ગુજરાત
ભાવનગરમાં રૂ.1.32 કરોડ અને રૂ.1.39 લાખની છેતરપીંડીના બે બનાવ
ભાવનગર શહેરમાં છેતરપીંડીના બે બનાવો સામે આવ્યા છે. જેમાં ભાવનગર શહેરના નામાંકિત તબીબને મોબાઈલ ધારક બે હિન્દીભાષી શખ્સોએ તેમની રૂ.3.45 લાખની રકમ પરત આપવા તથા લાઈફ ઈન્સ્યોરન્સની પોલિસી ફ્રોડ લિસ્ટમાંથી બહાર કઢાવવાના બહાને તેમની સાથે રૂ.1.32 કરોડની ઓનલાઈન ઠગાઈ આચરી હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જ્યારે કે, GSRTCના ટીકિટ બુકિંગ એજન્ટે નિગમ સાથે 1.39 લાખની છેતરપિંડી કર્યાંની ફરિયાદ મહુવા પોલીસ મથકમાં નોંધાઈ છે. અલગ અલગ 14 આઈડીથી 500થી વધારે ટીકિટ બુક કરી કેન્સલ કરી નિગમ પાસેથી પૈસા મેળવ્યા હતા. નિગમના ઓડીટમાં સમગ્ર હકીકત સામે આવી હતી.
ઠગાઈ કરવાનો આ નવો કીમિયો ગજબનો !
મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરના વાઘાવાડી રોડ વૃંદાવન સોસાયટીમાં રહેતા અને શહેરના તબીબ રાજેશભાઈ વૃજલાલ બલરે વર્ષ-2010માં ત્રણ લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી લીધી હતી. જે 10 વર્ષની પાકી મુદતે વાર્ષિક પેન્શનમાં કન્વર્ટ થઈ જાય તેવી જોગવાઈ હતી. નિયત સમયમાં પોલિસી પાકતી મુદતે પેન્શન યોજનામાં કન્વર્ટ પણ થઈ ગઈ હતી. દરમિયાનમાં ગત તા.8 ડિસેમ્બર,2021ના રોજ તેમને બેન્કના નામે હિન્દીભાષી શખ્સનો ફોન આવ્યો હતો, અને લાઈફ ઈન્સ્યોરન્સ પેટે બાકી નિકળતાં રૂ.3.45 લાખનો ડીડી તૈયાર હોવાનો વ્હોટસઅપ કરી તેને પેન્શન સ્કીમમાં નાંખી તે તમામ રકમ ઉપાડી શકાય તેવો વિકલ્પ આપ્યો હતો.
લોકપાલનું આઈકાર્ડ મોકલી વિશ્વાસ સંપાદિત કર્યો
તે અજાણ્યા શખ્સે પોતાને લોકપાલનું આઈકાર્ડ મોકલી વિશ્વાસ સંપાદિત કર્યો હતો. જેથી તબીબને વિશ્વાસ થતાં મોબાઈલ ધારકના કહેવા મુજબ તેમને વિગતો આપતા રહેતા હતા. દરમિયાનમાં ઉક્ત શખ્સે રાજકોટના શખ્સે શેર કર્યાનું કહી તેમની પોલીસી પણ તે ફ્રોડ લિસ્ટમાં હોવાનું જણાવીને તે લિસ્ટમાંથી પોલિસી કઢાવવા માટે મનિષ મિશ્રા, જીવન વીમા લોકપાલ, હૈદરાબાદના નામે અરજી કરવા જણાવ્યું હતું.
વિવિધ ચાર્જના નામે ડોક્ટર પાસે કટકે-કટકે રૂપિયા જમા કરાવ્યા
તબીબે આધારો સાથે અરજી કરતા ઈન્કમટેક્ષ વિભાગના ફોર્મ ભરી તે મોકલી આપવા જાણવતાં તબીબે તે પણ ભરી મોકલી અજાણ્યા મોબાઈલ ધારકના જણાવ્યા અનુસાર, વિવિધ ચાર્જ જેવા કે સિક્યુરિટી ફંડ, સિક્યુરિટી મની ચાર્જ, આરટીજીએસ, બેલેન્સ કલિયરન્સ સર્ટિ, હાઈ નક્વર્ક ઈન્ડીવીડુયલ એકા.સર્ટિ, ટોટલ પોલીસી કલિયરન્સ સર્ટિ, ફુલ અનેડ ફાઈનલ સર્ટિ, બે ટેક્ષ રિર્ટન, કસ્ટમર ટ્રાન્ઝેકશન, ચાર્ડ એકાઉન્ટને ફી જેવા હેડ નીચે છ માસ દરમિયાન તેમના બેંક એકાન્ટમાંથી કટકે-કટકે રૂ.1,32,27,177 ની મતા જમા કરાવી હતી.
નાણાકીય વ્યવહાર કરનાર શખ્સનું માર્ગ અકસ્માતમાં મોત થયાનું કહી ફોન બંધ કર્યો
દરમિયાન મનિષ મિશ્રાની સાથે ભગાવનદાસ શાહ નામના શખ્સનું પણ નામ જાહેર થયું હતું. જો કે, આટલી મોટી રકમ ચૂકવ્યા બાદ પણ તબીબને ફોન પર તેમની સાથે ઉક્ત નાણાકીય વ્યવહાર કરનાર શખ્સનું માર્ગ અકસ્માતમાં મોત થયાનું કહી ફોન બંધ કરી દેતાં અને તબીબના વારંવારના સંપર્ક બાદ પણ ફોન ન લાગતાં તેમણે પોતાની સાથે છેતરપીંડી થયાનું માલૂમ પડ્યું હતું. આ અંગે તબીબે સાઈબર ક્રાઈમ સેલમાં ઉક્ત બન્ને શખ્સો વિરૂદ્ધ આઈપીસી 406, 419, 420 તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 66(ડી) મુજબ ગુનો નોંધાવ્યો છે.
ડિસેમ્બર અને જાન્યુઆરી માસની ટીકીટ બુકિંગ કરી કેન્સલ કરી નાંખી
બીજા બનાવમાં મહુવામાં GSRTCના ટીકિટ બુકિંગ એજન્ટ દ્વારા ડિસેમ્બર અને જાન્યુઆરી માસ દરમિયાન એસટી બસ ની અલગ અલગ ટ્રીપોની અંદાજે 552 જેટલી ટીકિટ બુક કર્યાં બાદ કેન્સલ કરી હતી જેના તેણે 1,39,660 નિગમ પાસેથી પરત લીધાં હતા. સંજય બારૈયા અને મોહનીયા નામના એજન્ટ દ્વારા મુસાફરની ટીકિટ બુક કરી મુસાફરી કરાવી દેવામાં આવતી હતી અને મુસાફરી બાદ તે ટીકિટ કેન્સલ કરી હોવાનું બતાવી નિગમ પાસેથી ટિકીટ કેન્સલેશનના પૈસા પરત મેળવી લીધાં હતા.
અગાઉ પણ અનેક એસટી ડેપોમાં આ રીતે થઈ હતી ઠગાઈ
અગાઉ વાંકાનેર, પોરબંદર, સુરતમાં પણ આ રીતે જ ફરિયાદ ઉઠવા પામી હતી. ઉપરોક્ત રૂટમાં ટીકિટો બુક કરી કેન્સલ કરી દેવામાં આવી હતી. પરંતુ નિગમના ઓડિટમાં છેતરપિંડી થયાનું માલુમ થયું હતું. એજન્ટ દ્વારા અલગ-અલગ 14 આઈડી દ્વારા ટીકિટ બુક કરવામાં આવી હતી. જ્યારે સમગ્ર હકિકત સામે આવતા મહુવા ડેપો મેનેજર પ્રજ્ઞાબેન કનૈયાલાલ વ્યાસએ મહુવા પોલીસ મથકમાં સજય આર. બારૈયા તથા અન્ય 14 આઈડી ધારકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે અંગે મહુવા પોલીસે ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી હતી.