બજેટના દિવસે મોંઘવારીનો માર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં થયો ધરખમ વધારો
નવી દિલ્હી, 01 ફેબ્રુઆરી: બજેટ રજૂ થયાના પહેલાં સરકારે જનતાનો મોટો ઝટકો આપ્યો છે. ઑઇલ માર્કેટિંગ કંપનીએ કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. 19 KG કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 14 રૂપિયાનો વધારો કરાયો છે. મહત્ત્વનું છે કે, આ ભાવ 01 ફેબ્રુઆરી એટલે આજથી લાગુ થશે. IOCના જણાવ્યા અનુસાર, 01 ફેબ્રુઆરીએ દિલ્હીમાં 19 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત વધીને 1769.50 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ગયા મહિને 01 જાન્યુઆરીએ તેનો રેટ 1755.50 રૂપિયા હતો.
દેશના પ્રમુખ શહેરોમાં LPGના ભાવ વધ્યા
કોલકાતામાં પ્રતિ સિલિન્ડરની કિંમતમાં 18 રૂપિયાનો વધારો કરાયો છે. કોલકાતામાં 19 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત 1869 રૂપિયાથી વધીને 1887 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈની વાત કરીએ તો 15 રૂપિયાનો વધારો થયો છે. ગયા મહિને સિલિન્ડરનો દર 1708.50 રૂપિયા હતો જે હવે વધીને 1723.50 રૂપિયા થઈ ગયો છે. ચેન્નઈમાં 12.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવ 1924.50 રૂપિયાથી વધીને 1937 થઈ ગયા છે.
ઘરેલું એલપીજીના ભાવમાં કોઈ ફેરફાર નથી
જો કે, ઘરોમાં વપરાતા LPG સિલિન્ડરની કિંમત માત્ર 903 રૂપિયા છે, તેની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભારતની સરકારી ઑઇલ કંપનીઓ ઇન્ડિયન ઑઈલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (HPCL) અગાઉના સરેરાશ આંતરરાષ્ટ્રીય ભાવોના આધારે દર મહિનાની 1લી તારીખે LPG અને એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF)ના વેચાણના ભાવમાં સુધારા-વધારા કરે છે.
આ પણ વાંચો: રાષ્ટ્રપતિની મહોર બાદ કેબિનેટે પણ વચગાળાના બજેટને આપી મંજૂરી