જૂનાગઢ : વંથલીના ધંધુસર ગામે ઘોડીપાસાની કલબ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો
- રાજકોટનો નામચીન રમાડતો હતો જુગાર
- રાજકોટ, જૂનાગઢ, કાલાવડ, ધોરાજીના 12 જુગારી પકડાયા
- રૂા.2.70 લાખની રોકડ અને વાહનો મળી કુલ રૂા.20.41 લાખનો મુદ્દામાલ કબજે
જૂનાગઢ, 3 ફેબ્રુઆરી : જૂનાગઢ નજીક વંથલીના ધંધુસર ગામે રાજકોટના શખ્સે ઘોડીપાસાની જુગાર કલબ ચાલુ કરી હોય જે બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વાડીમાં ધમધમતી ઘોડીપાસાની જુગાર કલબ ઉપર દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે જુગાર રમતા રાજકોટ, જૂનાગઢ, કાલાવડ અને ધોરાજીના 12 શખ્સોને ઝડપી પાડી રૂા.2.70 લાખની રોકડ અને વાહનો મળી કુલ રૂા.20.41 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે દરોડો પાડ્યો
મળતી વિગત મુજબ, વંથલીના ધંધુસર ગામની સીમમાં દલસાવાડીમાં રાજકોટનો રજાક ખમીશા સમા નામનો શખ્સ ઘોડીપાસાની જુગાર કલબ ચલાવતો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ સી.એન.પરમાર સહિતના સ્ટાફે વાડીમાં દરોડો પાડયો હતો. આ દરોડામાં પોલીસે જુગાર કલબ ચલાવતાં રજાક ખમીશા સમા (રહે. રાજકોટ, કોઠારીયા રોડ સિયાણી સોસાયટી), ઉપરાંત જુગાર રમવા આવનાર અમીન કાદરભાઈ ઘાંચી (રહે.રાજકોટ પરમેશ્ર્વરી સોસાયટી), હબીબ અબ્દુલભાઈ રાવ (રહે.કાલાવડ, વોરાવડનો ચકલો), અહેમદ શરીફભાઈ સકરીયાણી (રહે.ધોરાજી), આમીર હાસમખાન પઠાણ (રહે.જૂનાગઢ, મેમણવાડા), આદમ હુસેનભાઈ હાલા (રહે. જૂનાગઢ), રિઝવાન સલીમભાઈ ખેદરા (રહે.જેતપુર, ગોંડલ દરવાજા), નિરૂભા મેરૂભાઈ જાડેજા (રહે. રાજકોટ, કૈલાસનગર સોસાયટી), વોચ રાખનાર અને ચા પાણીની વ્યવસ્થા કરનાર કાસીમ રફીક બેલીમ (રહે.જૂનાગઢ) અને ઈમરાન સલીમ કાઠી (રહે.જૂનાગઢ) ઉપરાંત ઘોડીપાસાની લકડી ચલાવનાર કાદર સત્તાર હસમાણી (રહે.રાજકોટ, દેવપરા)ને ઝડપી લીધા હતા.
એક શખ્સ નાસી છુટતાં શોધખોળ
SMC એ જુગારના પટ્ટમાંથી રૂા.2,70,400ની રોકડ ઉપરાંત મોબાઈલ નંગ 7 અને વાહનો નં.6 મળી કુલ રૂા.20,41,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે દરોડા દરમિયાન એક શખ્સ નાસી છુટતાં તેની શોધખોળ હાથ ધરી છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડામાં પકડાયેલા તમામ આરોપીઓને વંથલી પોલીસને સોંપી તેમના વિરૂધ્ધ જુગારધારા એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટનો શખ્સ વંથલીમાં કેટલા સમયથી ઘોડીપાસાની જુગાર કલબ ચલાવતો હતો ? તે અંગે વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.