જામનગરના લાલપુરમાં અઢી વર્ષની બાળકી વાડીના ખુલ્લા બોરમાં પડી, બચાવ કાર્ય ચાલુ
જામનગર, 6 ફેબ્રુઆરી : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામે એક વાડીના બોરવેલમાં અઢી વર્ષનું બાળક રમતાં રમતાં પડી જતાં દોડધામ મચી છે. જેના માટે ફાયર અને 108 ની ટીમે બચાવની કામગીરી શરૂ કરી છે. જમીનથી 15 ફૂટ નીચે બાળક બોરવેલમાં ફસાયું હોવાની માહિતી સામે આવી રહી છે. ફાયરની ટીમ દ્વારા હાલ બાળકને કૃત્રિમ રીતે ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. બોરમાંથી બાળકના રડવાનો અવાજ આવી રહ્યો છે.
વહીવટી તંત્ર બચાવ કાર્યમાં પહોંચ્યું
આ સાથે જ મામલતદાર અને સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. તેમજ તંત્ર દ્વારા NDRF અને રોબોટની મદદ લેવામાં આવશે. આ ઘટના ગોવિંદભાઈ કરંગીયાની વાડીમાં બનાવ બન્યો છે તેની માહિતી સામે આવી છે. આ ઉપરાંત જામનગર શહેરથી ફાયર બ્રિગેડની ટીમ રવાના કરવામાં આવી છે.
અગાઉ દ્વારકા પંથકમાં બની હતી આવી જ ઘટના
ઉલ્લેખનીય છે કે, દ્વારકા જિલ્લાના રાણ ગામમાં એક મહિના પહેલાં ત્રણ વર્ષની બાળકી બોરમાં પડી જતા મોત થયું હતું. બાળકી ફળિયામાં રમી રહી હતી આ દરમિયાન અકસ્માતે બાળકી 100 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી હોવાની ઘટના બની હતી. આ પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન કરી 9 કલાકની જહેમત બાદ બાળકીને બોરવેલમાંથી બહાર કાઢી લેવાઈ હતી અને ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યું હતું.