ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6નાં મૃત્યુ, 50 દાઝ્યા

  • ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટથી 20 કિમી સુધી સંભળાયો ધમાકાનો અવાજ
  • આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી

મધ્યપ્રદેશ, 6 ફેબ્રુઆરી: મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થયો અને ત્યારબાદ ધમાકા સાથે ભીષણ આગ લાગી ગઈ હતી. જેમાં અત્યાર સુધીમાં 6નાં મૃત્યુ થયા છે, તો ઓછામાં ઓછા 50 લોકો દાઝી ગયા હોવાની આશંકા છે. આ ફટાકડા ફેક્ટરીમાં 500થી 700 લોકો કામ કરતા હતા. મુખ્યમંત્રી મોહન યાદવે પણ આ ઘટનાની જાણકારી મેળવી છે. વિસ્ફોટ થતાં હરદામાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.

શહેરના મગધરા રોડ પર સ્થિત એક ગેરકાયદે ફેક્ટરીમાં મંગળવારે સવારે વિસ્ફોટ બાદ આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી. ફેક્ટરીમાં ફટાકડા માટે રાખેલ ગન પાઉડરમાં આગ લાગતા જ જોરદાર ધમાકા સાથે લગભગ 20 કિમી સુધી લોકોના મકાનો હલી ગયા હતા. ધમાકાના કારણે આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો આમથી તેમ ભાગવા લાગ્યા હતા. ફેક્ટરીમાં આગની લપેટો અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સૂચના મળતા ફાયર બ્રિગેડની ગાડીઓને ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. જો કે આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

 

મુખ્યમંત્રી મોહન યાદવે ઘટના અંગે મેળવી જાણકારી

આ ઘટનાને લઈ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે હરદામાં લાગેલી આગની ઘટનાને લઈ વરિષ્ઠ અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી છે. ઘટનાની સ્થિતિને સમજવા માટે મુખ્યમંત્રીએ એક જરુરી મીટિંગ પણ બોલાવી છે.

 

રાહત કામગીરી માટે અધિકારીઓને આદેશ

ઈંદોર અને ભોપાલથી ફાયર બ્રિગેડની ટીમોને મોકલવામાં આવી છે. રાહત કામગીરી માટે વરિષ્ઠ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે.

જોરદાર ધમાકાના કારણે લોકોમાં ભાગદોડ મચી

આ ઘટના બાદ ફટાકડાની ફેક્ટરી સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગઈ અને આસપાસના ઘરોમાં આગની તીવ્ર ગરમીનો અહેસાસ થયો હતો. આસપાસના લોકો આગ લાગ્યા પછી ભાગતા જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોનું માનીએ તો આ ધમાકા સમયે ફેક્ટરીમાં 500 જેટલા કામદારો હાજર હતા. ફેક્ટરીમાં હાલમાં ઘણા લોકો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં ઘાયલો અને મૃતકોને એમ્બ્યુલન્સ સહિત પોલીસ અને જિલ્લા પ્રસાશનના વાહનો મારફતે સારવાર માટે જિલ્લાની હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે. ફટાકડાની ફેક્ટરીમાં અંદાજે 1 કિલોમીટરના અંતરમાં લોકોની અવર જવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

આ પણ જુઓ: ઝામ્બિયામાં કોલેરા ફાટી નીકળતાં ભારતે માનવતાવાદી સહાય મોકલી

Back to top button