મોડાસામાં વીસ વર્ષથી પાંચ દિવસ સુધી ગુરુપૂર્ણિમા ઉજવાય છે
મોડાસા: ગુરુપૂર્ણિમા પાવન પર્વ પર દરેક શિષ્ય પોતાના સદગુરુ દ્વારા લીધેલ દિક્ષાના સંકલ્પને યાદ કરી ગુરુ પૂજન કરે છે. ગુરુના માર્ગદર્શનમાં પોતાના જીવનમાં દુર્ગુણો શોધી દુર કરવા નવ સંકલ્પ કરે છે. ગુરુ પોતાના શિષ્યોને સન્માર્ગે આગળ વધારવા પોતાની તપ શક્તિ, સદ્જ્ઞાન, સદ્વ્યવહાર સાથે પોતાના શિષ્ય સહિત માનવમાત્રના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહે છે.
ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાના જણાવ્યાનુસાર મોડાસા ખાતે છેલ્લા વીસેક વર્ષથી પાંચ દિવસીય ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે પણ 9 થી 12 જુલાઈ ચાર દિવસ સત્યનારાયણ કથા-સત્સંગનો ભાવિક ભક્તોએ ખૂબ જ ઉત્સાહભેર લાભ લીધો. આજ 13 જુલાઈ, બુધવાર ગુરુ પૂર્ણિમા પર્વ પર સવારે 6 વાગેથી શુભારંભ થયો. જેમાં ધ્યાન, ગાયત્રી મહામંત્રના સામુહિક જાપ, ગાયત્રી મહાયજ્ઞ, ગુરુસંદેશ,મંત્રદીક્ષા સહિત ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે તેમજ કથા સ્થાન ગાયત્રી સંસ્કાર ધામ ખાતે આવનાર દર્શનાર્થીઓને તિલક કરી હાથે નાડાછડી બાંધી સ્વાગત કરી દર્શનાર્થીઓ દ્વારા ગુરુ પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત મોડાસા સહિતના આસપાસના અનેક ગામોના સાધકો પરિવાર સહ ઉપસ્થિત રહી ગુરુદિક્ષાના સંકલ્પોને યાદ કરી હવેથી વધુ શ્રદ્ધાં ,ભક્તિ, સમર્પણ અને અનુશાસનની ભાવના વધુ જગાવી પોતાના જીવનને વધુ શ્રેષ્ઠ બનાવી માનવતાની સેવામાં વધુ પ્રયાસ કરવા સંકલ્પિત બન્યા. ઉપસ્થિત રહેનાર સૌને માટે ભોજન-પ્રસાદ સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.
અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રણેતા પૂજ્ય ગુરુદેવ વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી ભલે સ્થૂળ શરીરની જીવનયાત્રા 1990 માં પૂર્ણ કરી સૂક્ષ્મ ચેતનામાં વિલિન થયાં હતા. પરંતુ એમના બતાવેલા વિચાર ક્રાન્તિ અભિયાનના રાહ પર તેમના શિષ્યો- સાધકો સતત વધતાં જાય છે. હાલમાં પંદર કરોડથી પણ વધારે શિષ્યો વિશ્વભરમાં માનવજાતને શ્રેષ્ઠ માર્ગ પર ચાલવા વિચારોની ક્રાન્તિ માટે તથા જન સેવામાં અવિરત પ્રયાસ કરી રહેલ છે. મોડાસા ક્ષેત્રમાં પણ ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા ગાયત્રી સાધકો દ્વારા અનેક ગામોમાં માનવમાત્રને ઉપયોગી થાય એવા રચનાત્મક કાર્યક્રમો કરવામાં આવે છે.
ગાયત્રી પરિવારના મુખ્યાલય ગાયત્રી તીર્થ, શાંતિકુંજ, હરિદ્વારના માર્ગદર્શનમાં આજ ગુરુપૂર્ણિમા પાવન પર્વ મોડાસા સહિત અરવલ્લી જીલ્લામાં અને વિશ્વભરમાં ગાયત્રી પરિવારના તમામ સંસ્થાનો, શાખાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી.