તુવેરમાંથી ગણતરીની કલાકમાં જ દાળ બનશે, આ કૃષિ યુનિ.માં થયું નવુ સંશોધન
ગુજરાત એ કઠોળના ઉત્પાદનમાં આગવું સ્થાન ધરાવે છે. કઠોળમાંથી દાળ બનાવવા માટે ગુજરાતમાં અનેક ઉધોગો કાર્યરત છે અને ખુબ મોટા પાયે વિદેશમાં નિકાસ પણ કરે છે. ત્યારે આ દિશામાં તુવેરમાંથી દાળ બનાવવાની પ્રક્રિયાને કાર્યક્ષમ અને વેગવંતી બનાવવા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ અંતર્ગત ચાલતા પ્રોસેસિંગ અને ફૂડ ઇજનેરી વિભાગના પ્રાધ્યાપક અને વડા ડો.એમ.એન. ડાભી તથા આ વિભાગના વૈજ્ઞાનિક ડો. પી. આર. ડાવરા, ડો. વી. પી.સાંગાણી અને ડો.પી.જે.રાઠોડના સંયુકત સંશોધન દ્વારા તુવેરની દાળ બનાવવા માટે ઉત્સેચકો આધારીત એક નવી જ પદ્ધતિ વિકસાવવામાં આવી છે.
ઓલ ઇન્ડીયા કો−ઓર્ડીનેટેડ રીસર્ચ પ્રોજેકટ ઓન હાર્વેસ્ટ ટેકનોલોજી, લુધીયાણાના પ્રોજેકટ કોર્ડીનેટર ડો. એસ.કે. ત્યાગી જણાવે છે કે તુવેરદાળ બનાવવા માટે, પરંપરાગત પ્રકિયાની સરખામણીએ આ પ્રકિયા ખૂબજ સરળ અને ફાયદાકારક છે. અને હવે તેનું ગ્રેઇન ટ્રીટર જેવા અદ્યતન મશીન દ્વારા યાંત્રીકીકરણ થવાને કારણે આ પ્રકિયાને કઠોળઉદ્યોગો સુધી પહોંચાડવામાં તથા તેને અપનાવવામાં પણ સુઘડતા રહેશે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક ડો. ડી. આર. મેહતાના જણાવ્યા મુજબ ભવિષ્યમાં આ ટેકનોલોજી દાળમીલમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે અને કઠોળનું પ્રસંસ્કરણ કરતા ઉદ્યોગોને મોટો ફાયદો થશે.
તુવેરનું ફોતરૂ ખૂબજ સખતાઇથી તેના દાણા સાથે ચીટકેલ હોય છે. જેને અન્ય કઠોળની જેમ સહેલાઇથી દુર કરી શકાતું નથી. હાલ તુવેરદાળ બનાવતા ઉદ્યોગોમાં વેટ મીલીંગ, ડ્રાય મીલીંગ, સી.એફ.ટી.આર.આઇ. પદ્ધતિ, પંતનગર પદ્ધતિ, સી.આઇ.એ.ઇ. પદ્ધતિ તથા આઇ.આઇ.પી.આર. પ્રકિયા વિગેરે જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે ગુજરાતમાં ડ્રાય મીલીંગ પદ્ધતિ વધુ પ્રચલિત છે. આ બધી પ્રકિયાઓમાં દાળ બનાવવા માટે ૪ થી ૭ દિવસ જેટલો સમય લાગે છે. વધુમાં આ પદ્ધતિઓ તુવેરના ફોતરાને સરળતાથી દૂર કરવામાં બહુ અસરકારક નથી જેને કારણે પ્રકિયાનો સમય વધુ લાગે છે, મજુરી ખર્ચ વધુ આવે છે અને મીલીંગ દરમ્યાન નુકસાન પણ વધે છે. અને આમ ઉત્પાદન ખર્ચ પણ વધુ લાગે છે. ખાદ્ય પદાર્થોની બનાવટમાં અને તેના પ્રસસ્કરણમાં ઉત્સેચકોનું ખુબ જ મહત્વનું કાર્ય છે. ઉત્સેચકો તુવેરના ફોતરાને દાણાથી છૂંટૂ પાડવામાં પણ ખૂબજ મદદરૂપ થાય છે. ઉત્સેચક આધારીત પ્રકિયામાં તુવેરના દાણાને ઉત્સસેચકો સાથે મિશ્રિત કર્યા બાદ નિશ્ચિત કરેલા તાપમાન પર નિર્ધારિત સમય સુધી પ્રક્રિયા આપ્યા બાદ તેની સુકવણી કરવાની હોય છે. અને સુકવણી થયા બાદ દાળમીલ ની મદદથી તેનું ફોતરૂ દુર કરવામાં આવે છે. આ પ્રકિયામાં ડ્રાય માલીંગ કે તેલનો પટ્ટ આપવાની પ્રકિયા કરતા ફોતરૂ દુર કરવાની ક્ષમતા વધુ મળેલ છે. ઉત્સેચકો આધારીત પ્રકિયામાં તુવેરના દાણામાંથી દાળ તૈયાર કરવાની સમગ્ર પ્રકિયાને ફકત ર૪ કલાક માંજ પૂર્ણ કરી શકાય છે. જયારે અન્ય પદ્ધતિમાં તેને ૪ થી ૭ દિવસ લાગે છે. આમ આ પ્રકિયાથી સમય, ખર્ચ અને ઉર્જાશકિતનો ઘણો બચાવ થાય છે અને મીલીંગ દરમ્યાન થતા નુકસાનમાં પણ ઘટાડો થાય છે. વધુમાં આ પ્રક્રિયાથી તૈયાર કરેલ દાળને રસોઇ વખતે ચડવામાં પણ ઓછો સમય લાગે છે.
પ્રકિયાને સરળ બનાવવા માટે ગ્રેઇન ટ્રીટર મશીન વિકસાવામાં આવેલ
તાજેતરમાં જ દાળ તૈયાર કરતા ઉદ્યોગોની જરૂરીયાતને ધ્યાનમાં રાખી આ પ્રકિયાને સરળ બનાવવા માટે ગ્રેઇન ટ્રીટર મશીન વિકસાવામાં આવેલ છે. આ મશીનમાં તુવેરના દાણાને ઉત્સેચકોની પ્રકિયા આપવા માટે જરૂરી દરેક સગવડતાઓ પૂરી પાડવામાં આવેલ છે અને તેનુ ઓટોમાઇઝેશન પણ કરવામાં આવેલ છે. પ્રાથમીક ધોરણે નાના સ્કેલના દાળ ઉત્પાદકો માટે ૧૦૦ કિગ્રા તુવેરની ક્ષમતા ધરાવતું મશીન વિકસાવામાં આવેલ છે. જે અસરકારક રીતે તુવેરને ઉત્સેચકોની પ્રકિયા આપી શકે છે. ભવિષ્યમાં મોટા ઉદ્યોગો માટે આ મશીનની ક્ષમતા વધારવામાં આવશે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ મશીનની પેટન્ટ મેળવવા પણ અરજી કરી છે.