કલાકો સુધી એક જગ્યાએ બેસીને કામ કરતા હો તો રોજ કરો માત્ર આટલી એક્સર્સાઈઝ
- મોટાભાગનું કામ કમ્પ્યૂટર પર જ કરવાનું હોવાથી લોકો કલાકો સુધી એક જગ્યાએ બેસીને કામ કરતા જોવા મળે છે. ઓફિસ વર્કના નામે આ આદત શરીરને ગંભીર બીમારીઓનું ઘર બનાવી શકે છે
ઝડપથી બદલાતી ટેક્નોલોજીએ આપણા કામના કલાકો અને પદ્ધતિઓમાં પણ ફેરફાર કર્યો છે. આજકાલ બેસીને કરવાનું કામ (સિટિંગ વર્ક) વધુ થવા લાગ્યું છે, મોટાભાગનું કામ કમ્પ્યૂટર પર જ કરવાનું હોવાથી લોકો કલાકો સુધી એક જગ્યાએ બેસીને કામ કરતા જોવા મળે છે. ઓફિસ વર્કના નામે આ આદત શરીરને ગંભીર બીમારીઓનું ઘર બનાવી શકે છે, તેનાથી મૃત્યુનું જોખમ પણ ઊભું થઈ શકે છે. દરેક વ્યક્તિ આ સમસ્યાનો કોઈને કોઈ ઉકેલ શોધવા માંગે છે. તાજેતરના એક અભ્યાસમાં સામે આવ્યું છે કે રોજની કસરત લોંગ સિટિંગ (લાંબા સમય સુધી બેસી રહેવું) થી થતી પરેશાનીઓને ઘટાડી શકે છે.
દરરોજ 22 મિનિટની કસરત કરો
જો તમારે બેસીને જ કામ કરવાનું છે તો આ અભ્યાસ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. અભ્યાસ મુજબ, દરરોજ 22 મિનિટની કસરત કરવાથી બીમારીનું જોખમ ઘટાડી શકાય છે. બ્રિટિશ જર્નલ ઑફ સ્પોર્ટ્સ મેડિસિનમાં પ્રકાશિત થયેલા અભ્યાસના પરિણામોમાં જાણવા મળ્યું છે કે દરરોજ 22 મિનિટની કસરત લાંબા સમય સુધી બેસી રહેવાથી થતા નુકસાનને ઘટાડી શકે છે. સંશોધન કરનાર મુખ્ય લેખક એડવર્ડ સેગેલ્વ નોર્વેની આર્ક્ટિક યુનિવર્સિટીના સંશોધક છે. તેઓ દર અઠવાડિયે 150 મિનિટની મધ્યમથી તેજ ગતિની એક્ટિવીટીની ભલામણ કરે છે. તેઓ કહે છે કે તેના લીધે લાંબા સમય સુધી બેસી રહેવાથી આરોગ્યને થતા નુકસાન ઘટે છે.
શા માટે લાંબા સમય સુધી બેસવું જોખમી છે?
લાંબો સમય બેસી રહેવાથી મૃત્યુનો ખતરો વધી જાય છે, કારણ કે તેના કારણે શરીરને ઘણી આડઅસરોનો સામનો કરવો પડે છે. તેનાં કારણે સ્થૂળતા, કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ, ટાઇપ 2 ડાયાબિટીસ અને અમુક પ્રકારના કેન્સરનું જોખમ વધી જાય છે. વધુ સમય સુધી બેસી રહેવાથી મસલ્સ ઈનએક્ટિવ થઈ જાય છે. મેટાબોલિઝમ ઘટવા લાગે છે, બ્લડ સર્ક્યુલેશન ધીમું થઈ જાય છે અને બીમારી/ મૃત્યુની આશંકા વધે છે.
આ પણ વાંચોઃ ભારતમાં 60 ટકા બાળકોનાં મૃત્યુ આ કારણથી થાય છે, જાણો