પોલીસ અધિકારીઓ હનીટ્રેપની જાળમાં ફસાયા, મહિલાએ આ રીતે લૂંટ્યા 1 કરોડ રૂપિયા
અલવર (રાજસ્થાન), 07 ફેબ્રુઆરી: અલવરમાં ત્રણ મહિલાઓએ બે પોલીસ અધિકારીઓને હનીટ્રેપમાં ફસાવીને 1 કરોડ રૂપિયા પડાવ્યા હતા. અરવલી વિહાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સીઆઈ મહેન્દ્ર કુમાર રાઠી અને કોન્સ્ટેબલ રોહતાસ રેગરને સ્વરૂપવાન યુવતીઓએ પોતાની જાળમાં ફસાવ્યા હતા. ત્યારબાદ આ કેસમાં પોલીસે 8 લોકોની ધરપકડ કરી હતી. આ ગેંગમાં રાની, સંગીતા, દિગંબર, પૂજા, ઉષા અને વિનોદ સામેલ છે. આ ઉપરાંત, પોલીસે હેડ કોન્સ્ટેબલ ગંગાધર અને ખોહ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિનોદ કુમારની પણ અટકાયત કરી છે. બીજી તરફ, પોલીસે કાર્યવાહી કરતાં મહિલા અને તેના સાથીઓ પાસેથી બ્લેકમેલિંગ ડૉક્યુમેન્ટ પણ કબજે કર્યા છે.
પોલીસ ઈન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલે અરવલી વિહાર પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપ અને સેક્સટોર્શનના બે અલગ-અલગ કેસ નોંધ્યા છે. આરોપ છે કે મહિલાએ હનીટ્રેપ કરીને ફોટા અને વીડિયો બનાવ્યા હતા. આ પછી, તેઓએ બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપીને સીઆઈ મહેન્દ્ર કુમાર પાસેથી લગભગ 90 લાખ રૂપિયા અને કોન્સ્ટેબલ રોહતાશ પાસેથી લગભગ 6 લાખ રૂપિયા પડાવ્યા હતા.
શું છે સમગ્ર મામલો?
CI મહેન્દ્ર કુમારે રિપોર્ટ ફાઈલ કર્યો છે કે, વર્ષ 2022માં મહિલા સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત થતી હતી. બંનેએ એકબીજાને મળવાનું શરૂ કર્યુ. મહિલા અલવર આવી તે દરમિયાન તેણે ફોટો-વીડિયો બનાવ્યા અને પછીથી દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. આરોપી મહિલાએ ઘર ખરીદવા અને અન્ય કામ માટે પણ પૈસા પડાવ્યા હતા. જેમાંથી આશરે 50 લાખ રૂપિયા મહિલાને ચેક અને ટ્રાન્સફર દ્વારા અપાયા હતા, જ્યારે 40 લાખ રૂપિયા રોકડ લોન લઈને તેને આપ્યા હતા. આવી જ રીતે, મહિલાએ કૉન્સ્ટેબલ રોહતાસ પાસેથી 6 લાખ રૂપિયાથી વધુની રકમ વસૂલી હતી. હાલ પોલીસે 8 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: અજાણ્યાના ઘરે જતા પહેલા ચેતજો : સુરતમાં LIC એજન્ટને યુવતીએ ઘરે બોલાવી હનીટ્રેપમાં ફસાવ્યો