નવી દિલ્હી, 04 ફેબ્રુઆરી: નાણા મંત્રી નિર્મલા સીતારમણે રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન પર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે રઘુરામ રાજન ગવર્નર તરીકેની પોતાની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે દેશની બેન્કિંગ સિસ્ટમ સંકટમાં આવી ગઈ. બેન્કો મુશ્કેલીઓમાં સપડાઈ હતી ત્યારે રેગ્યુલેટર એટલે RBIનું ધ્યાન બીજે હતું. રઘુરામ રાજને મુશ્કેલીના સમયે બેન્કિંગ સિસ્ટમ પર ધ્યાન આપ્યું ન હતું. આ વાત તેમણે બિઝનેસ ટૂડે સાથે થયેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવી હતી. નાણા મંત્રીએ કહ્યું કે, બેન્કો એ સમયે બાહ્ય દબાણનો સામનો કરવા ઝઝૂમી રહી હતી ત્યારે રઘુરામ રાજને તેમને આ મુશ્કેલીથી બચાવવી જોઈતી હતી અને બેન્કના નિયમો વિશે જાણ કરવી જોઈતી હતી, પરંતુ આમ ન થયું.
રાજન અર્થશાસ્ત્રી છે કે રાજકારણી?: નાણા મંત્રી
નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને પહેલેથી સ્પષ્ટ કરવું જોઈતું હતું કે, તે પોતાની કોઈ પણ વાત કરતાં પહેલાં પોતે અર્થશાસ્ત્રી છે કે પછી રાજકારણની ટોપી પહેરીને બોલે છે? નાણા મંત્રીએ આ નિવેદન એવા સમયે કર્યું જ્યારે થોડા દિવસ પહેલાં રઘુરામ રાજને કહ્યું હતું કે, વિકસિત દેશ બનવા માટે ભારતે 9%થી 10% વૃદ્ધિનો લક્ષ્યાંક રાખવો જોઈએ.
ભારત વર્તમાન દરે 2024 સુધી વિકસિત બની શકશે નહીં: રાજન
રઘુરામ રાજને કહ્યું હતું કે વિકાસના વર્તમાન દરે ભારત 2047 સુધીમાં ચીનની વર્તમાન માથાદીઠ આવક સુધી પહોંચી જશે, પરંતુ ભારતે વધતી વસ્તીનો પણ સામનો કરવો પડશે. તેમણે એમ પણ કહ્યું કે જો ભારત વર્તમાન દરે વૃદ્ધિ કરશે તો તે 2047 સુધીમાં વિકસિત દેશની શ્રેણીમાં આવી શકશે નહીં. તેમણે કહ્યું કે ભારતે માનવ મૂડી અને ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
આ પણ વાંચો: રઘુરામ રાજનને કેન્દ્રીય મંત્રીએ નિષ્ફળ અર્થશાસ્ત્રી ગણાવ્યા, કહ્યું- બેંકિંગ સિસ્ટમને બરબાદ કરી