- અમદાવાદ અને ડિસામાં તાપમાન 16 ડિગ્રી
- ખેડૂતોએ પાકની કાપણી કરી લેવી હિતાવહ છે
- નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયુ
ગુજરાતમાં ફેબ્રુઆરીથી બેવડી ઋતુનો વરતારો છે. જેમાં કેટલાય વિસ્તારોમાં ઠંડી ઓછી થઇ ગઇ છે. તેમાં બપોરના સમયે ગરમીનો પારો વધ્યો છે. ત્યારે નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયુ છે. તથા અમદાવાદ અને ડિસામાં તાપમાન 16 ડિગ્રી છે.
સવારે અને રાત્રિના સમયે જ ઠંડી અનુભવવા મળશે
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ હવે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી તો સવારે અને રાત્રિના સમયે જ ઠંડી અનુભવવા મળશે. જ્યારે દિવસનું તાપમાન 14 ડિગ્રી અને તેથી થોડું વધશે. આ વર્ષે શિયાળામાં પ્રમાણમાં ઠંડીની ઓછી અસર જોવા મળી છે. ખાસ કરીને જાન્યુઆરી માસમાં ઉતરાયણ બાદ ઠંડીની થોડી વધુ અસર વર્તાઈ હતી. હવે ધીમે ધીમે તે ઓરસવા લાગી છે. ખેડૂતોએ ઉતરાયણ પહેલાં રવિ સીઝનના ઘઉં, તમાકુ તથા શાકભાજીના પાકની કાપણી કરી દીધી છે. ઘણાંએ ઉત્તરાયણ પછીના દસ દિવસોમાં કાપણી કરી લીધી છે. ઘણાં ઓછા ખેડૂતો છે જેમણે હવે કાપણી કરવાની બાકી છે.
ખેડૂતોએ પાકની કાપણી કરી લેવી હિતાવહ છે
આગામી બે દિવસમાં વાતાવરણમાં પલ્ટા સાથે સાધારણ માવઠું થાય તે પહેલાં બાકી રહેલા ખેડૂતોએ પાકની કાપણી કરી લેવી હિતાવહ છે. વાતાવરણમાં પલ્ટાના કારણે ઊભા પાકમાં જીવાત પડવાની શક્યતાને પણ નકારી શકાય એમ ન હોવાનું નિષ્ણાતો જણાવે છે. ખેડા જિલ્લામાં મોલોમસીનો ભારે ઉપદ્રવ થઇ ગયો હતો. રવિપાકની કાપણી શરૂ થતાં આ સમસ્યા સર્જાઇ છે. જેમાં રાઇ સહિત અન્ય પાક તૈયાર થઇ જતાં ખેડૂતો દ્વારા કાપણી શરૂ કરી દેવામાં આવી છે. જેને લઇને સવારથી જ મોલોમસીનો રોડ -રસ્તા ઉપર થયેલા ઉપદ્રવને લઇને રાહદારીઓ અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.