Video: શિવસેનાના નેતાની FB લાઈવ દરમિયાન થયેલી હત્યાનો વીડિયો
નવી મુંબઈ, 9 ફેબ્રુઆરી : શિવસેના યુબીટી નેતા અભિષેક ઘોસાલકરની મુંબઈમાં ગઈકાલે રાત્રે લાઈવ શો દરમિયાન હત્યા કરવામાં આવી તેનો વીડિયો ઉપલબ્ધ થયો છે. આ હુમલા દરમિયાન અભિષેક પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, અભિષેક તદન નિખાલસ ભાવે પોતાના અને મોરિસ વચ્ચેના મતભેદોનો ઉલ્લેખ કરે છે અને ત્યારબાદ સમાધાન થયું હોવાની વાતનો પણ ઉલ્લેખ કરે છે.
અહીં જુઓ વીડિયો
વીડિયોમાં જે સાંભળવા મળે છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે, બંને વચ્ચે મતભેદ થયા હશે અને હવે સમાધાન થયું હશે. એ સમાધાનની વાત પોતપોતાના સમર્થકોને જણાવવા માટે ફેસબુક લાઈવ દ્વારા જાહેરાત કરવાનું નક્કી કર્યું હશે.
જોકે એ સમયે મોરિસના મનમાં શું ચાલી રહ્યું હશે અથવા એનું શું આયોજન હશે એ બાબત તેણે અભિષેક ઉપર ધરબી દીધેલી ગોળીઓ પરથી સમજી શકાય એમ છે.
ઘટના બાદ ઘાયલ શિવસેના નેતાને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. અભિષેક પર હુમલો કર્યાના થોડા સમય બાદ હુમલાખોરે પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. ઘટના સમયે અભિષેક એ જ હુમલાખોર સાથે બેસીને ફેસબુક લાઈવ કરી રહ્યો હતો. હવે પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.
શું છે આખી ઘટના ? કોણ છે મૃતક ?
મળતી માહિતી મુજબ, મુંબઈના દહિસર વિસ્તારમાં ગુરુવારે મોડી સાંજે શિવસેના યુબીટી નેતા અભિષેક ઘોસાલકર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘટનાસ્થળેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ આ હુમલામાં અભિષેકને ત્રણ ગોળી વાગી હતી. તેમના પર હુમલો કરનાર વ્યક્તિનું નામ ‘મોરિસ ભાઈ’ જણાવવામાં આવ્યું છે. આ ઘટના મુંબઈના MHB પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. મળતી માહિતી મુજબ ગોળીઓનો શિકાર બનેલા અભિષેક ઘોષાલકર પૂર્વ કોર્પોરેટર હતા. તે શિવસેના ઉદ્ધવ જૂથના નેતા વિનોદ ઘોસાલકરના પુત્ર હતા.
શા માટે કરાઈ હત્યા ?
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફાયરિંગ પરસ્પર વિવાદને કારણે કરવામાં આવ્યું હતું. બીજી તરફ શિવસેના ઉદ્ધવ જૂથના કાર્યકરો હોસ્પિટલની બહાર એકઠા થયા હતા. આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આ ઘટનાની જેટલી નિંદા કરીએ એટલી ઓછી છે. હુમલા અંગે શિવસેના (યુબીટી)ના પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં અરાજકતાનું વાતાવરણ સર્જવાના પ્રયાસો થઈ રહ્યા છે. ધારાસભ્ય હોય કે સાંસદ, કોઈ સુરક્ષિત દેખાતું નથી. શું વિપક્ષના લોકોને પસંદગીપૂર્વક નિશાન બનાવવામાં આવે છે? મુખ્યમંત્રીથી શરૂ કરીને સમગ્ર NDA સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે અને આ સરકાર રામ રાજ્ય લાવવાનું વચન આપે છે. અમે આવી સરકારને સંપૂર્ણપણે ઉખાડી નાખીશું.
આરોપી મોરિસે પોતે આત્મહત્યા કરી હતી
ઉલ્લેખનીય છે કે, અભિષેકને ગોળી મારનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ મોરિસ હતો. જેની સાથે બેસીને તે ફેસબુક લાઈવ કરી રહ્યો હતો. લાઇવ દરમિયાન, મોરિસ તેની પાસેથી દૂર જતો રહે છે, પછી તે પાછો ફરે છે કે તરત જ તેણે અભિષેક પર ગોળીબાર કર્યો હતો. સૌથી મોટી અપડેટ એ છે કે આરોપી મોરિસે અભિષેકને ગોળી માર્યા બાદ પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે તેનો મૃતદેહ મેળવી લીધો છે.