ઝારખંડમાં ચંપઈ સોરેન આજે CM તરીકે લેશે શપથ, નવી સરકાર માટે રસ્તો સાફ
- CM બન્યા બાદ 10 દિવસમાં વિધાનસભામાં પોતાની સરકારની બહુમતી સાબિત કરવી પડશે
- ચંપઈ સોરેન રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને મળ્યા, જેની તસવીર આવી બહાર
રાંચી, 2 ફેબ્રુઆરી: ચંપઈ સોરેન આજે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. જેના એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે રાત્રે, તેઓ રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને મળ્યા હતા. આ પછી એક તસવીર પણ બહાર આવી, જેમાં તેઓ રાજ્યપાલ સાથે જોવા મળ્યા હતા. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ચંપઈ સોરેનની સાથે હજુ કેટલા લોકો શપથ લેશે. તેઓ પહેલાથી જ વિધાયક દળના નેતા તરીકે ચૂંટાઈ ચૂક્યા છે. જો કે સીએમ બન્યા બાદ તેમણે 10 દિવસમાં વિધાનસભામાં પોતાની સરકારની બહુમતી સાબિત કરવી પડશે.
અહેવાલ અનુસાર, કોંગ્રેસના ધારાસભ્ય આલમગીર આલમે પુષ્ટિ કરી હતી કે ચંપઈ શુક્રવારે જ શપથ લેશે. તેમણે કહ્યું કે, અત્યારે અમે બધા નેતાઓ જાતે જ નક્કી કરીશું કે શપથવિધિ કયા સમયે થશે. ઉલ્લેખનીય છે કે, ઝારખંડમાં ગુરુવારે દિવસભર રાજકીય ડ્રામા ચાલ્યો હતો. રાજ્યપાલે 5 ધારાસભ્યોને સાંજે 5:30 વાગ્યે મળવા બોલાવ્યા હતા. જેમાં ચંપઈ સોરેન પણ સામેલ હતા. ત્યારે અપેક્ષા હતી કે, રાજ્યપાલ તેમને શપથ ગ્રહણ માટે આમંત્રણ આપશે, પરંતુ તેમ થયું નહીં.
ધારાસભ્ય બે કલાક સુધી પ્લેનમાં બેઠા
આ બાદ ઝારખંડ મુક્તિ મોરચા (JMM) અને ગઠબંધનના તમામ ધારાસભ્યોને હૈદરાબાદ મોકલવાની તૈયારી કરવામાં આવી હતી. JMM –મહાગઠબંધનના ધારાસભ્યો રાંચીથી હૈદરાબાદ જવાના હતા તે બે ચાર્ટર્ડ પ્લેન કેન્સલ કરવા પડ્યા હતા. ધારાસભ્ય લગભગ બે કલાક સુધી પ્લેનમાં બેઠા રહ્યા. પરંતુ ખરાબ હવામાનને કારણે પ્લેન હૈદરાબાદ માટે ઉડી શક્યું ન હતું. ધુમ્મસના કારણે રાંચી એરપોર્ટ પર પ્લેન ટેકઓફ થાય તેટલું દૂર સુધી જોઈ શકાયું ન હતું.
હેમંત સોરેનની અરજી પર પણ આજે સુનાવણી
ચંપઈ સોરેનના શપથ ગ્રહણની સાથે જ ઝારખંડના રાજકારણમાં આજે વધુ ત્રણ મોટા મુદ્દાઓ છવાઈ જવાના છે. ખરેખર, આજે જ નક્કી થશે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) હેમંત સોરેનના કેટલા દિવસના રિમાન્ડ મેળવશે. આ દરમિયાન આજે સુપ્રીમ કોર્ટમાં હેમંત સોરેનની અરજી પર પણ સુનાવણી થવાની છે. આ સાથે એ પણ સસ્પેન્સ છે કે ધારાસભ્ય હૈદરાબાદ જશે કે નહીં?
રાજ્યમાં હાલની સ્થિતિ શું છે?
ઝારખંડમાં કુલ 81 વિધાનસભા બેઠકો છે, એટલે કે બહુમતનો આંકડો 41 છે. ઝારખંડમાં જેએમએમ, કોંગ્રેસ, આરજેડી અને સીપીઆઈ (એમએલ)ની ગઠબંધન સરકાર છે, તેમના કુલ ધારાસભ્યોની સંખ્યા 48 છે, જે બહુમતી કરતા 7 વધુ છે. જેમાં જેએમએમના 29, કોંગ્રેસના 17, આરજેડીના 1 અને સીપીઆઈ (એમએલ)ના 1 ધારાસભ્યો છે.
ચંપઇ સોરેનનું નામ પહેલેથી જ નક્કી
હેમંત સોરેનના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ અને મની લોન્ડરિંગ કેસમાં બુધવારે રાત્રે ED દ્વારા તેમની ધરપકડ બાદ ચંપઈ સોરેન JMM ધારાસભ્ય પક્ષના નવા નેતા બન્યા. આ પછી તેઓ આજે સીએમ પદના શપથ લેશે.
આ પણ જુઓ: ઝારખંડમાં રાજકીય અસ્થિરતા વચ્ચે સત્તા બચાવવા હૈદરાબાદ લઈ જવાતા MLA એરપોર્ટ ઉપર અટવાયા