પત્નીના શોખ પૂરા કરવા માટે પતિ બન્યો ‘સુપરથીફ’
મહારાષ્ટ્ર, 08 ફેબ્રુઆરી : મહારાષ્ટ્રના નાગપુરમાં બાઇક ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે બાઇક ચોરીના આરોપમાં એક યુવકની ધરપકડ કરી છે, જે તેની પત્નીને મોંઘી ચીજવસ્તુઓના શોખને કારણે ચોર બની ગયો હતો. આ યુવક ક્રિકેટ પર સટ્ટો રમવાનો પણ શોખીન છે. આરોપીને પકડવા માટે પોલીસને 250 CCTV ફૂટેજ સ્કેન કરવા પડ્યા હતા.
77 લાખની કિંમતની બાઈક ઝડપય
પ્રાપ્ત માહિતી અનુસાર, નાગપુર ક્રાઈમ બ્રાન્ચે એક યુવકની ધરપકડ કરી છે જેણે તેની પત્નીના મોંઘા શોખ પૂરા કરવા માટે રેકોર્ડ 111 બાઇકની ચોરી કરી હતી. આરોપીનું નામ લલિત ગજેન્દ્ર ભોંગે છે જેની પાસેથી પોલીસે અંદાજે રૂ. 77 લાખની કિંમતની બાઇક કબજે કરી છે. આરોપી સુધી પહોંચવા માટે પોલીસે લગભગ 250 સીસીટીવી કેમેરાના ફૂટેજ શોધવા પડ્યા હતા, આ માહિતી નાગપુરના પોલીસ કમિશનર ડૉ. રવિન્દ્ર કુમાર સિંઘલ દ્વારા આપવામાં આવી છે.
યુવકે ઘણા જિલ્લામાંથી બાઇક ચોરી કરી
પોલીસ કમિશનર ડો.રવીન્દ્ર કુમાર સિંઘલે જણાવ્યું હતું કે પોલીસ તપાસ દરમિયાન વિદર્ભના નવ જિલ્લાઓ પર ફોકસ કરવામાં આવ્યું હતું. આરોપી નાગપુર, અકોલા, અમરાવતી, ગઢચિરોલી, ચંદ્રપુર, યવતમાલ, ભંડારા અને અન્ય જિલ્લાઓમાં ચોરીની ઘટનાઓને અંજામ આપતો હતા અને તેને અલગ-અલગ જિલ્લામાં વેચતો હતો.
બે વર્ષથી ચોરીમાં સક્રિય
પોલીસ કમિશનરે જણાવ્યું કે લલિત લગભગ બે વર્ષથી વાહન ચોરીમાં સક્રિય હતો. વાહનની ચોરી કર્યા બાદ તે અમુક ફેરફાર કરી ગ્રામ્ય વિસ્તારોમાં વાહનો મોકલતો હતો. દસ્તાવેજો પછી આપશે એવું વચન આપીને છેતરપિંડી કરતો ને જે કિંમત મળે તેમાં બાઇક વેચી દેતો. તે ડુપ્લીકેટ ચાવી વડે લૉક તોડી વાહન ચોરી કરતો હતો.
લવ મેરેજ પછીની આર્થિક સ્થિતિ
ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળેલી માહિતી મુજબ આરોપી લલિત અગાઉ સેકન્ડહેન્ડ વાહનો વેચતો હતો. તેણે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન પછી પરિવારની આર્થિક સમસ્યાઓ વધી ગઈ, જેથી ઘરનો ખર્ચો પૂરો કરવા અને પત્નીના શોખ પૂરા કરવા લલિતે ટુ-વ્હીલર ચોરી કરવાનું શરૂ કર્યું. લલિતે 12મા સુધી અભ્યાસ કર્યો છે આ ઉપરાંત, ટુ વ્હીલર ચોરી કરીને તેને ગ્રામીણ વિસ્તારોમાં વેચવાનું શરૂ કર્યું હતું.
આ પણ વાંચો : હિન્દુ કેલેન્ડર હોય કે અંગ્રેજી કેલેન્ડર, અઠવાડિયામાં માત્ર સાત દિવસ જ કેમ હોય છે?