ઝામ્બિયામાં કોલેરા ફાટી નીકળતાં ભારતે માનવતાવાદી સહાય મોકલી
નવી દિલ્હી, 06 ફેબ્રુઆરી: ઝામ્બિયામાં કોલેરાનો રોગ ફાટી નીકળતા ભારતે માનવતાવાદી સહાય મોકલી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આશરે 3.5 ટન વજનની સહાયમાં પાણી શુદ્ધિકરણ પુરવઠો, ક્લૉરિન ગોળીઓ અને ORS સેચેટ્સના સ્વરૂપમાં હાઇડ્રેશનનો સમાવેશ થાય છે. ઝામ્બિયા તેના ઈતિહાસમાં સૌથી ખરાબ સ્વાસ્થય સંકટનો સામનો કરી રહ્યું છે. BBCના જણાવ્યા અનુસાર, ઑક્ટોબર 2023થી લગભગ 600 લોકો કોલેરાથી મૃત્યુ પામ્યા છે. અને 15,000થી વધુ લોકો હાલ કોલેરાથી ઝઝૂમી રહ્યા છે. સરકારે કોલેરાને કારણે દેશભરની શાળાઓને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, રાજધાની લુસાકામાં એક વિશાળ ફૂટબોલ સ્ટેડિયમને સારવાર કેન્દ્રમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે.
ઝામ્બિયાના 10 માંથી નવ પ્રાંતમાં કોલેરાના કેસ
ઝામ્બિયાના 10માંથી નવપ્રાંતમાં કોલેરાના કેસ નોંધાયા છે, જો કે મોટા ભાગના લુસાકામાં છે, 30 લાખની વસ્તી ધરાવતા શહેરમાં પ્રશાસને નેશનલ હીરોઝ સ્ટેડિયમની બહાર એક કામચલાઉ સારવાર કેન્દ્ર સ્થાપ્યું છે. સરકારે સામૂહિક રસીકરણ કાર્યક્રમ પણ શરૂ કર્યો છે અને ઝામ્બિયામાં અસરગ્રસ્ત સમુદાયોને દરરોજ 2.4 મિલિયન લિટર સ્વચ્છ પાણી પહોચાડવામાં આવી રહ્યું છે. દેશવ્યાપી જનજાગૃતિ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. આ બગડતી પરિસ્થિતિને પહોંચી વળવા દેશે નિવૃત્ત આરોગ્ય કર્મચારીઓ અને વોલિયન્ટર્સને એકત્ર કરવા પડ્યા છે.
UNICEFએ ચિંતા વ્યક્ત કરી
બીજી તરફ, દેશમાં વરસાદી મોસમ ચાલુ હોવાથી લુસાકા અને પેરી શહેરી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. દૂષિત પાણીના કારણે બેક્ટેરીયલ રોગ કૉલેરાનો પ્રકોપ વધ્યો છે. એટલું જ નહીં સતત વરસાદને કારણે શુદ્ધ પાણી મળવું પણ મુશ્કેલ બની રહ્યું છે. નોંધનીય છે કે, ત્રણ મહિનાના પ્રકોપમાં લગભગ 4% મૃત્યુ દર સામાન્ય કરતા ઘણો વધારે છે, કારણ કે કોલેરાનો મૃત્યુદર સામાન્ય રીતે 1% કરતાં ઓછો હોય છે. યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ, યુનિસેફે આને “વિનાશક રીતે ઊંચી સંખ્યા” ગણાવી ચિંતા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં રોગચાળો વકર્યો, ઝાડા-ઊલટી તથા ટાઈફોઈડના કેસ વધ્યા