નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી : જ્ઞાનવાપી સંકુલમાં આવેલા વ્યાસ ભોંયરામાં પૂજન માટે પરવાનગી આપવામાં આવી છે, ત્યારબાદ બુધવારે મોડી રાત્રે વ્યાસ ભોંયરામાં મૂર્તિઓ મૂકીને પૂજનનો પ્રારંભ કરાયો હતો. બીજી તરફ મુસ્લિમ પક્ષે વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાના અધિકાર વિરુદ્ધ અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. અંજુમન એરેન્જમેન્ટ કમિટીએ વહેલી સુનાવણીની વિનંતી કરી છે અને નીચલી કોર્ટના નિર્ણયને પડકાર્યો છે. ઉલ્લેખનીય છે કે હિન્દુ પક્ષો પહેલાથી જ કેવિયેટ દાખલ કરી ચૂક્યા છે.
મુસ્લિમ પક્ષે 15 દિવસની મુદત વધારવાની માંગણી કરી
મળતી માહિતી મુજબ, જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાના અધિકારનો મામલો ફરી વારાણસી જિલ્લા કોર્ટમાં પહોંચ્યો છે. મુસ્લિમ પક્ષે કોર્ટ પાસે 15 દિવસનો સમય વધારવાની માંગણી કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે 15 દિવસ સુધી આદેશનો અમલ કરવામાં ન આવે. હાઇકોર્ટમાં અરજી દાખલ કરવા માટે સમય માંગવામાં આવ્યો છે.
પહેલા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા
મહત્વનું છે કે આ પહેલા જ્ઞાનવાપી કેસમાં અંજુમન એરેન્જમેન્ટ્સ મસ્જિદ કમિટીએ જિલ્લા ન્યાયાધીશના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, જેમાં હિન્દુ પક્ષને મસ્જિદના સીલબંધ ભોંયરામાં અંદર પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મસ્જિદ સમિતિએ ગઈકાલે રાત્રે સુપ્રીમ કોર્ટના વેકેશન રજિસ્ટ્રારનો સંપર્ક કર્યો અને આદેશના 7 કલાકની અંદર વારાણસી વહીવટીતંત્ર દ્વારા રાતોરાત તેના અમલીકરણના કારણોની તાત્કાલિક સૂચિ માંગી હતી.