અમદાવાદ, 7 ફેબ્રુઆરી 2024, શહેરમાં દિવસે દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં બાઈક પર આવેલા કેટલાક અસામાજિક તત્વોએ આંતક મચાવ્યો હતો.માથાભારે તત્વોએ ધાક જમાવવાના ઈરાદે 20 જેટલા વાહનોમાં તોડફોડ કરી હતી. બાદમાં ગાળો બોલીને નાસી ગયા હતા. મોડીરાતે તોડફોડની ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ દોડતી થઈ હતી. સમગ્ર ઘટનાથી લોકોમાં પણ ડરનો માહોલ સર્જાયો હતો. રામોલ પોલીસે સમગ્ર મામલે રાયોટિંગ સહિતની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
View this post on Instagram
વાહનોના કાચ તોડવા માંડ્યા હતાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા જગદીશ ભલગામિયાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગત મોડીરાતે બાઈકો પર કેટલાક શખ્સો તલવાર, ધોકા સહિતના હથિયારો લઈને આવ્યા હતા.તેઓ ગાળો બોલી રહ્યા હતા અને એકાએક વાહનોમાં તોડફોડ કરવા લાગ્યા હતા.વાહનોના કાચ તૂટવાનો અવાજ આવતા લોકો દોડીને બહાર આવી ગયા હતા.
પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી
માથાભારે તત્વોના હાથમાં હથિયાર હોવાના કારણે સોસાયટીના રહીશો પણ ચૂપચાપ જોઈ રહ્યા હતા. માથાભારે તત્વો ગાળો બોલીને વાહનોના કાચ ફોડી રહ્યા હતા.પોલીસ આવે તે પહેલાં જ તેઓ નાસી ગયા હતાં. સ્થાનિકોએ આ મામલે પોલીસને જાણ કરી દીધી હતી. રામોલ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોચી ગઈ હતી. પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજ કબજે કરીને તમામ ગુનેગારોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.