હમાસના જેહાદીઓ જેવી સુરંગ નકસ્લીઓએ દાંતેવાડામાં બનાવી, જૂઓ વીડિયો
- હમાસના આતંકવાદીઓની જેમ છત્તીસગઢના દંતેવાડામાં નક્સલવાદીઓએ બનાવી સુરંગ
- પોલીસ અને સુરક્ષા દળો પર હુમલો કરવાના હેતુથી બનાવવામાં આવી સુરંગ, દંતેવાડા પોલીસે સુરંગનો વીડિયો શેર કર્યો
છત્તીસગઢ, 31 જાન્યુઆરી: હમાસ અને ઈઝરાયેલના યુદ્ધમાં હમાસના આતંકવાદીઓએ સુરંગોનો સહારો લઈ યુદ્ધ કર્યું એ આપણે સૌ કોઈ જાણીએ જ છીએ. ત્યારે હવે છત્તીસગઢના દંતેવાડામાં પણ નક્સલવાદીઓ દ્વારા બનાવેલ ઊંડી અને લાંબી સુરંગો પોલીસને મળી આવી છે. દંતેવાડા છત્તીસગઢનો નક્સલ પ્રભાવિત જિલ્લો છે. જિલ્લાની કુલ વસ્તી 14 હજારથી ઓછી છે. ચારે બાજુ ગાઢ જંગલો છે. જેના કારણે નક્સલવાદીઓ ઘુસણખોરી કરે છે.
આ વિસ્તારના જંગલોમાંથી અનેક વખત પોલીસ અને સુરક્ષા દળો પર હુમલાઓ કરવામાં આવ્યા છે અને અનેક વખત આ વિસ્તારોમાંથી નક્સલવાદીઓ પકડાયા છે. હવે નક્સલવાદીઓએ હમાસના આતંકવાદીઓની જેમ દંતેવાડામાં સુરંગ બનાવી છે. આવી જ એક સુરંગનો ખુલાસો દંતેવાડા પોલીસે કર્યો છે. તેનો વીડિયો પણ પોલીસે શેર કર્યો છે.
View this post on Instagram
30 જાન્યુઆરી, 2024 ના રોજ, નક્સલવાદીઓએ સુકમા અને બીજાપુર જિલ્લાની સરહદો વચ્ચે બનેલા નવા સુરક્ષા કેમ્પ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ CRPF જવાનોને શહીદ થયા હતા. તેમાંથી બે કોબ્રા બટાલિયનના હતા. આ સિવાય 14 જવાનો ઘાયલ થયા હતા. ત્યાર બાદ પોલીસ અને સુરક્ષા દળો એક્સનમાં આવીને સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું. ત્યારે પોલીસને આ વિસ્તારમાંથી ઊંડી અને લાંબી સુરંગ મળી આવી હતી. જ્યારે નક્સલવાદીઓ હુમલો કર્યો બાદ જંગલમાં ભાગી ગયા હતા.
સુરંગ ખૂબ જ ઊંડી અને ખુલ્લી
વીડિયોમાં સુરંગોની ઊંડાઈ જોઈ શકાય છે. તે ખુબજ લાંબી અને ઊંડી છે. વચ્ચેની સુરંગોમાં ખુલ્લી જગ્યા આપવામાં આવી છે, જેથી નક્સલવાદીઓ તેમાંથી બહાર આવીને સુરક્ષા દળો પર હુમલો કરી શકે. આ ટનલોને છુપાવવા માટે લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને પછી તેના પર માટી નાખવામાં આવી છે.
નક્સલવાદીઓએ પહેલીવાર બનાવી આવી સુરંગ
નક્સલવાદીઓ વચ્ચે આવી સુરંગ પહેલીવાર જોવા મળી છે. મળતી માહિતી મુજબ આ ટનલ દંતેવાડા-બીજાપુર બોર્ડર પર બનાવવામાં આવી હતી. હમાસે હવાઈ હુમલાથી બચવા માટે ઈઝરાયેલમાં આવા બંકરો બનાવ્યા હતા. સુરક્ષા વિભાગમાં એવી ચર્ચા છે કે નક્સલવાદીઓ વચ્ચે આ પ્રકારની સુરંગ અગાઉ ક્યારેય જોવા મળી નથી.
ઈઝરાયેલની ટેક્નોલોજીથી સુરંગોનો નાશ કરવામાં આવશે
આવું પહેલીવાર બની રહ્યું છે કે નક્સલવાદીઓ આવી સુરંગ બનાવી તેમાં છુપાયા હોય. આવી ટનલ મોટાભાગે એવા વિસ્તારોમાં જોવા મળે છે જ્યાં હવાઈ હુમલાનું જોખમ વધારે હોય છે. અન્ય વિસ્તારોમાં પણ આવી સુરંગોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત એવી ચર્ચા પણ ચાલી રહી છે કે જો આવી ટનલ મોટી સંખ્યામાં મળી આવેશે તો સુરંગોના વિનાશ માટે ઈઝરાયેલની ટેક્નોલોજી પણ લાવી શકાય.
આ પણ વાંચો: લદાખ સરહદે પશુપાલકોએ ચીનાઓનો મક્કમ પ્રતિકાર કર્યો