BJP-RSS પર હુમલો કરનારાઓને PFI દ્વારા આપતું રિપોર્ટરનું બિરુદ, ચાર્જશીટમાં ખુલાસો
- PFI સાથે સંકળાયેલા કેટલાક લોકોની ધરપકડના કેસમાં ED દ્વારા પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી
નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી: પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે સંકળાયેલા કેટલાક લોકોની ધરપકડના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની આ પૂરક ચાર્જશીટમાં પીએફઆઈને લઈને મોટા ખુલાસાઓ કરવામાં આવ્યા છે. EDએ તેની ચાર્જશીટમાં કહ્યું છે કે, “તપાસમાં જાણવા મળ્યું છે કે PFIએ તેના કાર્યકરોને ‘રિપોર્ટર’નું બિરુદ આપ્યું હતું જેમણે BJP, RSSના લોકો પર હુમલો કર્યો હતો.”
ભાજપ-RSS વિરુદ્ધ હુમલાનું કાવતરું ઘડ્યું
EDનું કહેવું છે કે, ગુનામાંથી કમાયેલા નાણાંનો ઉપયોગ લડાઇની તાલીમ આપવા માટે કરવામાં આવતો હતો, જેનાથી લોકોને મારી શકાય છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે, પ્રતિબંધિત સંગઠન PFI વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી તેની પૂરક ચાર્જશીટમાં આરોપ મૂક્યો છે કે, પીએફઆઈએ તેના લોકોને દુશ્મનોને ઓળખવાનું અને તેમને શારીરિક નુકસાન પહોંચાડવાનું કાર્ય સોંપ્યું હતું અને આ કાર્ય હાથ ધરનારાઓને “રિપોર્ટર” કહેવામાં આવ્યા હતા. પીએફઆઈએ ભાજપ અને RSSને તેમના દુશ્મન ગણાવ્યા તેમજ તેમની વિરુદ્ધ હુમલાઓ કરવાનું કાવતરું ઘડ્યું. EDએ કથિત રૂ. 120 કરોડના PMLA કેસમાં 12 PFI સભ્યો વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. જે અંગે EDએ કહ્યું છે કે, 120 કરોડ રૂપિયામાંથી 60 કરોડ રૂપિયા સીધા PFIના ખાતામાં આવ્યા. જે માત્ર ગુનાની આવક છે.
શારીરિક તાલીમની આડમાં યુદ્ધ તાલીમ
EDએ આરોપ લગાવ્યો હતો કે ગુનાની રકમનો ઉપયોગ PFI દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરવામાં આવી રહ્યો છે. ચાર્જશીટમાં, EDએ દાવો કર્યો હતો કે આવાસ અને લગ્ન યોજનાઓની આડમાં હિંસક ગુનાઓના આરોપી PFI કાર્યકરોને ચૂકવણી કરવામાં આવી હતી. EDએ તેની ચાર્જશીટમાં એવો પણ દાવો કર્યો હતો કે PFI, શારીરિક તાલીમની આડમાં, તેના સભ્યોને લડાઇની તાલીમ આપી રહી હતી જેઓ લોકોની હત્યા કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા. આ ચાર્જશીટમાં EDએ કહ્યું છે કે, PFI સભ્યો આ તાલીમનો ઉપયોગ વિવિધ ગંભીર ગુનાઓ કરવા માટે કરી રહ્યા છે.
PFIની વિદેશમાં હાજરીની પુષ્ટિ
જોકે ED મુખ્યત્વે PMLAની કલમ હેઠળ કામ કરે છે, જે બાબતે EDએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગુનાની આવકની મદદથી PFI તેના સભ્યોને છરીઓના ઉપયોગ જેવી તાલીમ આપી રહી હતી, જે લોકોની હત્યા કરી શકે છે. PFIએ વિદેશમાં તેની હાજરીનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. જો કે, EDને કઈક અલગ જ સંકેત આપે તેવા પુરાવાઓ મળ્યા છે. EDએ કહ્યું કે PFIના રાષ્ટ્રીય મહાસચિવ અનીસ અહેમદે કહ્યું હતું કે PFI ભારતમાં જ કામ કરે છે. પરંતુ, ED દ્વારા જપ્ત કરવામાં આવેલા ડિજિટલ ડેટા પરથી જાણવા મળ્યું છે કે PFIના ગલ્ફ દેશોમાં હજારો સક્રિય સભ્યો છે અને તે બધા સુવ્યવસ્થિત અને સંરચિત રીતે ભંડોળ એકત્ર કરી રહ્યા છે.
UAEથી કુવૈત સુધીના ઘણા ગલ્ફ દેશોમાં PFI
આ ચાર્જશીટમાં EDએ દાવો કર્યો છે કે તેણે PFIના વિદેશી સભ્યોનો ડેટા રિકવર કર્યો છે, જેમની સંખ્યા 14,428 સુધી છે. EDએ કહ્યું છે કે અમે કોઝિકોડના યુનિટી હાઉસમાંથી જપ્ત કરેલી હાર્ડ ડિસ્કમાંથી એક દસ્તાવેજ રિકવર કર્યો છે. તેમાં બહાર આવ્યું છે કે PFI જેદ્દા, રિયાધ, દમ્મમ, UAE, કતાર, બહેરીન, કુવૈત, ઓમાન અને એશિયાના અન્ય વિસ્તારોમાં પોતાના સભ્યો ધરાવે છે. EDએ તાજેતરમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી છે, જેના પર પટિયાલા હાઉસ કોર્ટે પણ સંજ્ઞાન લીધું છે.
આ પણ જુઓ: ભારત સાથે દુશ્મની કરનાર માલદીવ આર્થિક સંકટમાં ઘેરાયું, IMFએ આપી ચેતવણી