હિન્દુ કેલેન્ડર હોય કે અંગ્રેજી કેલેન્ડર, અઠવાડિયામાં માત્ર સાત દિવસ જ કેમ હોય છે?
અમદાવાદ, 07 ફેબ્રુઆરી : અઠવાડિયામાં 7 દિવસ અને મહિનામાં 4 અઠવાડિયા હોય છે. હિન્દુ કેલેન્ડર,અંગ્રેજી કેલેન્ડર હોય કે પછી ઇસ્લામિક કેલેન્ડર હોય બધામાં આ એક વસ્તુ સામાન્ય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે અઠવાડિયામાં માત્ર સાત દિવસ જ કેમ હોય છે? આઠ, દસ કે પાંચ-ચાર દિવસ કેમ નહીં? શું તેનો નવ ગ્રહો સાથે કોઈ સંબંધ છે? જો એમ હોય, તો બધા કૅલેન્ડર તેને જ કેમ ફૉલો કરે છે? આ ખ્યાલ ક્યાંથી આવ્યો? ચાલો જાણીએ આ વિશે…
એક રિપોર્ટ અનુસાર 7 નંબર માત્ર હિન્દુ જ નહીં પણ તમામ સંસ્કૃતિઓ માટે મહત્વપૂર્ણ રહ્યો છે. સૌથી પહેલા જે પુરાવા મળ્યા તે મુજબ લગભગ ઇસવિસન પૂર્વે 2300 ની આસપાસ અક્કાદ શાસક સરગોન પહેલાના સમય દરમિયાન 7-દિવસના સપ્તાહની રચના કરવામાં આવી હતી. સરગોન બેબીલોનીયન (આજનું ઇરાક) ના ખગોળશાસ્ત્રીય પ્રતિભાશાળી રાજા હતા. જે 7 નંબરની પૂજા કરતાં હતા. આ સાત દિવસોનું નામ એ સાત ગ્રહોના નામ પરથી રાખવામાં આવ્યું છે જેને અહીંના લોકો ટેલિસ્કોપ દ્વારા જોઈ શકે છે. જેમ કે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. જેમાંના 5 ગ્રહો પછી નરી આંખે જોઈ શકાતા હતા.
શા માટે ગ્રહોને આધાર બનાવવામાં આવ્યા?
આ ગ્રહોને આધાર કેમ બનાવવામાં આવ્યા? રિપોર્ટ અનુસાર, મહિનાઓ, વર્ષ અને દિવસોનો સીધો સંબંધ ખગોળીય ઘટનાઓ સાથે છે. જેમ કે પૃથ્વી તેની ધરી પર ફરે છે અથવા સૂર્યની આસપાસ તેની પરિક્રમા પૂર્ણ કરે છે. ચંદ્ર લગભગ 27.3 દિવસમાં પૃથ્વીની આસપાસ તેની પરિક્રમા પૂર્ણ કરે છે. અમાસથી પૂનમ અને પૂનમથી અમાસ વચ્ચેનો સમયગાળો આશરે 14.5 દિવસનો છે. તેનો અડધો ભાગ 7.25 છે. એટલે કે લગભગ સાત દિવસ. તેમજ, મહિનાને બે ભાગમાં વહેંચવામાં આવ્યો, જેથી દરેક ભાગ બે અઠવાડિયાનો રાખવામાં આવ્યો. પછી 52 અઠવાડિયાને જોડીને એક વર્ષ બનાવવામાં આવ્યું. યહુદી ધર્મમાં એવું માનવામાં આવે છે કે આ 7 દિવસોમાં વિશ્વની રચના થઈ હતી. રોમન સામ્રાજ્યમાં, આ સાત ‘ગ્રહો’ને ક્રમિક ક્રમમાં મૂકીને ધોરણો નક્કી કરવામાં આવ્યા હતા. લગભગ તમામ સંસ્કૃતિઓમાં, અઠવાડિયાના દિવસોને આ બે રીતે નામ આપવામાં આવ્યું છે.
7 દિવસનો યજ્ઞોત્સવ
ભારતીય પરંપરામાં વૈદિક કાળ દરમિયાન 7 દિવસનો યજ્ઞોત્સવ થતો હતો. પરંતુ, તેની સાથે દિવસોના નામ આપવામાં આવ્યા ન હતા. બાદમાં જ્યારે સિકંદર ભારત આવ્યો ત્યારે તેણે ગ્રીક સંસ્કૃતિનો પ્રસાર શરૂ કર્યો. અહીંથી સાત દિવસીય સપ્તાહનો ખ્યાલ પણ ફેલાયો. આપણી પાસે કદાચ તેનું સૌથી જૂનું સ્વરૂપ ત્રીજી સદીમાં લખાયેલા ગરુડ પુરાણમાં છે. જેની રચના ભારતના યવનોના સંપર્ક પછી કરવામાં આવી હતી. ભારત પછી ચીને સાત દિવસનું સપ્તાહ શરૂ કર્યું. યહૂદી અને ઇસ્લામિક ધર્મના લોકો અઠવાડિયામાં એક દિવસ પૂજા-પાઠ માટે અનામત રાખતા હતા બાકીના દિવસોમાં કામ કરતા હતા.
આ પણ વાંચો : ભગવાન વિષ્ણુની મૂર્તિ અને પ્રાચીન શિવલિંગ કર્ણાટકમાં નદીમાંથી મળ્યાં