ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલ

જ્ઞાનવાપી સંકુલના વ્યાસ ભોંયરામાં 31 વર્ષ બાદ થઈ પૂજા, અવરોધો દૂર કરાયા

  • જ્ઞાનવાપી સંકુલમાં 31 વર્ષ બાદ દીપ પ્રગટાવવામાં આવ્યા  
  • ભોંયરામાંથી અવરોધ દૂર કરાયા તેમજ જ્ઞાનવાપી મંદિર માર્ગનું સાઈનબોર્ડ લગાવાયુ

વારાણસી, 1 ફેબ્રુઆરી: હિન્દુ પક્ષની અરજી પર વારાણસી કોર્ટે જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનો પરવાનગી આપી છે. જે બાદ આજે (1 ફેબ્રુઆરી) આખરે 31 વર્ષ બાદ જ્ઞાનવાપી કેમ્પસમાં પૂજાનો પ્રારંભ થયો છે. પૂજા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પહોંચી ગયા હતા. કોર્ટ દ્વારા પૂજાની પરવાનગી આપવામાં આવતા ભોંયરામાંથી અવરોધ દૂર કરાયા તેમજ જ્ઞાનવાપી મંદિર માર્ગનું સાઈનબોર્ડ લગાવવામાં આવ્યું હતું.

 

 

વિશ્વનાથ મંદિરના મુખ્ય પૂજારી ઓમ પ્રકાશ મિશ્રા અને અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા માટે શુભ સમય નક્કી કરનાર ગણેશ્વર દ્રવિડે વ્યાસજીના ભોંયરામાં પૂજાનું કરાવી હતી. પૂજા-પાઠના અધિકારો કાશી વિશ્વનાથ ટ્રસ્ટને સોંપવામાં આવ્યા છે.

 

કાશી વિશ્વનાથ ટ્રસ્ટ બોર્ડના હાથમાં અધિકારો

ઉલ્લેખનીય છે કે, કોર્ટના આદેશ બાદ રાતોરાત ભોંયરામાંથી બેરિકેટ હટાવી દેવામાં આવ્યા હતા. આ પછી વહેલી સવારથી લોકો પૂજા માટે એકત્ર થયાં હતા. ચુસ્ત વહીવટી સુરક્ષા કવચ હેઠળ પૂજા કરવામાં આવી હતી. ભારે ફોર્સની હાજરીમાં ભક્તોએ વ્યાસ ભોંયરામાં જઈને પ્રાર્થના કરી હતી. આ પૂજા કાશી વિશ્વનાથ ટ્રસ્ટ બોર્ડ દ્વારા કરવામાં આવી છે. આ દરમિયાન રાત્રિના સમયે કેટલાક યુવકોએ જ્ઞાનવાપી તરફ જતા રોડ પરના સાઈન બોર્ડ પર ‘જ્ઞાનવાપી મંદિર માર્ગ’ લખ્યું હતું. જેની તસવીર વાયરલ થઈ રહી છે.

વાસ્તવમાં વારાણસી કોર્ટના જજ અજય કૃષ્ણ વિશ્વેશે બુધવારે (31 જાન્યુઆરી) હિન્દુઓને જ્ઞાનવાપી સંકુલના ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપતો ચુકાદો આપ્યો હતો. તેમણે જિલ્લા વહીવટીતંત્રને 7 દિવસમાં વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો. જે બાદ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું હતું અને ગણતરીના કલાકોમાં જ બેરિકેડ વગેરે ખોલી દેવામાં આવ્યા હતા અને વ્યાસ ભોંયરામાં પૂજાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

વ્યાસ ભોંયરામાં 31 વર્ષ બાદ પૂજા

કોર્ટના નિર્ણયના 9 કલાક બાદ જ અવરોધો દૂર કરવામાં આવ્યા હતા અને મોડી રાત્રે પૂજા પણ શરૂ કરવામાં આવી હતી. ગુરુવારે રાત્રે 12:00 વાગ્યે, ભારે ફોર્સની હાજરીમાં, બેરિકેડિંગ ખોલવામાં આવ્યું હતું અને વિશ્વનાથ મંદિરથી જ્યાં નંદી મહારાજ બેઠા છે તેની સામે ભોંયરામાં પહોંચવા માટે એક રસ્તો બનાવવામાં આવ્યો હતો.

સરવે દરમિયાન ત્યાંથી મળી આવેલી મૂર્તિઓને રાખવામાં આવી હતી અને મોડી રાત સુધી પૂજા-આરતી કરવામાં આવી હતી અને ભોગ-પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આજથી શયન આરતી, મંગલ આરતી સહિતની પૂજાની તમામ વિધિઓ વ્યાસજીના ભોંયરામાં ઉપસ્થિત દેવી-દેવતાઓની મૂર્તિઓ સમક્ષ કરવામાં આવશે. મોડી રાત્રે વહીવટીતંત્રે ભોંયરામાં અંદર પૂજા વગેરેની વ્યવસ્થા કાશી વિશ્વનાથ ટ્રસ્ટને સોંપી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે, માત્ર 9થી 10 કલાકમાં જ સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રે સંયુક્તપણે જિલ્લા ન્યાયાધીશના આદેશનું પાલન કરીને જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત વ્યાસ ભોંયરું ખોલી તેમાં પૂજા અર્ચના કરી હતી. મધ્યરાત્રિએ કોર્ટના આ આદેશનું પાલન કર્યા પછી, આ માહિતી ખુદ વારાણસીના જિલ્લા અધિકારીએ શેર કરી હતી.

વારાણસી કોર્ટે નિર્ણયમાં શું જણાવ્યું ?

બુધવારે બપોરે લગભગ 3 વાગ્યે, વારાણસી જિલ્લા ન્યાયાધીશ અજય કૃષ્ણ વિશ્વેશની અદાલતે આદેશ આપ્યો હતો કે, જ્ઞાનવાપી સ્થિત વ્યાસ ભોંયરાની બેરીકેટીંગ દૂર કરવામાં આવે અને ત્યાં પૂજા કરવામાં આવે. જે બાદ વારાણસીના પોલીસ અને વહીવટી અધિકારીઓ વચ્ચે મેરેથોન મીટિંગનો રાઉન્ડ શરૂ થયો અને લગભગ 10:00 વાગ્યે કાશી વિશ્વનાથ મંદિરના ગેટ નંબર 4ની અંદર પહોંચ્યા ત્યારબાદ, પોલીસ અને વહીવટી અધિકારીઓએ મીટિંગ થઈ અને કાર્યવાહી કરવામાં આવી.

રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ બહાર નીકળતી વખતે વારાણસીના પોલીસ કમિશનર અશોક મુથા જૈને કહ્યું કે, “તમામ વ્યવસ્થા બરાબર છે”, જ્યારે જિલ્લા અધિકારી એસ. રાજલિંગમે સ્પષ્ટપણે આ માહિતી શેર કરી કે, “માનનીય કોર્ટના આદેશનું પાલન કરવામાં આવ્યું છે.”

આ પણ જુઓ : શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસના અરજદારને મળી જાનથી મારી નાખવાની ધમકી

Back to top button