ટ્રેન્ડિંગનેશનલ

આગ્રામાં ગંદકી વચ્ચે વર-કન્યાએ એકબીજાને હાર પહેરાવ્યા, જાણો કારણ

  • આગરામાં રસ્તાની વર્ષોથી સમસ્યાનો કોઈ ઊકેલ ન આવતા યુવકે કર્યો અનોખો વિરોધ
  • ચારે બાજુ માત્ર કીચડ અને ગટરના ગંદા પાણી વચ્ચે જઈને વર-કન્યાએ એકબીજાને પહેરાવ્યા હાર

આગ્રા, 5 જાન્યુઆરી: યુપીના આગ્રામાં રસ્તાની સમસ્યાને લઈને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. એક કપલે વર-કન્યાના ગેટઅપમાં ટુટેલા અને ગંદા રસ્તાનો વિરોધ કર્યો હતો. કપલે ગંદા ગટરના પાણી અને કાદવવાળા રસ્તામાં ઉપર ઊભા રહીને તેમણે એકબીજાને હાર પહેરાવીને મેરેજ એનિવર્સરીની ઉજવણી કરી હતી. કોલોનીના રહેવાસીઓએ લગ્નના મહેમાન તરીકે આ અનોખા વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

  • બધાના હાથમાં નાના પાટિયા પકડેલા હતા, આ પાટિયામાં મોટા અક્ષરોમાં લખવામાં આવ્યું હતું કે, જો ગટર અને રોડ નહીં બને તો મતદાન પણ નહીં કરીએ.

15 વર્ષથી લોકો રસ્તાની સમસ્યાથી પરેશાન

નાગલા કાલી રાજારાય રોડની સમસ્યા છેલ્લા 15 વર્ષથી થઈ રહી છે. રહેવાસીઓનું કહેવું છે કે અહીં અમારુ કોઈ સાંભળતું નથી અને અમને પુરતી સુવિધાઓ પણ આપવામાં આવતી નથી. ધીમે ધીમે આઠ મહિનામાં અહીંનો રસ્તો ગટરમાં ફેરવાઈ ગયો છે. આજુબાજુની કોલોનીઓમાં રહેતા લોકો માટે રસ્તા પરથી નીકળવું મુશ્કેલ બન્યું છે. જેના કારણે અહીંના લોકો ભારે કંટાળીને આ રીતે નવતર પ્રયોગ કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

 

ખરાબ રસ્તાઓને કારણે લોકોને અત્યારે 2 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે. સ્થાનિક લોકોએ ભૂતકાળમાં અનેક વખત જનપ્રતિનિધિઓને આ રોડનું સમારકામ કરવા માંગ કરી છે. થોડા દિવસો પહેલા કોલોનીની બહાર ‘નો ડેવલપમેન્ટ, નો વોટ’ના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા. પરંતુ પોસ્ટર લગાવ્યા બાદ પણ સમસ્યાનું સમાધાન આવ્યું ન હતું.

કપલે 17મી મેરેજ એનિવર્સરી ગટરના પાણીમાં ઊભા રહી કરી ઉજણી

ખરાબ રસ્તાથી નિરાશ થઈને પુષ્પાંજલિ હોમ્સ કોલોનીમાં રહેતા ભગવાન શર્માએ તેમની 17મી મેરેજ એનિવર્સરી ગટરના પાણીમાં ઊભા રહીને ઉજવી. વર ભગવાન શર્માએ કહ્યું કે, ‘અમે છેલ્લા 15 વર્ષથી સતત પ્રયાસો કરી રહ્યા છીએ. તમામ જનપ્રતિનિધિઓ અને સંબંધિત અધિકારીઓ પાસે ગયા છીએ, તેમ છતાં કોઈ અમારી સમસ્યાનો ઊકેલ લાવતું નથી, તેના કારણે અમારે આ રીતે વિરોધ પ્રદર્શન કરવું પડ્યું.’

કન્યા ઉમા શર્માએ કહ્યું કે, ‘આ વિરોધ સમસ્યાઓ બતાવવા માટે કરવામાં આવી રહ્યો છે. યોગી સરકાર સારું કામ કરી રહી છે. પરંતુ તેમના કાર્યકરો અને જનપ્રતિનિધિઓ સમસ્યા સાંભળતા જ નથી તો ઊકેલ લાવવાની તો વાત જ શું કરીએ.’

આ પણ વાંચો: જૂનાગઢ ખાતે ઘરેલું હિંસા અધિનિયમ-2005 અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો

Back to top button