ગોવાના મંત્રી ગોવિંદ ગૌડેની વધી મુશ્કેલી..જાણો કેમ નોંધાઈ ફરિયાદ ?
- સરકારી અધિકારીને ધમકાવવા મામલે પોલીસ ફરિયાદ
- થોડાક દિવસ અગાઉ વિધાનસભા અધ્યક્ષે લગાવ્યા હતા ભ્રષ્ટાચારના આક્ષેપ
ગોવા, 7 ફેબ્રુઆરી : ગોવાના કલા અને સંસ્કૃતિ વિભાગના મંત્રી ગોવિંદ ગૌડે વિરુદ્ધ સરકારી અધિકારીને ધમકાવવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. થોડાક દિવસો પહેલા ગોવિંદ ગૌડે સામે વિધાનસભા અધ્યક્ષે પણ તપાસ માટે માગ કરી હતી.
ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરી રહેલા ગોવાના કલા-સંસ્કૃતિ મંત્રી ગોવિંદ ગૌડેની મુશ્કેલી વધતી જઈ રહી છે. એક તરફ બજેટના વિશેષ સત્રના પ્રથમ જ દિવસે ગોવા વિધાનસભાના અધ્યક્ષ રમેશ તાવડકરે કલા અને સંસ્કૃતિ મંત્રી ગોવિંદ ગૌડે પર ભંડોળના દુરુપયોગમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે અને તપાસની માંગ કરી છે. ત્યારે હવે પોલીસ દ્વારા ગૌડે વિરુદ્ધ સરકારી અધિકારીને ધમકી આપવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સરકારી અધિકારીઓને ધમકાવવાનો મામલો
કોંગ્રેસે ગૌડે વિરુદ્ધ સરકારી અધિકારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગોવા પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદિજાતિ સેલના પ્રમુખ રામકૃષ્ણ ઝાલ્મીએ તેમની લેખિત ફરિયાદમાં આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે ગોવાના કલા અને સંસ્કૃતિ મંત્રી અને આદિજાતિ કલ્યાણ નિર્દેશક વચ્ચેની વાતચીતની કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં મંત્રી અધિકારીને ધમકી આપી રહ્યા છે. પત્રમાં વધુમાં જણાવાયું છે કે ઓડિયોમાં મંત્રી ગોવા રાજ્ય એસસી/એસટી કમિશનના અધ્યક્ષને મારવાની વાત કરી રહ્યા છે અને મુખ્યમંત્રી આ મામલે મૌન છે.
વાયરલ ઓડિયોમાં શું છે?
કોંગ્રેસ નેતા ઝાલ્મીએ વધુમાં કહ્યું છે કે અમે પોલીસને ફરિયાદ કરી છે અને માંગ કરી છે કે આ ઓડિયોની તપાસ કરવામાં આવે અને IPCની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવે. ગૌડે અને આદિજાતિ કલ્યાણના નિર્દેશક દશરથ રેડકર વચ્ચે ફોન પર થયેલી વાતચીતની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં, ગૌડે કથિત રીતે રેડકરને એસટી/એસસી જાગૃતિ કાર્યક્રમ માટે એક સંસ્થાને ફંડ આપવા અંગે ધમકી આપી રહ્યા છે.
શું છે ભ્રષ્ટાચારનો આરોપ?
ગોવા વિધાનસભાના અધ્યક્ષ રમેશ તાવડકરે આરોપ લગાવ્યો છે કે કલા અને સંસ્કૃતિ વિભાગે કાનાકોનામાં અનેક સંસ્થાઓને જંગી ભંડોળ આપ્યું હતું. આ સંસ્થાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન માટે “બનાવટી દરખાસ્તો” રજૂ કરી હતી. તાવડકરે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ગૌડેને કૌભાંડની જાણકારી હતી. આ કારણોસર તેમના અને તેમના વિભાગ સામે તપાસ થવી જોઈએ. વિપક્ષ દ્વારા પણ મંત્રીને બરતરફ કરવાની માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો : શું બિહારમાં નીતિશ સાથે “ખેલા” થઈ જશે? વિધાનસભા સ્પીકર રાજીનામું આપવા નથી તૈયાર