ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં બે ગરનાળા 48 કલાકથી પાણી-ગંદકીથી ભરાયેલા, કાળીગામ ગરનાળામાં મૂકેલો પંપ બંધ હાલતમાં

Text To Speech

અમદાવાદઃ શહેરમાં પડેલા અનરાધાર વરસાદમાં ચારે તરફ પાણી પાણી થઇ ગયું હતું. મ્યુનિસિપલ તંત્ર દ્વારા મંગળવારે મોડી સાંજ સુધીમાં શહેરમાંથી પાણી ઓસરી ગયા હોવાનો અને ક્યાંય પણ પાણી ના ભરાય હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે 48 કલાક બાદ પણ શહેરના ગરનાળા પાણીથી ભરાયેલા જોવા મળ્યા હતા અને તેની આસપાસ ગંદકી જોવા મળી હતી.

AHMEDAABD RAIN
AHMEDAABD RAIN

રાણીપ વિસ્તારમાં આવેલું કાળીગામ ગરનાળું આખું ગટરના પાણીથી ભરેલું જોવા મળ્યું હતું. કચરા અને વરસાદી પાણી ભરાયેલું આ ગરનાળામાં ત્રણ દિવસથી પાણીનો કોઈ નિકાલ થયો નથી. રાણીપ વિસ્તારમાં જ આવેલો GST અંડરબ્રિજ પણ આજે પણ પાણીથી ભરાયેલો છે. વરસાદ બંધ થયા અને આજે ત્રીજા દિવસે પણ આ બંને જગ્યાએ પાણી ભરાયેલા છે અને એક જગ્યાએ તો પંપ મૂકેલો છે. પરંતુ બંધ હાલતમાં છે. તેથી કહી શકાય કે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના અધિકારીઓ અને ભાજપના સત્તાધીશો પ્રજાને મૂર્ખ બનાવે છે.

AHMEDABAD RAIN
આખેઆખું ગરનાળું પાણીથી ભરાયેલું હતું

વરસાદી પાણી અને કચરાથી ખદબદતું ગરનાળુ બની ગયું

મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા મંગળવારે સાંજે જણાવવામાં આવ્યું હતું કે, 75થી વધુ જગ્યાએ હેવી વોટર પંપ મૂકી અને પાણીના નિકાલની કામગીરી કરવામાં આવી છે અને વરસાદી પાણીનો નિકાલ થઈ ગયો છે. પરંતુ શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા કાળીગામ કરનારા જ્યાં વર્ષોથી પાણી ભરાવાનો પ્રશ્ન છે ત્યારે જાણવા મળ્યું હતું કે, આખું ગરનાળું ગંદકી અને ગટરના પાણીથી ખદબદતું જાણે કોઈ ગંદી નદી ભરાયેલી હોય તેવી સ્થિતિમાં જોવા મળ્યું હતું. ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક પંપ ક્યાં મૂકવામાં આવ્યો હતો. પરંતુ તે પણ બંધ હાલતમાં જોવા મળ્યો હતો. કાળીગામથી સુભાષબ્રિજને જોડતા મુખ્ય રસ્તા ઉપર આવેલું ગરનાળું ત્રણ દિવસથી બંધ છે.

AHMEDABAD RAIN
અમદાવાદના રસ્તામાં ભૂવા પડી ગયા હતા

GST અંડરબ્રિજ આખો પાણીમાં ગરકાવ

રાણીપ વિસ્તારમાં આવેલો GST અંડરબ્રિજ જેને હજી સુધી પૂરો નથી કરી શક્યા તે પાણીમાં જોવા મળ્યો હતો. ન્યુ રાણીપ તરફ અડધું પાણી જોવા મળ્યું હતું. હજી સુધી ત્યાં દીવાલ બની નથી જેના કારણે માટીનો રોડ છે અને અંડરબ્રિજને અડીને સાઇડમાંથી લોકો પસાર થાય છે. માટીના કારણે રોડ બેસી જવાની પૂરેપૂરી શક્યતા છે. જો ઝડપી કામગીરી નહિ થાય તો કોઈપણ જાનહાનિ થઈ શકે છે. સોમવારે વહેલી સવારે વરસાદ બંધ થયા બાદ આજે બુધવારે બપોરે 11 વાગ્યા સુધી પણ આખું ગરનાળુ પાણીમાં જોવા મળ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના અધિકારીઓ શહેરમાં તમામ મશીનરી અને કર્મચારીઓને કામે લગાવી અને વરસાદી પાણીનો નિકાલ કર્યો હોવાની મસમોટી વાત કરી હતી. પરંતુ રિપોર્ટમાં કરેલી કામગીરીની પોલ ખૂલી ગઈ છે.

અનેક વિસ્તારોમાં રોડ બેસી જતા વાહનચાલકો હેરાન

શહેરના અલગ-અલગ વિસ્તારમાં હજી પણ અનેક જગ્યાએ રોડ બેસી ગયા અને માટી બેસી ગયા હોવાની ફરિયાદો સામે આવી છે. પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી ચાર રસ્તાથી પરિમલ ગાર્ડન તરફ જવાના રોડ ઉપર આખો રોડ બેસી ગયો છે અને ભુવો પડી ગયો છે. જ્યારે સુરધારા સર્કલ પાસે પણ મોટો ભુવો પડી ગયો છે. જેના કારણે વાહનચાલકો અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. કેટલીક જગ્યાએ તો નાના રોડ બેસી ગયા અને ભુવાની ફરિયાદમાં બેરીકેડ અથવા ત્યાંથી રોડને સરખો કરવા કોઈ કામગીરી કરાઈ નથી. કેટલાક વિસ્તારોમાં હજી પણ પાણીના કાદવ-કીચડના કારણે ગંદકી ફેલાયેલી છે. જેના કારણે રોગચાળો ફાટી નિકળે તેવી શક્યતા છે. અનેક જગ્યાએ દવાનો છંટકાવ કરવાની જરૂર છે. પરંતુ છંટકાવ કરવામાં આવ્યો નથી. દવાના છંટકાવ માટે કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અને ભાજપના સત્તાધીશોએ મંજૂર કર્યો છે પરંતુ ક્યાંય પણ તેની કામગીરી જણાઇ નથી.

Back to top button