ગુજરાતટોપ ન્યૂઝ

શુક્રવાર સુધી રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતા, પૂરગ્રસ્ત વિસ્તારમાં PM મોદી હવાઈ સર્વેક્ષણ કરી શકે છે

Text To Speech

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ભારે તબાહી જોવા મળી રહી છે. નવસારી, છોટાઉદેપુર સહિતના જિલ્લામાં તો ભારે વરસાદને કારણે તારાજી સર્જાય છે. અહીં જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને કારણે અનેક લોકો બેઘર બની ગયા છે. લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. નદીઓમાં સતત નવા પાણીની આવક થતા પૂરની સ્થિતિ સર્જાય છે. અનેક જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે. આ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંગળવારે છોટાઉદેપુર, નવસારી સહિત વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરવા પહોંચ્યા છે. આ વચ્ચે સૂત્ર પાસેથી માહિતી મળી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિનું હવાઈ સર્વે કરવા આવી શકે છે.

ગુજરાતમાં ચોમાસાની સમગ્ર સિઝનમાં 34 ઈંચ વરસાદ પડવાની સરેરાશ છે. જેની સરખામણીએ હાલ સુધીની સ્થિતિએ કુલ 14.52 ઈંચ એટલે કે, 42.72 ટકા વરસાદ વરસ્યો છે. મહત્વનું છે કે, અત્યાર સુધીમાં રાજ્યમાં પડેલા કુલ 14.52 ઈંચ વરસાદમાથી 7.67 ઈંચ એટલે કે, 47 ટકા જેટલો વરસાદ માત્ર 5 જ દિવસમાં વરસી ગયો છે. આ વખતે વરસાદ નવો વિક્રમ સર્જે તેવા સંકેતો દેખાઈ રહ્યાં છે. રાજ્યમાં શુક્રવાર સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તે ઉપરાંત રાજ્યનાં 27 ડેમ હાઈ એલર્ટ પર હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

PM Modi
સૂત્ર પાસેથી માહિતી મુજબ PM નરેન્દ્ર મોદી ગુજરાતમાં વરસાદથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરી શકે છે. (FILE)

PM મોદી હવાઈ સર્વે કરી શકે છેઃ સૂત્ર
ગુજરાતમાં સતત વરસાદને કારણે અનેક જિલ્લામાં સ્થિતિ ખરાબ છે. મુખ્યમંત્રી દ્વારા હવાઈ નિરીક્ષણ કર્યા બાદ સૂત્ર પાસેથી માહિતી મુજબ PM નરેન્દ્ર મોદી ગુજરાતમાં વરસાદથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરી શકે છે. હવાઈ સર્વે બાદ PM મોદી સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવાના છે. આ સાથે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને મદદની જાહેરાત કરવામાં આવી શકે છે.

PM મોદીએ ફોન કરી માહિતી મેળવી
ગુજરાતમાં સતત ભારે વરસાદને કારણે સ્થિતિ ખરાબ બની રહી છે. હવામાન વિભાગ દ્વારા હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે વડાપ્રધાન મોદીએ સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરી વરસાદની માહિતી મેળવી હતી. આ સાથે કેન્દ્ર સરકાર તરફથી દરેક સંભવ મદદની ખાતરી આપી હતી.

આ જિલ્લામાં હજુ વરસાદનો ખતરો
મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ઉમેર્યું કે, રાજ્યના આઠ જિલ્લાઓ પૈકી ત્રણ જિલ્લાઓ ભરૂચ, છોટાઉદેપુર અને નર્મદા રેડ એલર્ટ ઝોનમાંથી બહાર આવી ગયા છે. જ્યારે હજુ પણ પાંચ જિલ્લાઓ સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓ રેડ એલર્ટ પર છે. સમગ્ર વહીવટી તંત્ર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે ત્યારે નાગરિકો પણ સંપૂર્ણ કાળજી રાખે તે ઇચ્છનીય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 69 લોકોના મૃત્યુ નોંધાયા છે, જેમાં સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાથી થયા છે. એક પણ મૃત્યુ વહીવટી તંત્રના વાંક કે નિષ્કાળજીના પરિણામે થયા હોવાનું ધ્યાને આવ્યું નથી. રેસ્ક્યુ ઓપરેશનની કામગીરીમાં પણ નાગરિકોનો પૂરતો સહયોગ મળી રહ્યો છે. સરકારના આદેશો અને અપીલને નાગરિકો માન આપી તે મુજબ સહયોગ આપી રહ્યા છે તે અભિનંદનને પાત્ર છે. હજુ પણ આવો સહયોગ નાગરિકો તરફથી મળતો રહે તેવી અપેક્ષા છે.

14 જુલાઇએ અમદાવાદમાં ફરી ભારે વરસાદની આગાહી

Ahmedabad Rain
ઓડિશામાં આગામી પાંચ દિવસમાં એક પછી એક બે નવા લૉ-પ્રેશર સક્રિય થતાં અમદાવાદ સહિત ગુજરાતમાં આગામી બે દિવસ ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે

ઓડિશામાં આગામી પાંચ દિવસમાં એક પછી એક બે નવા લૉ-પ્રેશર સક્રિય થતાં અમદાવાદ સહિત ગુજરાતમાં આગામી બે દિવસ ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. હાલમાં બેમાંથી એક લૉ-પ્રેશર સક્રિય થયું છે, અને આગામી 24 કલાકમાં ગુજરાત સુધી પહોંચવાની શક્યતા છે.15 જુલાઇ બાદ અમદાવાદમાં વરસાદનું જોર ઘટવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.અમદાવાદ-ભોપાલ હવામાન વિભાગના પૂર્વ ડાયરેક્ટર ડો. ડી.બી. દુબેના જણાવ્યા મુજબ લૉ પ્રેશર 14 જુલાઈ સુધી ગુજરાત સુધી પહોચશે, તેમજ અમદાવાદ સહિત મધ્ય ગુજરાત નજીકથી પસાર થશે, જેથી 14 જુલાઇએ અમદાવાદમાં ફરી ભારે વરસાદ પડી શકે છે. ત્યારબાદ વરસાદનું જોર ઓછું થશે.

ગુજરાતમાં 27 ડેમો ઉપર હાઈએલર્ટ

Gujarat Dam
સાર્વત્રિક વરસાદ વચ્ચે ગુજરાતમાં 27 ડેમો ઉપર હાઈએલર્ટ, એલર્ટ અને ચેતવણી સહિતના સિગ્નલો આપવામાં આવ્યા છે

સાર્વત્રિક વરસાદ વચ્ચે ગુજરાતમાં 27 ડેમો ઉપર હાઈએલર્ટ, એલર્ટ અને ચેતવણી સહિતના સિગ્નલો આપવામાં આવ્યા છે, 27 ડેમો પૈકી 18 ડેમમાં 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થતાં હાઈ એલર્ટ સિગ્નલ અપાયા છે જ્યારે 8 ડેમોમાં 80થી 90 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ થતાં એલર્ટ અને 11 ડેમોમાં 70થી 80 ટકા વચ્ચે જળસંગ્રહ થતાં વોર્નિંગ સિગ્નલ આપવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યના 169 ડેમોમાં 70 ટકા કે તેથી ઓછું પાણી છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં પાણીની કોઈ ખાસ આવક થઈ નથી.

Back to top button