જગતના તાતને રાહત: ખેડૂતોને વગર વ્ચાજે મળશે પાક ધીરાણઃકૃષિ મંત્રી રાઘવજી પટેલ
રાજ્યના ખેડૂતોને વ્યાજ સહાયનો કોઈ બોજો ન પડે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે રૂ.500 કરોડના રિવોલ્વીંગ ફંડ ઉપરાંત વધુ રૂ.135 કરોડનો ઉમેરો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યુ કે, રાજ્ય સરકારની નીતિ અનુસાર રાજ્યના સમયસર ધિરાણ પરત ભરપાઇ કરતાં ખેડૂતોને રૂ.3 લાખ સુધીનું પાક ધિરાણ વિના વ્યાજે આપવામાં આવે છે. ખેડૂતોને દર વર્ષે કુલ 7 ટકા ધિરાણ સહાયતા મળી હોય છે. જેમાં રાજ્ય સરકાર ચાર ટકા, અને કેન્દ્ર સરકાર 3 ટકા વ્યાજ મળે છે. જોકે, રાજ્ય સરકારે આ અંગે નિર્ણય કરતા ખેડૂતોને વગર વ્યાજે પાક ધિરાણ મળશે.
રાજ્યના ખેડૂતો માટે ગાંધીનગરથી રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે વહીવટી કારણોસર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વ્યાજ સહાયના નાણાંના દાવા વિલંબથી મળે તેવા સંજોગોમાં ખેડૂતોને વ્યાજ સહાયનો કોઈ બોજો ન પડે તે માટે રાજ્ય સહકારી બેંક મારફતે રૂ.500 કરોડના રિવોલ્વીંગ ફંડની રચના કરવામાં આવેલી છે. આમ છતાં ખેડૂતોને આ લાભ વિલંબથી મળવા બાબતની મળતી રજૂઆતો સંદર્ભે સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત રાજ્ય સહકારી બેંકના ચેરમેન અજયભાઈ પટેલ તથા સહકાર વિભાગના સચિવ તથા રાષ્ટ્રીયકૃત બેન્કોના સબંધિત અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમણે વધુમાં ઉમેર્યુ કે, બેઠકમાં આ અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરીને ખેડૂતોને વ્યાજ સહાયનો કોઈ બોજો ન પડે તે માટેનો સંવેદનશીલ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. રૂ.500 કરોડના રિવોલ્વીંગ ફંડ ઉપરાંત વધુ રૂ. 135 કરોડનો ઉમેરો કરવાનો નિર્ણય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સંમતિથી કરવામાં આવ્યો છે. ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવા બદલ કૃષિ મંત્રીએ માન. મુખ્યમંત્રી તથા સહકાર મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.