ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાઃ દેશભરમાંથી ઉમટેલા સ્પર્ધકોએ ગરવા ગિરનારને આંબવા દોટ મૂકી
- શ્રીમતી ગીતાબેન પરમાર, સંજયભાઈ કોરડીયા, અનિલકુમાર રાણાવસિયા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો
જૂનાગઢ, ૪ ફેબ્રુઆરીઃ ૧૬મી અખિલ ભારતીય ગિરનાર-આરોહણ અવરોહણ સ્પર્ધામાં ગુજરાત સહિત દેશભરમાંથી ઉમટી પડેલા સ્પર્ધકોએ ગરવા ગિરનારને આંબવા વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીમાં દોટ મૂકી હતી. આ સ્પર્ધામાં હરિયાણા, રાજસ્થાન, બિહાર, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાંથી પધારેલા સ્પર્ધકો સિનિયર-જુનિયર કેટેગરીમાં કુલ ૫૦૬ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે.
હરિયાણાથી આવેલા સ્પર્ધકોએ કહ્યું, યહાં કા ખાના મીઠા હૈ, વૈસે લોગ ભી મીઠે હૈ
છેલ્લા ૧૦ વર્ષથી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા માટે હરિયાણાના હિસારથી જૂનાગઢ આવતા સ્પર્ધક અને કોચ શ્રી સુરેન્દર ખવાડ જણાવે છે કે, એક સપ્તાહ પહેલા ૨૫ સ્પર્ધકોની ટીમ સાથે જૂનાગઢ આવી ગયા છીએ, હરિયાણામાં વધારે ઠંડી હોય છે, જેથી અહીંના વાતાવરણમાં શરીર એડજસ્ટ કરી શકે તે માટે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે પૂર્વ તૈયારીઓ જરૂરી છે.
અહીંયા ગિરનાર સ્પર્ધા શરૂ થયાના પૂર્વે આવી જતા હોવાથી અહીંના કલ્ચર અને ખાનપાનને જાણવાની પણ તક મળે છે તેમ જણાવતા સુરેન્દ્રર ખવાડ કહે છે કે યહાં કા ખાના જેસે મીઠા હૈ, વૈસે લોગ ભી મીઠે હૈ. જૂનાગઢમાં ઠોકલા, ફાફડા જલેબી સહિતના વ્યંજનો ટેસ્ટ કર્યા છે જે ખૂબ પસંદ પડ્યા. તેમણે તંત્ર દ્વારા થયેલી વ્યવસ્થા અને સુવિધાઓ પણ પ્રશંસા કરી હતી. હરિયાણામાં સ્પોર્ટ્સ કલ્ચર વિકસિત થયું છે, સાથે જ યુવાઓ આર્મીમાં જોડાઈને દેશ સેવાની પણ એટલી તત્પરતા હોય છે.
હરિયાણાથી પ્રથમવાર આવેલી યશિકા યાદવે પણ ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવાના અનુભવને યાદગાર ગણાવ્યો હતો અને વારંવાર અહીંયા આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
- ખેલના ક્ષેત્રમાં આગળ વધવા માટે ગિરનાર સ્પર્ધા પ્લેટફોર્મ પૂરું પાડે છેઃ ઈન્ટરનેશનલ મેડાલિસ્ટ શ્રી દિલબાગ સૈની, હરિયાણા
હરિયાણાના હિસારથી આવેલા જુડોમાં ઇન્ટરનેશનલ મેડાલિસ્ટ રહેલા દિલબાગ સૈનિ કહે છે કે ગિરનાર અવરોહણ સ્પર્ધા ખેલાડીઓને રમતવીરોને ખેલના ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્લેટફોર્મ આપે છે સાથે જ આ વર્ષે પુરસ્કાર રાશિમાં ખૂબ મોટો પધારો થવાથી સ્પર્ધકોનો ઉત્સાહ ની સાથે જોમ જુસ્સો પણ વધી ગયો છે.
રમત ગમતના ક્ષેત્રમાં સફળતા ઈજ્જત અને ખુશી આપે છે, મંચ ઉપરથી જ્યારે ટ્રોફી મેડલ મળે છે ત્યારે તેનો અનેરો આનંદ હોય છે, તેમ જણાવતા કહે છે કે હરિયાણાએ નીરજ ચોપડા બબીતા ફોગટ વગેરે જેવા ખૂબ મોટા ગજાના ખેલાડીઓ આપ્યા છે, અને આવનાર ઓલમ્પિકમાં પણ હરિયાણા ઘણા મેડલ લાવશે અને ભારતનું નામ રોશન કરતું રહેશે.
- હરિયાણે આવે કોન્યા આવે કાબુ તાવળે…. યે મારકે એને ચાર ગીણે એક બાવળે (હરિયાણી ગીત ગાઇને હરિયાણાના સ્પર્ધકોએ ગીરનાર સ્પર્ધામાં ભાગ લેવાનો આનંદ ઉત્સાહ વ્યક્ત કર્યો)
હરિયાણાથી આવેલા સ્પર્ધકોએ પોતાના હરીયાણી ગીત ગાઇને ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવાનો અનોખી રીતે આનંદ-ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
વિકાસકાંત નામના સ્પર્ધકે હરિયાણે આવે કોન્યા આવે કાબુ તાવળે…. યે મારકે એને ચાર ગીણે એક બાવળે… ગીતના શબ્દો આગવી હરિયાણી ગીત ગાઇને આનંદ વ્યક્ત કર્યો હતો, તેને અર્થ ગણાવતા કહે છે, દુશ્મનને પરાજિત કરવા એક ૧૦ને પરાજિત કરવાની હિંમત ધરાવે છે અને ચારને મારે ત્યારે એકની ગણના કરે છે.
- મધ્યપ્રદેશથી આવેલા સ્પર્ધકે કહ્યું, આવનાર વર્ષે ફરી આવીશું અને મેડલ લઈને જઈશું
મધ્યપ્રદેશના ઇન્દોરથી ૧૦ સ્પર્ધકોનું એક જૂથ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવ્યું હતું. તેમણે ખૂબ ઉત્સાહ અને જોમ જુસ્સા સાથે ગિરનાર સર કરવા દોડ લગાવી હતી.
મધ્યપ્રદેશના ઈન્દોરથી આવેલા સ્પર્ધક ભૂમિકા દરબાર જણાવે છે કે, ગિરનાર સ્પર્ધાના ચાર દિવસ પૂર્વે જુનાગઢ આવી ચૂક્યા હતા, અહીં ખૂબ યાદગાર અનુભવ રહ્યા છે મેડિકલ, ભોજન, રહેવા સહિતની સુવિધાઓ ખૂબ સારી છે, હવે આવનાર વર્ષે થનાર ગિરનાર સ્પર્ધામાં ફરી આવીશું અને મેડલ- રેન્ક લઈને જઈશું તેવી પણ ઈચ્છા વ્યક્ત કરી હતી.
મધ્યપ્રદેશ મધ્યપ્રદેશથી જ આવેલા પીટી ટીચર શુભમ ચૌહાણ જણાવે છે કે, ગિરનાર આરોહણ સ્પર્ધા સમગ્ર ભારતમાં એક અલગ સ્પર્ધા છે, જેમાં હિલ ઉપર ચડીને નીચે આવવાનું રહે છે, જેથી પ્રેક્ટિસની પણ જરૂરિયાત રહે છે. તેમણે તંત્ર દ્વારા થયેલ સુવિધાઓ અને કેર ટેકિંગને વખાણી હતી. શ્રી શુભમ ચૌહાણે ચાર વર્ષ પૂર્વે એક સ્પર્ધક તરીકે પણ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો હતો. નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોશી, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી જલ્પાબેન ક્યાડા, પંડિત દિનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ કેન્દ્રના ઇન્ચાર્જ ઇન્સ્ટ્રક્ટર શ્રી ઉપેન્દ્રસિંહ રાઠોડ, જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘના (ગ્રામ્ય) પ્રમુખ ડૉ. હમીરસિંહ વાળા, સિનિયર સિટીઝન અને એથ્લિટ રેવતુભા જાડેજા તથા હીરાલક્ષ્મીબેન વાસાણી સહિતના અધિકારી પદાધિકારી પણ ફ્લેગ ઓફ કરવા માટે જોડાયા હતા.
આ પણ વાંચોઃ ફાધર ઑફ ગૉડ પાર્ટીકલ: ગણિતશાસ્ત્રી-ભૌતિકશાસ્ત્રી સત્યેન્દ્રનાથ બોઝની આજે પુણ્યતિથિ