ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પાટલી બદલતાં જ નીતિશ કુમારે રાહુલ ગાંધી પર કર્યો વળતો પ્રહાર

પટણા (બિહાર), 31 જાન્યુઆરી: નીતીશ કુમારે જાતિ ગણતરીના મુદ્દે વિરોધ પક્ષો પર પ્રહારો કર્યા છે. તેમણે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવનું નામ લીધા વગર કહ્યું કે, જે લોકો આનો શ્રેય લઈ રહ્યા છે પણ ત્યારે આ લોકો ક્યાં હતા જ્યારે મેં આ અંગે પહેલીવાર ચર્ચા કરી હતી. આજે જે વાતો થઈ રહી છે તે બધી જ વાતો નકામી છે. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો દાવો છે કે રાજ્યમાં જાતિ આધારિત સર્વે કોંગ્રેસના દબાણ હેઠળ કરવામાં આવ્યો છે તે વાહિયાત છે. વિપક્ષી ગઠબંધન ‘INDIA’ છોડીને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં પાછા ફર્યાના ત્રણ દિવસ બાદ પત્રકારો સાથે વાત કરતા નીતીશ કુમારે એ પણ દાવો કર્યો હતો કે વિપક્ષી ગઠબંધન માટે આપવામાં આવેલું નામ તેમને પસંદ નહોતું.

રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો

નોંધનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે દાવો કર્યો હતો કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે મહાગઠબંધન સહયોગીઓના દબાણમાં જાતિ સર્વેક્ષણનો આદેશ આપ્યો હતો, જે પછી તે ખુદ આમાં ફસાઈ ગયા છે. પૂર્ણિયા જિલ્લામાં એક રેલીને સંબોધતા રાહુલે જેડીયુ પ્રમુખ પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે લોકોએ સમજવાની જરૂર છે કે કોંગ્રેસ અને આરજેડી દ્વારા જાતિ સર્વેક્ષણની વાત કર્યા બાદ નીતીશ કુમાર પોતે ફસાઈ ગયા હતા. આ પછી ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેમને બહાર નીકળવાનો રસ્તો આપ્યો હતો.

તેજસ્વી યાદવે નીતીશ પર નિશાન સાધ્યું

નીતીશ કુમાર બીજેપીમાં જોડાયા અને નવી સરકાર બનાવ્યા બાદ તેજસ્વી યાદવે કહ્યું હતું કે અમે અત્યારે કોઈના પર કોઈ અંગત ટિપ્પણી કરવા માંગતા નથી. પરંતુ એ વાત સાચી છે કે છેલ્લા કેટલાક મહિનામાં RJDએ સરકારમાં રહીને એવું કામ કર્યું છે જેની ભાજપ અને નીતીશ કુમાર કલ્પના પણ કરી શકશે નહીં. તેમણે દાવો કર્યો હતો કે જે કામ નીતીશ કુમાર 17 વર્ષમાં નથી કરી શક્યા તે અમે માત્ર 17 મહિનાની સરકારમાં કરી બતાવ્યું છે. તેજસ્વી યાદવે એમ પણ કહ્યું કે, તમે લેખિતમાં લખી લો કે, જેડીયુ પાર્ટી 2024માં જ ખતમ થઈ જશે. નોંધનીય છે કે વર્ષ 2022માં નીતીશ કુમારે એનડીએ ગઠબંધનથી અલગ થઈને આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સાથે મળીને સરકાર બનાવી હતી. હવે ફરી એકવાર તેમની પાર્ટીએ પક્ષપલટો કરીને NDAમાં સામેલ થઈ ગઈ છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીએ નીતીશકુમારની મજાક ઊડાવી, કહ્યું- ‘થોડુંક દબાણ આવતાં જ પલટી મારી’

Back to top button