે કહ્યું હતું કે, તેમનો પુત્ર નુકુલ નાથ છિંદવાડાથી ચૂંટણી લડશે. બીજી તરફ, એવી અટકળોએ પણ જોર પકડ્યું છે કે, રાજ્યસભાના સભ્ય વિવેક તન્ખા ભાજપમાં જોડાઈ શકે છે. જો કે, તન્ખાને કમલનાથના નજીકના સાથી માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના બે નેતાઓ જબલપુરના મેયર જગત બહાદુર સિંહ અક્કા ‘અન્નુ’ અને એમપી કોંગ્રેસ લીગલ સેલના ભૂતપૂર્વ વડા શશાંક શેખર પહેલેથી જ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. જગત બહાદુર અને શશાંક શેખર બંને વિવેક તન્ખાના નજીકના હોવાનું કહેવાય છે. તન્ખાને બીજી વખત રાજ્યસભા સાંસદની ટિકિટ આપવામાં આવી છે. તેમનો કાર્યકાળ જૂન 2028માં સમાપ્ત થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો કમલનાથ ભાજપમાં જોડાય છે તો વિવેક તન્ખા પણ કોંગ્રેસ સાથેના સંબંધો ખતમ કરી દે તેવી પૂરી શક્યતા છે.
આ પણ વાંચો: ‘વન નેશન-વન ઈલેક્શન’ પર મોદી સરકારના પ્રયાસ, કમલનાથે કહ્યું-આ એકદમથી શક્ય નથી