ગુજરાત
રાજકોટમાંથી ઝડપાયેલો ઠગ ઓઈલમિલરો પાસેથી મંગાવેલું તેલ લઈ ભાગી જતો
રાજકોટમાં થોડા દિવસ પહેલા એક શખ્સે ઓઈલમિલર પાસેથી તેલના ડબ્બા મંગાવી તેને રૂપિયા નહીં આપી ઢુંબો મારી ભાગી જતા પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
સીંગતેલના 36 ડબ્બા મંગાવ્યા, માલીકે માણસ સાથે મોકલી દીધા
મળતી માહિતી મુજબ, રાજકોટના મોરબી રોડ ઉપર હરિપર ભુતકોટડા ગામે જાનકી નામે સીંગતેલની મીની ઓઇલ મીલમાં એક વ્યક્તિએ ફોન કરી પોતાની ઓળખ સંજય પટેલ તરીકે આપ્યા બાદ માલીક ચંદ્રકાન્તભાઈ ભાગીયાને સીંગતેલના 36 ડબ્બાનો ઓર્ડર આપ્યો હતો અને તે ડબ્બા રાજકોટમાં માધાપર ચોકડીથી આગળ મોરબી રોડ ઉપર રેલનગર જવાના રસ્તે આવેલા સૂઝુકી શો રૂમ પાસે મોકલવાનું કહ્યું હતું. જેથી ચંદ્રકાન્તભાઈએ તેમનો ઓર્ડર લઈ પોતાના માણસ મારફત તેલ મોકલી આપ્યું હતું.
તેલનું પેમેન્ટ કલેક્ટ કરવા પોતાના ભાઈને કહ્યું
ઓઈલમિલર ચંદ્રકાન્તભાઈએ તેલના 36 ડબ્બા મોકલી દીધા બાદ પેમેન્ટ લેવા રાજકોટમાં મોરબી રોડ જકાતનાકા પાસે સતનામ પાર્ક શેરી નં. 3 માં રહેતાં પોતાના નાનાભાઈ રોહિતને કહ્યું હતું જેથી રોહિત સંજયે આપેલા સરનામે પહોંચી ગયો હતો સાથે જ તે સમયે તેલ લઈને નીકળેલો માણસ પણ પહોંચ્યો હતો.
સંજયે તેલના 34 ડબ્બા છકડો અને 2 ડબ્બા ઓટોરિક્ષામાં મુકાવ્યા
રોહિતભાઈ અને તેનો માણસ તેલ લઈ સંજયભાઈએ આપેલા સરનામે પહોંચી ગયા બાદ ત્યાં એક સફેદ સેન્ટ્રો લઈ શખ્સ ઉભો હતો જેણે પોતાની ઓળખ સંજય પટેલ આપી તેલના 34 ડબ્બા પોતે બોલાવેલા છકડોમાં રખાવી 2 ડબ્બા બીજી ઓટોરિક્ષા ત્યાંથી ભાડે કરી તેમાં મુકાવી રોહિતભાઈ અને માણસને ઘરે આવી ડબ્બા મુકી પેમેન્ટ લઈ લેવાનું કહેતા બંને તેમાં બેસી ગયા હતા અને સંજય કાર સાથે આગળ નીકળ્યો હતો.
એક સોસાયટીના ગેટ પાસે રીક્ષા રોકાવી પોતે પાછળના ગેટ પરથી આવશે તેવું કહી નીકળી ગયો
સંજય પોતાની કારમાં આગળ જતો હોય અને રીક્ષામાં રોહિતભાઈ તેમજ તેનો માણસ પાછળ આવતા હોય તેમની રીક્ષા એક સોસાયટીના ગેટ પાસે ઉભી રખાવી પોતાનું ઘર તે જ સોસાયટીમાં હોવાનું કહી રીક્ષા અંદર લઈ લેવા તેમજ પોતે પાછળના બીજા ગેટ ઉપરથી આવે છે તેવું કહી ત્યાંથી સોસાયટીના પાછળના ભાગે ગયા બાદ લાંબો સમય સુધી તે દેખાયો ન હતો.
ફોન કરતા જ કહ્યુ, તમને જ ગોતું છું હમણાં આવું
રોહિતભાઈ અને તેનો માણસ રાહ જોઇને થાકી ગયા બાદ તેમણે સંજયને ફોન કર્યો હતો. ફોન લાગતા જ સંજયે ફોન ઉપાડી પોતે સોસાયટીમાં જ હોવાનું અને તેમને જ ગોતતા હોવાનું તથા હમણાં ત્યાં જ આવું છું તેમ કહીં ફોન કાપી નાંખ્યો હતો. ત્યારબાદ પણ 15 મિનિટ સુધી કોઈ પત્તો ન લાગતા ફરી ફોન કર્યો તો બંધ આવ્યો જેથી આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાવી હતી.
ક્રાઈમબ્રાન્ચની ટીમે બાતમીના આધારે આરએમસી ચોકમાંથી દબોચ્યો
આ ગુનો નોંધાતા જ પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. દરમ્યાન શહેર ક્રાઈમબ્રાન્ચને બાતમી મળી હતી કે તેલના ડબ્બા લઈ ભાગી ગયેલો શખ્સ હાલ કોર્પોરેશન ચોકમાં છે જેથી પોલીસે બાતમીવાળા સ્થળે વોચ ગોઠવતા ગુનામાં નોંધાયેલ નંબરવાળી સેન્ટ્રો કાર સાથે ઉભેલા શખ્સને અટકાવી નામ પુછતાં તેણે પોતાની ઓળખ અલ્પેશ પરમાર તરીકે આપી હતી ત્યારબાદ તેને ઠગાઈ અંગે વધુ પુછતાછ કરતા તેણે ગુનો કબુલતા જ તેની ધરપકડ કરી હતી.
આરોપીએ કુલ ચાર ગુનાની આપી કબૂલાત
આરોપી અલ્પેશે મોરબી રોડ હરિપર ભુતકોટડા મીલ સાથેની ઠગાઇ કબુલવા ઉપરાંત જેતપુરની બે ઓઇલ મીલ અને લતીપરની એક ઓઇલ મીલ સાથેની ઠગાઇ કરી હોવાની કબૂલાત આપી હતી. આ સાથે ઠગાઇથી મેળવેલુ કુલ રૂ 4,59,370 નું તેલ તેણે બારોબાર છુટક કેટરર્સના ધંધાર્થીઓ, કરીયાણાવાળાઓને બજારકિંમતથી રૂ. 200-300 ઓછા લઇ વેંચી દીધાનું રટણ કર્યુ છે.
લાખોનું દેણું થઇ જતાં તેમાંથી બહાર નીકળવા ઠગાઇના રવાડે ચડી ગયાનું રટણ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અલ્પેશ અગાઉ સબમર્સીબલ પંપના કારખાનામાં કામ કરતો હતો. પોતાના ઉપર લાખોનું દેણું થઇ જતાં તેમાંથી બહાર નીકળવા ઠગાઇના રવાડે ચડી ગયાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેતપુરની અન્ય એક મીલના નંબર પણ ગૂગલ પેમાંથી શોધી ફોન કરી રૂ. 67,500 ના 25 તેલના ડબ્બા મંગાવી ઠગાઇ કરી હતી. ઉપરાંત ધ્રોલના લતીપરમાં આવેલી ચામુંડા ઓઇલ મીલની અઢી મહિના પહેલા મુલાકાત લઇ ચામુડા ઇન્ડસ્ટ્રીઝ પેઢીનો ચેક આપી રૂ. 2,29,500નું 85 ડબ્બા તેલ રાજકોટ મંગાવી પેમેન્ટ ન કરી છેતરપિંડી આચરી હતી. આમ આરોપીએ કુલ ચાર ગુના કર્યાનું ક્રાઇમ બ્રાંચની પુછપરછમાં કબૂલ કરેલ છે.