અમદાવાદગુજરાત

અમદાવાદમાં ટોરેન્ટ ગ્રુપનાં શારદાબેન મહેતાનું અવસાન, પરોપકાર માટે દ્રષ્ટાંતરૂપ રહ્યાં

Text To Speech

અમદાવાદ, 6 ફેબ્રુઆરી 2024, ટોરેન્ટ ગ્રૂપના સંસ્થાપક સ્વ. ઉત્તમભાઈ એન મહેતાના ધર્મપત્ની અને ઉદ્યોગપતિ સુધીરભાઈ મહેતા- સમીરભાઈ મહેતાના માતૃશ્રી શ્રીમતી શારદાબેન મહેતાનું 93 વર્ષની વયે સોમવારે વહેલી સવારે અમદાવાદ ખાતે અવસાન થયું છે. તેઓ તેમના જીવનકાળ દરમિયાન સંવેદનશીલતા અને પરોપકાર માટે દ્રષ્ટાંતરૂપ રહ્યાં હતાં.કરૂણા તેમજ લોકો પ્રત્યેની તેમની સંવેદના માટે જાણીતાં હતાં. શારદાબેનના પરિવારમાં તેમના સુધીર મહેતા, સમીર મહેતા, મીનાબેન અને નયનાબેન એમ ચાર સંતાનો છે.

સમાજના અનેક પડકારોનો હિંમતપૂર્વક સામનો કર્યો
શારદાબેનનો જન્મ 27 ઓગસ્ટ 1931ના રોજ પાલનપુરના મેમદપુરમાં ગામ થયો હતો. તેમનું બાળપણ સ્વતંત્રતા પહેલાના ભારતના એક એવા સમાજમાં વીત્યું જ્યાં કન્યાને શિક્ષણ આપવામાં ઉદાસીનતા રહેલી હતી. આ સમયમાં તેમણે સમાજના અનેક પડકારોનો હિંમતપૂર્વક સામનો કર્યો અને કન્યા કેળવણી સહિતના પ્રગતિશીલ વિચારોને આગળ વધાર્યા હતાં. 1947માં તેમણે ઉત્તમભાઈ મહેતા સાથે લગ્ન કર્યા હતા. એ વખતે ઉત્તમભાઈ મહેતા ફાર્મા કંપનીમાં તબીબી પ્રતિનિધિ તરીકે ફરજ બજાવતા હતા. લગ્નના થોડા સમયમાં યુ.એન. મહેતાએ ઊંચા પગારવાળી નોકરી છોડીને ઉદ્યોગ સાહસિક બનવાના પોતાના સપનાને સાકાર કરવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા.

જૈન દેરાસરોના નવીનીકરણ અને વિકાસ માટે સખાવત કરી
જીવનના આ સફરમાં તેઓને અનેક મુશ્કેલી-પડકારોનો સામનો કરવો પડયો હતો. પરંતુ શારદાબેન એક મજબૂત સહારો બનીને ઉત્તમભાઈની પડખે ઉભા રહ્યા હતા. તેમનું સકારાત્મક વલણ અને કોઠાસૂઝ ઘણા પડકારોને દૂર કરવામાં મદદરૂપ બન્યા હતા. ટોરેન્ટ ગ્રૂપની સફળતા માટે યુએન મહેતા જેટલો જ શ્રેય શારદાબેનને જાય છે. શારદાબેને સરકાર સંચાલિત પ્રાથમિક શાળાઓને માળખાકીય સુવિધા પૂરી પાડવી, મેમદપુરા-અમદાવાદમાં શારદાશિષ નામની શાળાઓનું નિર્માણ, બાળકોની નિયમિત તબીબી તપાસ કરાવવા જેવી દ્રષ્ટાંતરૂપ કામગીરી કરી હતી.તેમના દૂરદર્શી માર્ગદર્શનથી બાળકો માટે 150 બેડની અત્યાધુનિક હોસ્પિટલ બનાવાઈ હતી. આ ઉપરાંત તેઓએ જૈન દેરાસરોના નવીનીકરણ અને વિકાસ માટે પણ ઉદાર હાથે સખાવત કરી હતી.

આ પણ વાંચોઃઅમદાવાદ : આજથી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ખાતે આઇસીપીઇએચ-2024નો પ્રારંભ

Back to top button