આંતરરાષ્ટ્રીય ડેસ્કઃ શુક્રવારે ફરી એકવાર અફઘાનિસ્તાનની ધરતી બોમ્બ વિસ્ફોટોથી હચમચી ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે, કુન્દુજ જિલ્લામાં આવેલી એક મસ્જિદમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં ઘણા લોકોના મોત થયા છે અને ઘણાં લોકો ઘાયલ થયા છે. હાલ આ તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, હજુ સુધી કોઈ પણ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.
30 લોકોના મોત નીપજ્યાં
અફઘાનિસ્તાનના કુન્દુજ ઇમામ સાહેબ, કુન્દુજ જિલ્લાના પોલીસ વડા હાફિઝ ઉમરે ટોલો ન્યૂઝને જણાવ્યું હતું કે, બપોરે માવળી સિકંદર મસ્જિદમાં આ ઘટના બની હતી. મસ્જિદમાં કેટલાક લોકો નમાજ અદા કરી રહ્યા હતા ત્યારે જ અચાનક બોમ્બ વિસ્ફોટ થયો હતો. અચાનક થયેલા બોમ્બ વિસ્ફોટથી ઘટનાસ્થળે ભયનો માહોલ સર્જાયો હતો અને 30થી વધુ લોકોના મોત નીપજ્યાં હતા. જ્યારે અનેક નમાઝીઓ ઘાયલ થયા હતા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા અનુસાર, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.
ગુરુવારે પણ થયો હતો વિસ્ફોટ
ઉત્તર અફઘાનિસ્તાનના મઝાર-એ-શરીફ શહેરમાં ગુરુવારે એક શિયા મસ્જિદમાં પ્રચંડ વિસ્ફોટમાં 10 નમાઝીઓના મોત નીપજ્યાં હતા અને 40 જેટલા લોકો ઘાયલ થયા હતા. જ્યારથી તાલિબાન શાસને અફઘાનિસ્તાન પર નિયંત્રણ મેળવ્યું છે, ત્યારથી દેશમાં વિસ્ફોટ અને હુમલાઓ થવા એ નિયમિત બાબત બની ગઈ છે.