નેશનલ

ઉદયપુરની હોટેલ રેડિસન બ્લુમાં આયોજિત લગ્ન પ્રસંગમાં રૂ.1 કરોડથી વધુ હીરા – રોકડની ચોરી

Text To Speech

ઉદયપુર, 5 ફેબ્રુઆરી : રાજસ્થાનના ઉદયપુર શહેરના ફતેહસાગર બાજુના રેડિસન બ્લુ ખાતે આયોજિત લગ્ન પ્રસંગમાંથી એક શખસ રૂ.1 કરોડથી વધુની કિંમતના હીરાના દાગીના અને રોકડની ચોરી કરી ગયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેમાં એક શખસ ટેબલ પર રાખેલ પર્સ છીનવી લેતો જોવા મળે છે. હોટલ મેનેજમેન્ટ અને ઈવેન્ટ કંપનીની ભૂલને કારણે બદમાશોએ હોટલમાં ઘુસીને હીરાના દાગીના અને રોકડ ભરેલ પર્સની ચોરી કરી હતી.

શું બની હતી આખી ઘટના ?

મળતી માહિતી મુજબ, હોટેલ રેડિસન બ્લુમાં મુંબઈના પરિવારોના લગ્નનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં બંને પરિવારો દ્વારા ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારે આયોજિત કાર્યક્રમો દરમિયાન જમણવાર પણ ચાલતો હતો. લગ્ન સમારોહમાં હાજરી આપી રહેલી એક મહિલાએ રાત્રિભોજન કર્યા બાદ પોતાનું પર્સ ટેબલ પર રાખ્યું અને હાથ ધોવા બાથરૂમમાં ગઈ હતી. આ દરમિયાન એક યુવક આવ્યો અને ટેબલ પર રાખેલ પર્સ ઉપાડી હોટલની બહાર નીકળી ગયો હતો. મહિલા હાથ ધોઈને પરત આવી અને જોયું કે પર્સ ગાયબ હતું. પહેલા તો તેણે વિચાર્યું કે પરિવારના કોઈ સભ્યએ લીધો હશે પરંતુ જ્યારે તેણે તેના પરિવારના સભ્યોને પર્સ વિશે પૂછ્યું, ત્યારે તેઓએ કોઈ માહિતી હોવાનો ઇનકાર કર્યો હતો.

હોટેલ મેનેજમેન્ટની બેદરકારી સામે આવી

દરમિયાન તેણે સ્ટાફને જાણ કરતા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા તો ટેબલ પર રાખેલ પર્સ એક યુવક છીનવી લેતો જોવા મળ્યો હતો. આ ચોરી થયેલા પર્સમાં હીરાના દાગીના હતા. જેની કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ અને થોડી રોકડ હોવાનું કહેવાય છે. આ જોઈને તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના પર પોલીસ અધિકારી ડો.હનવંતસિંહ તુરંત આવી પહોંચ્યા હતા અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે હોટલ મેનેજમેન્ટ અને ઈવેન્ટ કંપનીએ પણ આમાં બેદરકારી દાખવી છે.

Back to top button