બિઝનેસ ડેસ્કઃ ફોરેક્સ માર્કેટમાં ડોલર 20 વર્ષની ઊંચી સપાટી પર પહોંચ્યો છે. જ્યારે ડોલર સામે રૂપિયો દૈનિક નવી નીચી સપાટી દર્શાવી રહ્યો છે. રૂપિયો વધુ 16 પૈસા તૂટી 79.60 બંધ રહ્યો છે. જ્યારે ડોલર ઇન્ડેક્સ 108ની સપાટી કુદાવી 108.42 પહોંચ્યો છે.
કરન્સી બજારોમાં ડોલર રાજા અને બાકી બધા પ્રજા જેવા હાલ છે. ઇમર્જિંગ એશિયા, ઇમર્જિંગ યુરોપ અને લેટિન અમેરિકાની કરન્સી તૂટી છે. એક વરસમાં રૂપિયો 7 ટકા તૂટયો છે. આગળ પર 80-81 સુધીની અટકળો ચાલે છે.
રૂપિયાની મંદી રોકવા અને વિદેશી મૂડી આકર્ષવા રિઝર્વ બેન્કે સંખ્યાબંધ પ્રોત્સાહનો જાહેર કર્યા છે. વૈશ્વિક મૂડી હાલમાં ડોલર એસેટમાં જઇ રહી છે. આગામી 27 જૂલાઇએ ફેડ વ્યાજદરમાં પોણો ટકા વધારો કરે તો અમેરિકામાં વ્યાજદર હાલના દોઢ ટકા છે તે વધીને સવાબે ટકા, 2.25 થઇ જાય તો સંખ્યાબંધ બેન્કોને વ્યાજદરમાં ઝડપી વધારો કરવો પડસે. સૌથી મોટું રિસ્ક યુરો પર છે કેમકે ડોલર અને યુરો વચ્ચે હાલમાં વ્યાજદરમાં પોણા બે ટકા જેવો મોટો ફરક છે. યુરોમાંથી કેપિટલ બહાર જતી અટકાવવી યુરોપ માટે મોટો પડકાર છે.
ફોરેક્સ માર્કેટમાં રૂપિયો 79.55ના સ્તરે ખુલ્યો હતો જે ઇન્ટ્રા-ડે 79.66 સુધી પહોંચ્યો હતો. રૂપિયાની સતત નરમાઇના કારણે દેશમાં થતી આયાત વધુ મોંઘી બનશે. સૌથી વધુ આયાત ક્રૂડઓઇલની થઇ રહી છે જેની સીધી અસર ચાલુખાતાની ખાધ પર પડશે. ક્રૂડઆયાત બિલ વધુ વધશે પરિણામે દેશના અર્થતંત્રને વધુ ધેરી અસર પડી શકે છે. ડોલરની મજબૂતીના કારણે આયાતકારોને નુકસાન છે જ્યારે નિકાસકારોને ફાયદો મળી રહ્યો છે.
યૂરો, યેન-પાઉન્ડ તૂટતા ડોલર રાજા
એનર્જી ક્રાઇસીસના કારણે યૂરો સતત તૂટી રહ્યો છે જ્યારે ઇસીબી પણ હાલ વ્યાજદરમાં ઝડપી વધારો કરે તેમ નથી. યેન-પાઉન્ડમાં પણ સતત ઘટાડાના કારણે ડોલર ઇન્ડેક્સ સતત મજબૂત બની 110 તરફ આગળ વધી રહ્યો છે. ડોલર 112ની સપાટીએ પહોંચી શકે છે જેના કારણે રૂપિયો વધુ નબળો પડી 80.50-81ના સ્તરે પહોંચે તો નવાઇ નહીં. – સૌમીલ ગાંધી , રિસર્ચ એનાલિસ્ટ, કુંવરજી કોમોડિટીઝ.
મોંઘવારીથી રાહત નહીં, દર 7.01%
મોંઘવારીના મોરચે સામાન્ય જનતાને રાહત નથી મળી. જૂનમાં રિટેલ મોંઘવારી દર સામાન્ય ઘટીને 7.01% નોંધાયો છે. પરંતુ, આ સતત છઠ્ઠા મહિને રિઝર્વ બેંકના સંતોષજનક સ્તર (6%)થી ઉપર રહ્યો છે.