Budget 2024: ટેકનોલોજી ક્ષેત્ર ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું
નવી દિલ્હી, 01 ફેબ્રુઆરી: વચગાળાના બજેટમાં કેન્દ્ર સરકારે ખાસ કરીને યુવાનો, મહિલાઓ અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કેન્દ્રીય નાણામંત્રીએ આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે વધુ એક પગલું ભર્યું છે. આ ઉપરાંત, ટેક-સેવી યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે 1 લાખ કરોડ રૂપિયાનું ભંડોળ ઊભું કરવાની વાત કરાઈ છે. તેમજ ડીપ-ટેક ટેક્નોલોજી માટે નવી સ્કીમ લાવવાની વાત કરાઈ છે. નાણા મંત્રીએ કહ્યું કે, નવા યુગની ટેક્નોલોજી અને ડેટા લોકોના જીવન અને વ્યવસાયને બદલી રહ્યા છે.
સંચાર મંત્રાલયને 1.37 લાખ કરોડ ફાળવાયા
નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતાં કહ્યું કે, યુવાનોને 50 વર્ષ સુધી વ્યાજમુક્ત લોન આપવા માટે 1 લાખ કરોડ રૂપિયાનું ફંડ ઊભું કરવામાં આવશે. આનાથી ખાનગી ક્ષેત્રને સંશોધન વધારવા માટે પ્રોત્સાહિત કરાશે. આત્મનિર્ભરતા સ્થાપિત કરવા માટે સરકાર સુરક્ષા અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડીપ-ટેક ટેક્નોલોજી માટે નવી યોજના લાવશે. આ માટે સંચાર મંત્રાલય માટે 1.37 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન
સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યૂફેક્ચરિંગ ઇકોસિસ્ટમના વિકાસ માટેનું બજેટ બમણાથી વધુ કરવામાં આવ્યું છે. ગયા નાણાકીય વર્ષમાં, કેન્દ્ર સરકારે આ માટે 3,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું હતું, જે આ નાણાકીય વર્ષ માટે વધારીને 6,903 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. સરકારે આત્મનિર્ભર ભારતને વધારવા માટે આ જાહેરાત કરી છે. મોટી ટેક્નોલોજી કંપનીઓ હવે ભારતમાં સ્માર્ટફોન અને લેપટોપ બનાવી રહી છે. સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લેની ઇકોસિસ્ટમ વિકસિત થયા પછી, આ કંપનીઓની સપ્લાય ચેઇન મજબૂત થશે અને ઉપકરણ ઉત્પાદનને વેગ મળશે.
આ પણ વાંચો: ખેડૂતો પાસેથી સરકાર તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરશે, જાણો શું નક્કી કરાયો ભાવ