ટ્રેન્ડિંગનેશનલ

હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટનો ઝટકો, ધરપકડ વિરુદ્ધની અરજી સાંભળવા ઇનકાર

Text To Speech
  • હાઇકોર્ટમાં સુનાવણી નહીં થાય તો સુપ્રીમ કોર્ટના દરવાજા ખુલ્લા છે : SC

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી: મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટનો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે હેમંત સોરેનની ED દ્વારા કરવામાં આવેલી ધરપકડ વિરુદ્ધની અરજી સાંભળવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “પહેલા તમે હાઈકોર્ટમાં જાઓ. જો ત્યાંથી સુનાવણી નહીં થાય તો સુપ્રીમ કોર્ટના દરવાજા ખુલ્લા છે.” હેમંત સોરેને તેની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. હેમંત સોરેનની 31 જાન્યુઆરીની રાત્રે ED દ્વારા જમીન કૌભાંડ સંબંધિત કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હેમંત સોરેનના સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ ચંપઈ સોરેનને નવા ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

હેમંત સોરેનના કેસ અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું ?

હેમંત સોરેન વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. કોર્ટે સિબ્બલને વારંવાર પૂછ્યું કે, તેઓ હાઈકોર્ટમાં કેમ ન ગયા. ત્યારે કપિલ સિબ્બલે કહ્યું કે, ‘અમે એવા મુખ્યમંત્રીની વાત કરી રહ્યા છીએ જેની ધરપકડ કરવામાં આવી છે.’ તેના પર જવાબ આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “કોર્ટ દરેક માટે સમાન છે. હાઈકોર્ટ બંધારણીય અદાલત છે. જો આપણે એક વ્યક્તિને મંજૂરી આપીએ તો આપણે દરેકને મંજૂરી આપવી પડશે.” સિબ્બલે કહ્યું કે, “આ કોર્ટ પાસે વિવેકાધીન સત્તા છે. આ એક એવો કેસ છે કે જ્યાં વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો જરૂરી છે.” તેના પર જસ્ટિસ ખન્નાએ કહ્યું કે, “એ સ્પષ્ટ છે કે તેમની ધરપકડ કરવામાં આવી છે. જો તમે ધરપકડનો વિરોધ કરતા હોવ તો હાઈકોર્ટમાં જાવ.” જસ્ટિસ બેલા ત્રિવેદીએ કહ્યું કે, “અગાઉ તમે માત્ર સમન્સને પડકાર્યા હતા.” કોર્ટે કહ્યું કે, “અગાઉનો એક આદેશ છે જેમાં કહેવામાં આવ્યું છે કે તમે હાઈકોર્ટનો સંપર્ક કરો.”

આ પણ જુઓ: ઝારખંડમાં ચંપઈ સોરેન આજે CM તરીકે લેશે શપથ, નવી સરકાર માટે રસ્તો સાફ

Back to top button