બ્રેકફાસ્ટ ન બનાવતા પુત્રએ માતાને લોખંડના સળિયા વડે હત્યા કરી નાખી
બેંગલુરુ (કર્ણાટક), 03 ફેબ્રુઆરી: કર્ણાટકના મુલબાગીલુ શહેરમાં નજીવી બાબતે એક સગીરે તેની માતાની હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં, સગીરે તેની માતાની હત્યાની કબૂલાત પણ કરી હતી. ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, પુત્રએ નાસ્તો બનાવવા માટે કહ્યું તો માતાએ ના પાડી દીધી હતી. ત્યારબાદ સગીરે ભાન ભૂલીને 40 વર્ષીય માતા નેત્રાવતીને લોખંડના સળિયા વડે માર માર્યો જેના કારણે તેનું મૃત્યુ નિપજ્યું હતું. 17 વર્ષના આરોપી પુત્રને પોલીસે કસ્ટડીમાં લીધો છે.
માતા-પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ
પોલીસના જણાવ્યા અનુસાર મુલબાગીલુમાં ડિપ્લોમાનો અભ્યાસ કરતો દીકરો ગુરુવારે ઘરે આવ્યો હતો. રાત્રે માતા અને દીકરા વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલચાલી થઈ હતી. તે ગુસ્સે થઈ ગયો અને ખાધા વિના સૂઈ ગયો હતો. શુક્રવારે સવારે તે રોજની જેમ કૉલેજ જવા તૈયાર થયો હતો. સવારે 7.30 વાગ્યે તેણે જોયું કે તેની માતા નાસ્તો બનાવ્યા વગર સૂઈ રહી છે જેને જોતા તે આક્રોશમાં આવી ગયો હતો. તેણે રોષે ભરાઈને પૂછ્યું કે, કેમ હજુ સુધી નાસ્તો નથી બનાવ્યો? પછી નેત્રાવતીએ પણ ગુસ્સામાં તેને ઠપકો આપ્યો. જેના કારણે બંને વચ્ચે ફરી ઝઘડો શરૂ થયો હતો.
ભાન ભૂલીને પુત્રએ માતા પર હુમલો કર્યો
દરમિયાન ગુસ્સે ભરાયેલા પુત્રએ ઘરમાં હાજર લોખંડના સળિયા વડે નેત્રાવતીના માથા પર માર માર્યો હતો. વધુ પડતું લોહી વહી જવાને કારણે મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ પછી પુત્રએ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને સરેન્ડર કર્યું હતું. નેત્રાવતીનો પરિવાર છેલ્લા 30 વર્ષથી કેઆર પુરામાં રહેતો હતો. પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો જ્યારે માતા કામ પર જતી હતી. ડીસીપી શિવકુમારે જણાવ્યું કે હત્યા શુક્રવારની સવારે 7 થી 8 વાગ્યાની આસપાસ થઈ હતી. નેત્રાવતીની તેના જ પુત્રએ લોખંડના સળિયા વડે હત્યા કરી હતી. આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેમજ વધુ પૂછપરછ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
આ પણ વાંચો: બ્રેકિંગ ન્યૂઝઃ લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્ન એનાયત થશે