Budget 2024 LIVE : 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા: નાણામંત્રી
- અર્થવ્યવસ્થામાં છેલ્લા 10 વર્ષમાં ઘણા સકારાત્મક ફેરફારો જોવા મળ્યા : નિર્મલા સીતારમણ
- ભારતે કોવિડ-19 રોગચાળાના પડકારોને પાર કરી, આત્મનિર્ભર ભારતનો નાખ્યો પાયો : નાણામંત્રી
નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી: સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા અંતરિમ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, “ભારતીય અર્થવ્યવસ્થામાં છેલ્લા 10 વર્ષમાં ઘણા સકારાત્મક ફેરફારો જોવા મળ્યા છે. 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. અમારી કામગીરીના આધારે અમે આશા રાખીએ છીએ કે સરકારને ફરીથી મજબૂત જનાદેશ મળશે. ભારતે કોવિડ-19 રોગચાળાના પડકારોને પાર કરી, આત્મનિર્ભર ભારતનો પાયો નાખ્યો છે. માળખાકીય સુધારાઓ, જન-મૈત્રીપૂર્ણ કાર્યક્રમો અને રોજગારીની તકોએ અર્થવ્યવસ્થાની કાયાકલ્પ કરવામાં મદદ કરી છે. પંચ પંચ પ્રાણે અમૃતકાળ માટે મજબૂત પાયો તૈયાર કર્યો છે, અમે 2047 સુધીમાં વિકસિત ભારત માટે કામ કરી રહ્યા છીએ.
મફત રાશન યોજનાને કારણે 80 કરોડ લોકોની અન્નની ચિંતાનો આવ્યો અંત
નાણામંત્રીએ વધુમાં કહ્યું કે, “પંચ પંચ પ્રાણે અમૃતકાળ માટે મજબૂત પાયો તૈયાર કર્યો છે, અમે 2047 સુધીમાં વિકસિત ભારત માટે કામ કરી રહ્યા છીએ. સામાજિક ન્યાયએ અમારી સરકારનું મોડલ છે. ગરીબો, મહિલાઓ, યુવાનો અને અન્નદાતાઓ પર વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. 78 લાખ સ્ટ્રીટ વેન્ડરોને PM-સ્વાનિધિનો લાભ મળ્યો, PM વિશ્વકર્મા યોજનાનો પણ ફાયદો થયો. મફત રાશનથી 80 કરોડ લોકોની અન્નની ચિંતાનો અંત આવ્યો. 2014માં જ્યારે મોદી સરકાર સત્તામાં આવી, ત્યારે ભારત વિશાળ પડકારોનો સામનો કરી રહ્યું હતું; સરકારે તેમના પર સાચા અર્થમાં નિયંત્રણ પ્રાપ્ત કર્યું છે.
ફુગાવાને અંકુશમાં લેવા માટે લીધેલા પગલાંએ નિર્ધારિત ધ્યેય સાધવામાં મદદ કરી
નાણામંત્રીએ કહ્યું કે, “દેશના 1.4 કરોડ યુવાનોને કૌશન ભારત મિશનનો લાભ મળ્યો છે. પીએમ મુદ્રા યોજના હેઠળ મહિલા ઉદ્યોગ સાહસિકોને 30 કરોડ લોનનું વિતરણ કરવામાં આવ્યું છે. પીએમ મુદ્રા યોજના હેઠળ 22.5 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. સરકારે સમાવેશી વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને GDPને ‘સરકાર, વિકાસ અને પ્રદર્શન’નો નવો અર્થ આપ્યો છે. જન ધન ખાતા દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી રૂ. 34 લાખ કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જેના પરિણામે રૂ. 2.7 લાખ કરોડની બચત થઈ હતી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પરિવર્તનાત્મક સુધારાઓ રજૂ કરી રહી છે. ફુગાવાને અંકુશમાં લેવા માટે લીધેલા પગલાઓએ તેને નિર્ધારિત મર્યાદામાં લાવવામાં મદદ કરી.”
મહિલા સશક્તિકરણ માટેની કામગીરી
નાણામંત્રીએ વધુમાં જણાવ્યું કે, “આગામી પાંચ વર્ષ દેશ માટે અભૂતપૂર્વ વિકાસનો સમય રહેશે, જે વિકસિત ભારતનો માર્ગ મોકળો કરશે. સરકારનો ભાર જીડીપીના વિસ્તરણ, બહેતર શાસન, વિકાસ અને કામગીરી પર છે. ટ્રિપલ તલાકને ગેરકાયદેસર બનાવવું, મહિલાઓ માટે એક તૃતીયાંશ વિધાનસભા બેઠકો અનામત રાખવી એ સરકારના મહિલા સશક્તિકરણ કાર્યક્રમને હાઇલાઇટ કરે છે. કોવિડ રોગચાળો હોવા છતાં, પીએમ આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ત્રણ કરોડ મકાનો આપવામાં આવ્યા હતા, પરિવારોને બે કરોડ નવા મકાનો પણ આપવામાં આવશે.”
સરકાર મધ્યમ વર્ગ માટે વિશેષ આવાસ યોજના લાવશે
સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ‘રૂફટોપ સોલાર’ પ્રોજેક્ટ હેઠળ, એક કરોડ પરિવારોને દર મહિને 300 યુનિટ મફત વીજળી. નેનો યુરિયા ખાતરનો ઉપયોગ એગ્રો-ક્લાઇમેટ ઝોનમાં વિવિધ પાકોમાં કરવામાં આવશે. સરકાર મધ્યમ વર્ગ માટે ખાસ આવાસ યોજના લાવશે, ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટીઓ અને ચાલમાં રહેતા લોકો માટે એક યોજના રહેશે. હાલની જિલ્લા હોસ્પિટલોને મેડિકલ કોલેજમાં પરિવર્તિત કરવા અંગે સૂચનો આપવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. સરકાર દેશ માટે ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ અને વધુ સંસાધન કાર્યક્ષમ આર્થિક વિકાસને ટકાવી રાખવામાં મદદ કરશે. સરકાર ડેરી ખેડૂતોને ટેકો આપવા માટે એક યોજના લાવશે.”
આ પણ જુઓ : શેરબજાર આજે તેજી સાથે ખૂલ્યું, પરંતુ paytmના શેરમાં આવ્યો 20% નો ઘટાડો