રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, દ.ગુજરાત અને દ. સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ
ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી આપી છે. વોલમાર્ક લો પ્રેશર હોવાથી રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. પરંતુ હજી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
રાજ્યમાં વરસાદી આફતમાં અત્યાર સુધીમાં 31035 નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 14 લોકોનાં મોત થયાં છે. વરસાદની આગાહીના પગલે રાજ્યનું વહીવટી તંત્ર હજુ સ્ટેન્ડ ટૂ છે અને નાગરિકોના જાનમાલની સુરક્ષા અને સલામતી માટે સુસજજ કરાયું છે. આગાહીને ભાગરૂપે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગનાં ડાયરેકટર ડો. મનોરમાં મોહંતીએ રાજ્યમાં પડેલા વરસાદના આકડા આપતાં કહ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 46 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ તથા રાજ્યના અન્ય 25 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના અન્ય 142 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 46 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 93.54 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 57.36 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 47.23 ટકા, પૂર્વ ગુજરાતમાં 37.92 ટકા અને ઉત્તર ગુજરાતમાં 26.25 ટકા મોસમનો કુલ સરેરાશ નોંધાયો હોવાના અહેવાલ છે.