ગુજરાતચૂંટણી 2022ટ્રેન્ડિંગ
જામનગર જિલ્લામાં રેડએલર્ટના પગલે તંત્રની તૈયારીઓની સમીક્ષા કરાઈ
જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષ સ્થાને ભારે વરસાદના અનુસંધાને જિલ્લામાં જાહેર થયેલ રેડ એલર્ટના પગલે જિલ્લા વહીવટ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરી અંગેની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડેમના દરવાજાઓ ખોલવાની સ્થિતિ ઊભી થાય તો જરૂરી તકેદારી રાખવા સૂચન કર્યું
બેઠકમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ લગત વિભાગોના અધિકારીઓ પાસેથી વરસાદી કામગીરી અંગેની વિગતો મેળવી હતી. મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ તમામ તાલુકાઓમાં થયેલા કુલ વરસાદની માહિતી મેળવી ડેમના દરવાજાઓ ખોલવાની સ્થિતિ ઊભી થાય તો જરૂરી તકેદારી રાખવા સૂચન કર્યું હતું. વરસાદથી ધોવાયેલ રોડ-રસ્તાનું તત્કાલિક સમારકામ કરી પૂર્વવત્ કરવા, વીજ પુરવઠો ન ખોરવાય તે માટે જરૂરી ટીમો તૈયાર કરવા, એન.ડી.આર.એફ. તથા એસ.ડી.આર.એફ.ની ટીમોની વ્યવસ્થા, તાલુકા વાર આશ્રયસ્થાનોની સ્થિતિ, ફૂડ પેકેટની વ્યવસ્થા, પાણી પુરવઠો તેમજ આવાગમનની વ્યવસ્થા વગેરેની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
જાનમાલની નુકસાની અટકાવવા ખૂબ સુચારૂ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી
મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે ગત વર્ષમાંથી બોધપાઠ લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં જાનમાલની નુકસાની અટકાવવા ખૂબ સુચારૂ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. યુદ્ધના ધોરણે કામ કરતા તંત્રને યોગ્ય સહયોગ આપવા પણ મંત્રી બ્રિજેશ મેરજાસ આ તકે જિલ્લાના નાગરિકોને અપીલ કરી હતી. તેમજ કંઈપણ જરૂરિયાત ઉભી થાય તો મંત્રીશ્રીનું અંગત ધ્યાન દોરવા પણ ઉપસ્થિત અધિકારીઓને મંત્રીએ જણાવ્યું હતું.
બેઠકમાં કોણ-કોણ હાજર હતું ?
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, મેયર બીનાબેન કોઠારી, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન હર્ષાદીપ સુતરીયા, અધીક નિવાસી કલેકટર એમ.પી.પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, તમામ પ્રાંત અધિકારીઓ, અધિક્ષક ઇજનેર પી.જી.વી.સી.એલ, કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ પંચાયત સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.